મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ગુજરાતની 6 બેઠકો પર પેટાચૂંટણીઓની તારીખો જાહેર થઈ ગઈ છે. ચાર બેઠકો પર પોતાનો સકંજો કસવા માટે ગુજરાતની મુખ્ય બે પાર્ટી ભાજપ અને કોંગ્રેસ બરાબરનું જોર લગાવશે તે નક્કી છે. ગુજરાત કોંગ્રેસ અને ભાજપ દ્વારા મુરતિયાઓની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. જેના માટે બેઠકો પણ યોજાઈ રહી છે. ખાલી પડેલી 7 બેઠકો પૈકીની 4 બેઠકોની અગાઉ શનિવારે જાહેરાત કરવામાં આવી હતી અને બાકી 2 વિધાનસભા બેઠકની જાહેરાત રવિવારે કરાઈ હતી. હવે ખેરાલુ, અમરાઈવાલી, લુણાવાડા, થરાદ, રાધનપુર અને બાયડ બેઠક પર ચૂંટણી થશે.

21મી ઓક્ટોબરે ચૂંટણી યોજાશે અને પરિણામ 24મીએ જાહેર થઈ જશે. કોંગ્રેસે અને ભાજપે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીના માથે હાલ ઘણી જવાબદારીઓ પડી છે તો બીજી તરફ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના નેતાઓ પણ આ કામગીરીમાં  જોતરાઈ ગયા છે.

ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ કહ્યું કે, આજે પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં તથા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી વી.સતીશની વિશેષ ઉપસ્થિતિમાં ઉત્તર ઝોનની બેઠક યોજાઇ હતી. જેમાં પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા, પ્રદેશ મહામંત્રીઓ કે સી પટેલ અને શબ્દશરણ બ્રહ્મભટ્ટ તથા ઉત્તર ઝોનમાં આવતા જિલ્લા / મહાનગરોના જી. પ્રભારી, પ્રમુખ, મહામંત્રી, સંગઠનપર્વ અને સંગઠન ચૂંટણી અધિકારી સહિત અપેક્ષિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

તેમણે કહ્યું કે, આગામી ૬ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે ઉમેદવાર પસંદગી અને વ્યૂહરચનાના સંદર્ભમાં ચર્ચા-વિચારણા કરવા 24 સપ્ટેમ્બર 2019 ના રોજ સાંજે 6.30 કલાકે પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજવામાં આવશે.