બિનીત મોદી (મેરાન્યૂઝ.અમદાવાદ): રાજકારણમાં સમયનું મહત્વ છે તેમ સમયગાળા અને મુદતનું પણ વજૂદ છે. માર્ચ 2020નું આ પહેલું અઠવાડિયું ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ માટે એક અનોખો માઇલસ્ટોન લઇને આવ્યું છે. એ ઘટનાને અવસર કહી શકાય એમ નથી કે કૉંગ્રેસે ઉજવણી કરવી પડે અને ભલું હોય તો આજની ગુજરાત કૉંગ્રેસ ઉજવણી કરે પણ ખરી. માઇલ્સ્ટોન છે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ અને સત્તાને વિખૂટાં પડે આ ચોથી માર્ચ 2020ની સવારે ત્રીસ વર્ષ પૂરા થાય છે. છે ને અનોખો અવસર.

ત્રીસ વર્ષ અગાઉ 4 માર્ચ 1990ની સવારે તત્કાલીન મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું એ પછી એ દિવસની ઘડી અને આજનો દહાડો... ગુજરાત કૉંગ્રેસને ગાંધીનગરનું સચિવાલય નસીબ નથી થયું. રાજીનામાના પગલે બહુમતી મેળવેલા નવા પક્ષ જનતા દળે ભારતીય જનતા પક્ષ સાથે મળીને ચીમનભાઈ પટેલના નેતૃત્વમાં નવી સરકારની રચના કરી, શપથ ગ્રહણ કર્યા. અયોધ્યા યાત્રા અને બિહારમાં લાલ કૃષ્ણ અડવાણીની ધરપકડના વિરોધમાં ભારતીય જનતા પક્ષ સરકારમાંથી ફારેગ થયો ત્યારે કૉંગ્રેસ પક્ષ જનતા દળ તેમજ જનતા દળ-ગુજરાતની સરકારમાં ભાગીદાર થઈ હતી પરંતુ પછી મતભેદોના કારણે અલગ થઈ હતી. ચીમનભાઈ પટેલના અવસાનને પગલે 1994માં રચાયેલી છબીલદાસ મહેતાની સરકારને કૉંગ્રેસ પક્ષે બહારથી ટેકો આપ્યો હતો, મંત્રીમંડળમાં સામેલ ન્હોતી થઈ. આ બે અપવાદોને બાદ કરતા કૉંગ્રેસ પક્ષે ત્રીસ વર્ષથી ગાંધીનગરની ગાદી મેળવવાની બાકી છે.

ત્રીસ વર્ષ – ત્રણ દાયકા જેવો લાંબો સમય સત્તાથી દૂર રહેવામાં કૉંગ્રેસ માટે ગુજરાત ટોચના ક્રમે આવતું મુખ્ય ધારાનું રાજ્ય છે. બીજા રાજ્યો પણ એ યાદીમાં સામેલ છે. નેવુંના દાયકામાં કૉંગ્રેસ પક્ષે રાજીવ ગાંધીના નેતૃત્વમાં એકથી વધુ રાજ્યોમાં સત્તા ગુમાવી હતી. પરંતુ એ રાજ્યોમાં રાજીવ ગાંધીના અવસાન પછીના સમયમાં વડાપ્રધાન પી.વી. નરસિંહરાવ, કૉંગ્રેસ પ્રમુખ સીતારામ કેસરી, સોનિયા ગાંધી અને કેટલેક અંશે રાહુલ ગાંધીના નેતૃત્વ સમયમાં પુનઃ સત્તા પ્રાપ્તિ કરી શકી હતી. પરંતુ ગુજરાત જેનું નામ – અહીં એમ શક્ય બન્યું નથી.

એક રેકોર્ડ-કમ-માહિતી લેખે અહીં એ-ટુ-ઝેડ આગળ જોઇએ કે 1990ના દાયકામાં કયા રાજ્યોમાં કૉંગ્રેસની શું સ્થિતિ હતી અને આ ત્રીસ વર્ષોમાં તેનું શું થયું. જેમ કે આંધ્ર પ્રદેશમાં 1990 અગાઉ એન.ટી. રામારાવ અને તેમની તેલુગુ દેશમ પાર્ટીનું શાસન હતું. 1990થી 1994 વચ્ચે કૉંગ્રેસના એન. જનાર્દન રેડ્ડી અને કે. વિજય ભાસ્કર રેડ્ડી મુખ્યમંત્રી પદ મેળવી શક્યા હતા. 2004માં કૉંગ્રેસના વાય.એસ. રાજશેખર રેડ્ડી સત્તા મેળવી શક્યા હતા. હેલિકોપ્ટર અકસ્માતમાં તેમના અવસાન પછી કે. રોસૈયાહ અને કિરણકુમાર રેડ્ડી કૉંગ્રેસ પક્ષની સત્તા જાળવી શક્યા હતા. ઉલ્લેખનીય છે કે હાલ 2020માં રાજશેખર રેડ્ડીના પુત્ર જગનમોહન રેડ્ડી કૉંગ્રેસથી અલગ થઇને આંધ્ર પ્રદેશમાં સત્તા સંભાળી રહ્યા છે. ત્રીસ વર્ષના સમયગાળામાં આંધ્ર પ્રદેશના કેટલાક જિલ્લા પ્રદેશને અલગ કરી નવા તેલંગાણા રાજ્યની 2014માં રચના થઈ છે. તેલંગાણામાં કૉંગ્રેસ સત્તાથી દૂર છે અને પ્રારંભથી ત્યાં તેલંગાણા રાષ્ટ્ર સમિતિ પક્ષનું શાસન છે.

અરૂણાચલ પ્રદેશમાં 1990થી 2020 વચ્ચે કૉંગ્રેસની સતત આવનજાવન રહી છે અને હાલ 2020માં મૂળ કૉંગ્રેસી એવા મુખ્યમંત્રી પ્રેમા ખાંડુ ભાજપમાં ભળી જઈ સરકાર ચલાવી રહ્યા છે. આસામમાં 1990માં મુખ્યમંત્રી પ્રફુલ્લ કુમાર મહંતાના નેતૃત્વ હેઠળ તેમના પ્રાદેશિક પક્ષ આસામ ગણ પરિષદની સરકાર હતી. એ પછી કૉંગ્રેસના હિતેશ્વર સાઇકિઆની સરકાર રચાઈ હતી. તો તરૂણ ગોગોઈએ 2001થી 2016 એમ પંદર વર્ષ માટે કૉંગ્રેસ પક્ષની સરકારનું નેતૃત્વ કર્યું હતું.

ઉત્તર પ્રદેશ પછી ભારતીય રાજકારણના એપીસેન્ટર ગણાતા બિહારમાં 1990 અગાઉ કૉંગ્રેસના મુખ્યમંત્રીઓ ભગવત ઝા આઝાદ (ક્રિકેટર કિર્તી આઝાદના પિતા), સત્યેન્દ્ર નારાયણ સિંહા અને જગન્નાથ મીશ્રાનું શાસન હતું. એ પછી ભારતીય રાજકારણના ઑલ ટાઇમ ફેવરીટ લાલુ પ્રસાદ યાદવ અને તેમના પત્ની રાબડી દેવી મુખ્યમંત્રી પદે લાંબો સમય રહ્યા તેમજ એકથી વધુ વખત આવનજાવન કરી. જીતન રામ માંઝીના મુખ્યમંત્રી પદના એકમાત્ર અપવાદને બાદ કરતા 2005થી નીતીશકુમાર બિહારના મુખ્યમંત્રી છે. ગુજરાતની જેમ બિહારમાં કૉંગ્રેસ ત્રીસ વર્ષથી કમબેક કરી શકી નથી. (કમબેક કરી શકે એ માટે ગુજરાતના ધારાસભ્ય, મંત્રી, વિરોધપક્ષના નેતા રહી ચૂકેલા ભાવનગરના શક્તિસિંહ ગોહીલને હાલ 2020માં બિહાર પ્રદેશ કૉંગ્રેસના ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે એ નોંધી રાખવા જેવું છે.)

મધ્ય પ્રદેશમાંથી અલગ રચના કરાયેલા છત્તીસગઢ રાજ્યના પ્રારંભે 2000માં કૉંગ્રેસના અજીત જોગી ત્રણ વર્ષ માટે મુખ્યમંત્રી હતા. પંદર વર્ષ માટે ભારતીય જનતા પક્ષના ડૉ. રમણ સિંહના શાસન પછી 2018માં કૉંગ્રેસ પક્ષના ભૂપેશ બઘેલ મુખ્યમંત્રી પદ સંભાળી શક્યા છે.

ગયા મહીને ફેબ્રુઆરીમાં જેના પરિણામ આવ્યા તે દિલ્લી રાજ્ય વિધાનસભાની રચના નવેસરથી 1993માં અમલમાં આવી ત્યારે ભારતીય જનતા પક્ષે સત્તા મેળવી હતી. 1993થી 1998 વચ્ચે મદનલાલ ખુરાના, સાહિબસિંઘ વર્મા અને સુષ્મા સ્વરાજે મુખ્યમંત્રી પદ સંભાળ્યું. 1998થી 2013 એમ પંદર વર્ષ માટે દિલ્લીના મુખ્યમંત્રી પદે બની રહેનાર શીલા દિક્ષીતનો કૉંગ્રેસ પક્ષ દિલ્લીમાં કમબેક તો દૂર છેલ્લી બે વિધાનસભા ચૂંટણી 2015 અને 2020માં ઝીરોનો સ્કોર અંકે કરી રહ્યો છે.

માત્ર ચાળીસ વિધાનસભ્યોનું સંખ્યાબળ ધરાવતા ગોવા રાજ્યમાં 1990ના દાયકામાં અને એ પછી પણ બહુમતી સમય કૉંગ્રેસ સત્તા જાળવી રાખી શકી છે. અપવાદરૂપે 2000થી 2005 વચ્ચે ભાજપનું, મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું શાસન આવ્યું હતું. હાલ 2020માં કૉંગ્રેસ બહુમતીની નજીક હોવા છતાં ભારતીય જનતા પક્ષની સરકાર છે. આયારામ – ગયારામ નામ પામેલા બે રાજકારણીઓના પક્ષપલટાને કારણે એ નામથી વ્યાખ્યાયિત થયેલા રાજકારણના જનક હરયાણા રાજ્યમાં 1990 પહેલા કૉંગ્રેસના મુખ્યમંત્રીઓ બંસી લાલ, બનારસી દાસ ગુપ્તા અને ભજનલાલનો દબદબો રાજધાની દિલ્લી સુધી ફેલાયેલો રહેતો હતો. દિલ્લી દરબારમાં તેમનો પડ્યો બોલ ઝીલાતો હતો. એ પછી 1987થી 2005 જનતા દળ, હરયાણા વિકાસ પાર્ટી અને ઇન્ડિયન નેશનલ લોકદળના નેજા હેઠળ દેવી લાલ અને તેમના પુત્ર ઓમ પ્રકાશ ચૌટાલા તેમજ અન્યો મુખ્યમંત્રી પદે આવી ગયા હતા. જો કે એ સમયગાળામાં કૉંગ્રેસ પક્ષના ભજનલાલ 1991થી 1996 વચ્ચે પાંચ વર્ષ સત્તા પર રહ્યા હતા. કૉંગ્રેસના જ ભૂપિન્દર સિંહ હુડાએ 2005થી 2014, દસ વર્ષ કૉંગ્રેસ પક્ષની સરકારનું નેતૃત્વ કર્યું. હાલ 2020માં હરયાણામાં ભાજપની લઘુમતી તો લઘુમતી સરકાર એવી મનોહરલાલ ખટ્ટર સરકારનું શાસન ચાલી રહ્યું છે.

હિમાચલ પ્રદેશમાં 1990 અગાઉ કૉંગ્રેસના રામ લાલ ઠાકુર અને વીરભદ્રસિંહની સરકાર હતી. ભાજપના ત્રણ વર્ષના શાસન બાદ 1993-1998માં વીરભદ્રસિંહ કૉંગ્રેસ પક્ષના નેજા હેઠળ પુનઃ સત્તા પ્રાપ્ત કરી શક્યા હતા. 2003-2007માં અને 2012-2017માં એમ બે વાર કૉંગ્રેસ પક્ષ હિમાચલ પ્રદેશની સત્તામાં પરત ફરી શક્યો અને બન્ને વખત વીરભદ્રસિંહે જ રાજ્યનું મુખ્યમંત્રી પદ સંભાળ્યું હતું. ભારતના ભાગલા અને દેશને મળેલા સ્વાતંત્ર્ય ઉપરાંત સુરક્ષા, સલામતી, સંરક્ષણ જેવા અનેક મુદ્દે ચર્ચામાં રહેતા જમ્મુ કાશ્મીર રાજ્યમાં બહુમતી પણે ફારૂક અબ્દુલ્લાના પક્ષ નેશનલ કોન્ફરન્સનું તેમજ મુફ્તી મોહમ્મદ સઇદની પીપલ્સ ડેમોક્રેટીક પાર્ટીનું શાસન રહ્યું છે. માત્ર 2005થી 2008 વચ્ચે કૉંગ્રેસ પક્ષના ગુલામ નબી આઝાદ મુખ્યમંત્રી થયા હતા. (જમ્મુ કાશ્મીર હવે સ્વતંત્ર રાજ્ય રહ્યું નથી અને ઑગસ્ટ 2019થી કેન્દ્ર શાસિત પ્રદેશ છે.)

બિહારથી અલગ કરી વર્ષ 2000માં રચના પામેલા ઝારખંડ રાજ્યમાં કૉંગ્રેસ પક્ષ આ વીસ વર્ષમાં સત્તા મેળવી શક્યો નથી. કર્ણાટકમાં 1989થી 1994 વચ્ચે કૉંગ્રેસના વીરેન્દ્ર પાટીલ, એસ. બંગારપ્પા તેમજ એમ. વીરપ્પા મોઇલીએ મુખ્યમંત્રી પદ સંભાળ્યું હતું. પાંચ વર્ષના વિરામ પછી 1999માં કૉંગ્રેસ પક્ષ સત્તામાં પરત થયો અને એસ.એમ. ક્રિષ્ણા મુખ્યમંત્રી થયા. 2006 સુધી કૉંગ્રેસનું શાસન રહ્યું. (આ દરમિયાન 1996માં કર્ણાટકના મુખ્યમંત્રી એચ.ડી. દેવે ગોવડા ભારતના વડાપ્રધાન થયા હતા એ નોંધપાત્ર ઘટનાક્રમ છે.) પક્ષીય રાજકારણમાં કર્ણાટક આવનજાવન વાળું રાજ્ય છે. 2013થી 2018ની પાંચ વર્ષની પૂર્ણ મુદત માટે કૉંગ્રેસ કર્ણાટકમાં સત્તામાં પરત થઈ અને સિધ્ધારામૈયા તેના મુખ્યમંત્રી થયા.

કેરાલા રાજ્યમાં 1991-1996 વચ્ચે કૉંગ્રેસના કે. કરૂણાકરન અને એ.કે. એન્ટોની મુખ્યમંત્રી હતા. 2001થી 2006 દરમિયાન એ.કે. એન્ટોની અને ઓમેન ચાન્ડીએ કૉંગ્રેસ પક્ષ વતી સત્તા સંભાળી હતી. (સમય જતાં એ. કે. એન્ટોની ભારતના સંરક્ષણ મંત્રી થયા હતા.) ઓમેન ચાન્ડી 2011થી 2016ની પાંચ વર્ષની પૂર્ણ મુદત માટે કૉંગ્રેસના મુખ્યમંત્રી થયા. બાકીના સમયમાં સામ્યવાદી પક્ષની સરકારો આવી અને હાલમાં 2020માં પણ માર્કસવાદી સામ્યવાદી પક્ષની સરકાર છે.

ગુજરાતના પાડોશી રાજ્ય મધ્ય પ્રદેશમાં 1990 અગાઉ કૉંગ્રેસના અર્જુન સિંઘ, મોતીલાલ વોરા અને શ્યામાચરણ શુક્લ મુખ્યમંત્રી હતા. ભારતીય જનતા પક્ષના ટૂંકા શાસન પછી 1993થી 2003 એમ દસ વર્ષ કૉંગ્રેસ પક્ષના મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે શાસન સંભાળ્યું હતું. 2003થી 2018 વચ્ચે ભારતીય જનતા પક્ષના પંદર વર્ષના શાસન પછી કૉંગ્રેસ પક્ષ સત્તામાં પરત થયો અને કેન્દ્રિય મંત્રી રહી ચૂકેલા કમલનાથ રાજ્યના મુખ્યમંત્રી થયા. બીજા પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં 1990-1995 વચ્ચે કૉંગ્રેસ પક્ષના મુખ્યમંત્રી શરદ પવારનું શાસન હતું. (શરદ પવાર સમય જતાં દેશના સંરક્ષણ મંત્રી અને કૃષિ મંત્રી થયા હતા.) 1995-1999 વચ્ચે શિવસેના – ભાજપની સંયુક્ત સરકાર પછી 1999માં કૉંગ્રેસ પક્ષે સત્તામાં કમબેક કર્યું અને વિલાસરાવ દેશમુખ, સુશીલકુમાર શિંદે, અશોક ચવાણ અને પૃથ્વીરાજ ચવાણ એમ ચાર મુખ્યમંત્રીઓએ થઈ 2014 સુધી, પંદર વર્ષ માટે કૉંગ્રેસ પક્ષ વતી મહારાષ્ટ્રનું શાસન સંભાળ્યું. ઉલ્લેખનીય છે કે પાંચ વર્ષના વિરામ પછી કૉંગ્રેસ હાલ 2020માં મહારાષ્ટ્રની શિવસેના – એનસીપી સરકારની એક ટેકેદાર પક્ષ છે.

ગુજરાતના અન્ય પડોશી રાજ્ય રાજસ્થાનમાં 1990 અગાઉ કૉંગ્રેસ પક્ષનું શાસન હતું. 1990માં ગુજરાતમાં ભાજપ સત્તામાં ભાગીદાર બન્યું હતું તો મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપે પૂર્ણ કક્ષાની સત્તા મેળવી હતી. ભારતીય જનતા પક્ષની સરકારના મુખ્યમંત્રી બનેલા ભૈરોસિંહ શેખાવત સમય જતાં ભારતના ઉપ-રાષ્ટ્રપતિ થયા હતા. 1998થી 2003, 2008થી 2013 અને 2018માં પુનઃ એમ ત્રણ વખત રાજસ્થાનમાં કૉંગ્રેસ પક્ષ સત્તાની પુનઃપ્રાપ્તિ કરવામાં સફળ રહ્યો અને ત્રણેય વખત અશોક ગેહલોત રાજ્યના મુખ્યમંત્રી થયા.

ઓરિસ્સા રાજ્યમાં 1990 અગાઉ કૉંગ્રેસ પક્ષના જાનકી વલ્લભ પટનાયક અને હેમાનંદ બિસ્વાલ મુખ્યમંત્રી હતા. 1990-1995 વચ્ચે જનતા દળના બીજુ પટનાયકના મુખ્યમંત્રી પદ પછી 1995માં કૉંગ્રેસ પક્ષે પાંચ વર્ષની મુદત માટે કમબેક કર્યું. વર્ષ 2000 પછી ઓરિસ્સામાં બીજુ જનતા દળ પક્ષનું શાસન છે અને નવીન પટનાયક સતત વીસ વર્ષથી મુખ્યમંત્રી પદે છે. પંજાબ રાજ્યમાં 1990 પહેલા કૉંગ્રેસ પક્ષનું તેમજ શિરોમણી અકાલી દળનું શાસન હતું. એંસી – નેવુંના દાયકામાં આતંકવાદથી ગ્રસ્ત પંજાબમાં અવારનવાર રાષ્ટ્રપતિ શાસન પણ લાદવામાં આવતું હતું. 1992થી 1997 કૉંગ્રેસ પક્ષના ત્રણ મુખ્યમંત્રીઓ પંજાબની ગાદી પર આવ્યા. 1997થી 2002 પુનઃ શિરોમણી અકાલી દળ સત્તામાં આવ્યો. 2002થી 2007 પંજાબમાં પુનઃ સત્તામાં આવેલા કૉંગ્રેસ પક્ષે દસ વર્ષના રાજકીય વિરામ પછી 2017માં ફરી એક વાર પંજાબમાં સત્તાના સૂત્રો હસ્તગત કર્યા.

તામિલનાડુ રાજ્ય જ્યારે મદ્રાસ સ્ટેટ તરીકે ઓળખાતું હતું ત્યારે 1950થી 1967 વચ્ચે પી.એસ. કુમારસ્વામી રાજા, સી. રાજગોપાલાચારી (સ્વતંત્ર ભારતના છેલ્લા ગવર્નર જનરલ), કે. કામરાજ અને છેલ્લે કે. ભક્તવત્સલમ કૉંગ્રેસ પક્ષના મુખ્યમંત્રી હતા. 1967 પછી તામિલનાડુમાં ડી.એમ.કે (દ્રવિડ મુન્નેત્ર કઝગમ) અને એ.આઈ.એ.ડી.એમ.કે (ઑલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુન્નેત્ર કઝગમ) પક્ષનું શાસન રહેતા એમ કહી શકાય કે છેલ્લા પચાસ ઉપરાંત વર્ષથી કૉંગ્રેસને તામિલનાડુમાં કમબેક કરવાની તક મળી નથી.

દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં 1990 અગાઉ કૉંગ્રેસ પક્ષનું શાસન હતું. તેના વી.પી. સિંહ સરખા મુખ્યમંત્રી દેશના વડાપ્રધાન થયા તો નારાયણ દત્ત તિવારી સરખા મુખ્યમંત્રી રાજ્યમાંથી વિભાજન પામી નવા બનેલા ઉત્તરાખંડ રાજ્યના પણ મુખ્યમંત્રી થયા હતા. 1990 પછી ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસ પક્ષ સત્તામાં પરત ફરી શક્યો નથી. વર્ષ 2000માં રચના પામેલા ઉત્તરાખંડ રાજ્યમાં કૉંગ્રેસ પક્ષના નારાયણ દત્ત તિવારી 2002થી 2007 મુખ્યમંત્રી હતા. 2012થી 2017 પુનઃ કૉંગ્રેસ પક્ષનું શાસન રહ્યું. આ સિવાય ભારતીય જનતા પક્ષની સરકારોનું શાસન રહ્યું અને 2017થી ભાજપ ફરી એક વાર સત્તાસ્થાને છે.

આવતા વર્ષે 2021માં જ્યાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને સત્તા મેળવવા માટે દેશનો સૌથી મોટો લોકશાહી જંગ જામવાનો છે એ પશ્ચિમ બંગાળ રાજ્યમાં કૉંગ્રેસ પક્ષના સિધ્ધાર્થ શંકર રે 1972થી 1977 એમ પાંચ વર્ષ માટે મુખ્યમંત્રી હતા. મુખ્યમંત્રી પદે રહેતા જ સિધ્ધાર્થ શંકર રેએ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને કટોકટી લાદવાની સલાહ આપી હતી એ યાદ રાખવા જેવું છે. આ ઘટનાક્રમ પછી બેંતાલીસ વર્ષથી કૉંગ્રેસ પશ્ચિમ બંગાળમાં સત્તાથી દૂર છે. 1977થી 2011 એમ ચોત્રીસ વર્ષ માટે બંગાળ માર્કસવાદી સામ્યવાદી પક્ષના શાસન હેઠળ રહ્યું. જ્યોતિ બાસુ 1977થી 2000 એમ ત્રેવીસ વર્ષ જેવા લાંબા સમય માટે મુખ્યમંત્રી રહ્યા. હાલ 2011થી મુખ્યમંત્રી પદ સંભાળી રહેલા ઑલ ઇન્ડિયા ત્રિનમૂલ કૉંગ્રેસના સર્વેસર્વા એવા મમતા બેનરજી માટે કૉંગ્રેસ એટલું આશ્વાસન લઈ શકે કે રાજકીય કારકિર્દીના પ્રારંભે તેઓ લાંબો સમય કૉંગ્રેસ પક્ષમાં સક્રિય રહ્યા હતા.

મણિપુર જેવા પ્રમાણમાં નાના રાજ્યમાં 1990 આસપાસ સત્તામાં રહેલી કૉંગ્રેસ થોડા વર્ષના રાજકીય વિરામ પછી એકથી વધુ વખત કમબેક કરી શકી છે. ઓક્રમ ઇબોબી સિંઘ નામના તેમના પક્ષના મુખ્યમંત્રી 2002થી 2017 એમ પંદર વર્ષ જેવો લાંબો સમય પદ પર રહ્યા હતા. મેઘાલયમાં 1990 અગાઉ કૉંગ્રેસ પક્ષના પી. એ. સંગમા મુખ્યમંત્રી હતા. (પૂર્ણો સંગમા સમય જતાં ભારતની લોકસભાના સ્પીકર થયા હતા.) એ પછી કૉંગ્રેસ પક્ષે 1992થી 1998, 2003થી 2008 તેમજ 2009થી 2018 વચ્ચે એમ ત્રણ-ત્રણ વખત સત્તામાં પરત ફરવાની સફળતા મેળવી હતી. હાલ 2020માં દિવંગત મુખ્યમંત્રી પી.એ. સંગમાના પુત્ર કોનરાડ સંગમા કૉંગ્રેસથી અલગ એવા રાજકીય પક્ષ નેશનલ પીપલ્સ પાર્ટીના મુખ્યમંત્રી છે. મિઝોરમમાં 1990 પહેલા 1984-1986 અને પછી 1989-1998 તેમજ 2008થી 2018 કૉંગ્રેસ પક્ષના લાલ થાનહાવલાનું શાસન હતું. વચ્ચેના સમયમાં પ્રાદેશિક પક્ષનું શાસન હતું. હાલ 2020માં મિઝો નેશનલ ફ્રન્ટ નામના પ્રાદેશિક રાજકીય પક્ષના નેતા ઝોરામથાંગા બીજી વાર રાજ્યનું મુખ્યમંત્રી પદ સંભાળી રહ્યા છે.

નાગાલેન્ડ રાજ્યમાં 1990માં કૉંગ્રેસ પક્ષના એસ.સી. જમીર મુખ્યમંત્રી હતા. પ્રાદેશિક પક્ષોની આવનજાવન વચ્ચે કૉંગ્રેસ પક્ષ અહીં 1993થી 2003 વચ્ચે સત્તા સંભાળી શક્યો હતો અને એસ.સી. જમીર જ તેના મુખ્યમંત્રી હતા. (એસ.સી. જમીરે ચાર મહીના માટે ગુજરાત રાજ્યના વધારાના રાજ્યપાલ પદનો હવાલો સંભાળ્યો હતો એ જાણવા જોગ.) પુડુચેરી (પોંડીચેરી) રાજ્યમાં 1990માં કૉંગ્રેસ પક્ષનું શાસન હતું અને એમ.ઓ.એચ ફારૂક તેના મુખ્યમંત્રી પદે હતા. માત્ર એક વર્ષના વિરામ પછી કૉંગ્રેસ પક્ષે 1991માં કમબેક કર્યું હતું. પાંચ વર્ષ સત્તા રહી હતી. એ પછી પાંચ વર્ષના વિરામ બાદ વર્ષ 2000થી 2011 સુધી કૉંગ્રેસ પક્ષનું શાસન રહ્યું. 2016થી પુનઃ કૉંગ્રેસ પક્ષ સત્તામાં આવ્યો છે. (ડૉ. મનમોહન સિંહના વડાપ્રધાન કાર્યાલયમાં મંત્રી પદ સંભાળી ચૂકેલા વી. નારાયણસામી હાલ 2020માં પોંડીચેરીના મુખ્યમંત્રી છે.)

સિક્કીમ રાજ્યના પ્રારંભે 1975થી 1979 કૉંગ્રેસ પક્ષનું શાસન હતું. મે 1984માં માત્ર પંદર દિવસ માટે કૉંગ્રેસ પક્ષે સત્તા મેળવી હતી. એ સિવાય 1990 અને તે પછી સિક્કિમમાં પ્રાદેશિક પક્ષોનું શાસન રહ્યું છે. કૉંગ્રેસ પક્ષને માટે 2020 સુધી રાજકીય જગ્યા થઈ નથી. સિક્કીમ ડેમોક્રેટીક ફ્રન્ટ નામના પ્રાદેશિક પક્ષના નેતા લેખે પવન કુમાર ચામલિંગે 1994થી 2019 એમ પચીસ વર્ષ જેવો લાંબો સમય મુખ્યમંત્રી પદે રહીને પશ્ચિમ બંગાળના જ્યોતિ બસુના ત્રેવીસ વર્ષના રેકોર્ડને જૂનો કર્યો છે. ત્રિપુરા રાજ્યમાં 1988થી 1993 વચ્ચે કૉંગ્રેસ પક્ષના બે મુખ્યમંત્રીઓ સુધીર રંજન મજુમદાર અને સમીર રંજન બર્મનનું શાસન હતું. એ પછી કૉંગ્રેસ પક્ષ 2020 સુધી સત્તાથી દૂર છે. માર્કસવાદી સામ્યવાદી પક્ષની સરકારે 1993થી 2018 પચીસ વર્ષ શાસન કર્યું જેમાં માણિક સરકાર 1998થી 2018 એમ વીસ વર્ષ જેવા સૌથી લાંબા સમયગાળા માટે મુખ્યમંત્રી રહ્યા.

આમ ઉપરની વિગતો વાંચતા, લેખાં-જોખાં લેતા જણાશે કે ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા અને તામિલનાડુ તેમજ કેટલાક નાના રાજ્યો સિવાય દરેક રાજ્યોમાં છેલ્લા ત્રીસ વર્ષમાં કૉંગ્રેસ પક્ષે કમબેક કર્યું છે. ગુજરાતમાં ત્રીસ વર્ષથી તેનો નંબર લાગ્યો નથી એ માટે અનેકાનેક કારણો છે અને તે લેખનો જુદો વિષય બને એમ છે.

આ ત્રીસ વર્ષમાં ગુજરાતમાં કૉંગ્રેસ પક્ષને સાવ સત્તા મળી નથી એમ પણ નથી. જે તે સમયે 1990-1995 દરમિયાન ભારતીય જનતા પક્ષમાં રહેલા શંકરસિંહ વાઘેલા 1997 પછી કૉંગ્રેસમાં દાખલ થઇને કેન્દ્રિય મંત્રી પદ પામી શક્યા. તો બીજી તરફ અનેક કાર્યકરો, નેતાઓ, ધારાસભ્યોની આવનજાવન વચ્ચે કૉંગ્રેસના કુંવરજીભાઈ બાવળિયા અને જવાહર ચાવડા જેવા ધારાસભ્યો ભાજપમાં દાખલ થઇને ગુજરાત સરકારમાં મંત્રી પદ પામી શક્યા છે.