દેવલ જાદવ / જયંત દાફડા (મેરાન્યૂઝ.અમદાવાદ): ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના કાળો કહેર વર્ષાવી રહ્યો છે. રોજ કોરોનાના કેસ રેકોર્ડ બ્રેક ઝડપે વધી રહ્યા છે. એવા સમયે ગુજરત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોના માટે ૯૦૯૯૯૦૨૨૫૫ નંબરથી એક હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. આ હેલપલાઇન પર ગુજરાતના કોઈ પણ નાગરિક ૨૪ કલાકમાં ગમે ત્યારે કોલ કરીને માર્ગદર્શન મેળવી શકે છે. કોંગ્રેસ દ્વારા નાગરિકોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે અને જરૂર મુજબ મદદ કરવામાં આવશે.

આવા કપરા સમયે કોંગ્રેસ દ્વારા પક્ષપાત ભૂલીને સરકારને પુરે પોરો સહકાર આપવાની વાત કરી છે. કોંગ્રેસે અમદાવાદ અને સુરતમાં પોતાના કાર્યાલયોમાં કોવીડ સેન્ટર બનાવવા માટે સરકાર સમક્ષ માંગણી કરી છે તે પછી સત્તાવાર રીતે દરેક જિલ્લામાં આવી રીતે કોવીડ સેન્ટર બનાવવામાં આવશે. અમદાવાદમાં પાલડી ખાતે આવેલા રાજીવ ગાંધી ભવનના ચોથા માળે ૫૦ બેડનું કોવીડ સેન્ટર બનાવવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી છે. દરેક કોંગ્રેસ કાર્યાલયમાં એન્ટીજન ટેસ્ટ કરવા માટે ડોમ બનાવવામાં આવે જેનો સંપૂર્ણ આર્થિક ભાર કોંગ્રેસ ઉઠાવશે તેવી તેમણે ખાતરી આપી છે. સરકાર માત્ર મેડિકલ સ્ટાફની પૂરો પાડે.

પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમિત ચાવડા એ જણાવ્યું કે સરકાર આ મહામારીને પોહચી વળવા માટે નિષ્ફળ રહી છે. સરકાર કોરોનાના સાચા આંકડા છુપાવવાનો પ્રયાસ કરે છે. સરકાર જલદીથી એક શ્વેત પત્ર બહાર પાડે જેમાં સરકાર ગુજરાતની પ્રજાને કોરોના અંગે સાચી માહિતી આપે. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે. 

આ મહમારીને લઈને સરકારનું આગામી સમયમાં શું આયોજન છે તે અંગે પ્રજાને જાણ કરે. ગુજરાતમાં અત્યારે રેમડીસિવિર ઇન્જેક્શન અને ઓક્સિજન ની જે કાળાબજારી ચાલી રહી છે તેના માટે ગુજરાત હાઈ કોર્ટ એક સમિતિ બનાવે અને યોગ્ય તપાસ કરાવે. આગળ વાત કરતા અમિત ચાવડા એ જણાવ્યું કે ગુજરાત માં જ ઉત્પાદન થતું હોવા છતાં ગુજરાતની પ્રજાને રેમડીસિવિર ઇન્જેક્શન માટે વલખાં મારવાં પડે છે અને ભાજપ પાસે વેચવા માટે અને બીજા રાજ્યોને આપવા માટે આ ઇન્જેક્શનનો સ્ટોક છે. તે અંગે તપાસ થવી જોઈએ.