પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): ગુજરાતમાં યોજાવા જઈ રહેલી 4 રાજ્યસભાની બેઠકોની ચૂંટણીમાં બે બેઠકો ભાજપ અને બે કોંગ્રેસને મળે તે પ્રકારનું અંક ગણિત બેસે છે પરંતુ ભાજપે ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમીનને ઉતારી કોંગ્રેસનું અંક ગણિત સાવ બગાડી નાખ્યું છે. એક તરફ કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામા આપતા હવે એક જ બેઠક પર કોંગ્રેસ જીતી શકે તેવું સ્પષ્ટ થયું છે. કોંગ્રેસ હાઈ કમાન્ડ દ્વારા આ બેઠકો પર શક્તિસિંહ ગોહિલને પ્રાધાન્ય આપવા આદેશ આપ્યો છે પરંતુ સુત્રોની જાણકારી પ્રમાણે કોંગ્રેસ હાઈ કમાન્ડની વિરુદ્ધ જઈ ભરતસિંહ પસંદગી ક્રમાંક ફેરાવી શક્તિસિંહને હરાવી પોતે વિજય થાય તેવી શક્યતા છે.

રાજ્યસભાની ચૂંટણી જાહેર થઈ ત્યારે કોંગ્રેસ હાઈકમાન્ડ ગુજરાતમાંથી રાજીવ શુક્લા અને શક્તિસિંહ ગોહિલને ઉમેદવાર જાહેર કરવા માગતી હતી. જોકે ઉમેદવાર જાહેર થાય તે પહેલા જ તેની માહિતી લીક થઈ જતાં ભરતસિંહ સોલંકીએ હાઈકમાન્ડ સામે ત્રાગું કરી રાજીવ શુક્લાની ટિકિટ કપાવી પોતે ટિકિટ મેળવી હતી. કોંગ્રેસના ધારાસભ્યોના સંખ્યાબળ પ્રમાણે કોંગ્રેસ નિશ્ચિત રીતે બે બેઠકો જીતી શકે તેમ હતી પરંતુ કોંગ્રેસે ઉમેદવારી જાહેર કર્યા પછી ભાજપે ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમીનને ઊભા રાખ્યા હતા.

વિધાનસભાની ત્રણ ચૂંટણી હારી ચુકેલા અને કોંગ્રેસ છોડ્યા પછી ભાજપમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં ટિકિટ મેળવવાના નિષ્ફળ પ્રયાસ પછી ભાજપે જ્યારે નરહરિ અમીનને ત્રીજા ઉમેદવાર તરીકે મેદાનમાં ઉમેર્યા ત્યારે ખુટતા મતો અંકે કરવા શામ, દામ અને દંડ જેની પણ જરૂર પડે તે તમામ નીતિઓ કામે લગાડી આગળ વધવાનો આદેશ નરહરિ અમીનને આપ્યો હતો.

નરહરિ અમીને પોતાના સંબંધો તેમજ જરૂરી તાકાતના જોરે કોંગ્રેસના પાંચ ધારાસભ્યોના રાજીનામા અપાવ્યા હતા. જેને કારણે કોંગ્રેસ કફોળી સ્થિતિમાં મુકાઈ ગઈ હતી. કોંગ્રેસે બંને બેઠક જીતવા માટે હવે એનસીપી અને બીટીપીની જરૂર હતી, પરંતુ એનસીપીના કાંધલ જાડેજાએ ભાજપ સાથે રહેવાની જાહેરાત કરી દીધી હતી જ્યારે ગુરુવારની સાંજે છોટું વસાવા અને નીતિન પટેલ વચ્ચે થયેલી બેઠક બાદ બીટીપીના મત પણ હવે ભાજપને મળે  તેવી પુરી સંભાવનાઓ છે. આ સંજોગોમાં કોંગ્રેસ હવે એક જ બેઠક પર વિજય થાય તેવું સ્પષ્ટ થયું છે.

કોંગ્રેસ હાઈકમાન્ડે આપેલા મેન્ડેટ પ્રમાણે કોંગ્રેસના ધારાસભ્યોની પહેલી પસંદગીનો ક્રમ શક્તિસિંહ ગોહિલ છે. આમ જો મેન્ડેટનો અમલ થાય તો શક્તિસિંહની જીત નિશ્ચિત છે, પરંતુ કોંગ્રેસના આંતરિક વર્તુળોના જણાવ્યા પ્રમાણે ધારાસભ્યો સાથે શક્તિસિંહ કરતાં ભરતસિંહનો ઘરોબો વધુ છે અને ભરતસિંહ હાઈકમાન્ડના આદેશની વિરુદ્ધ જઈ સત્તા લાલસામાં કોંગ્રેસના ધારાસભ્યો પાસે પોતે જ ક્રોસ વોટિંગ કરાવી પસંદગીનું કામ બદલાવી શકે તેમ છે.

હાઈકમાન્ડના મેન્ડેટ પ્રમાણે કોંગ્રેસના ધારાસભ્યોની પ્રથમ પસંદીનું ક્રમાંક શક્તિસિંહને આપવાનું છે પરંતુ આ રમત બગાડી પ્રથમ ક્રમાંક પોતાના નામે કરી જાય તેવી સંભાવના છે. ખુદ કોંગ્રેસીઓ તેવું કહી રહ્યા છે.