મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ કોરોનાએ સામાન્ય માણસ અને વીવીઆઈપી બંને પર કહેર વર્તાવ્યો છે. પોતાને કોરોના ન થાય તેવા ભ્રમમાં રહેતા નેતાઓ અને સામાન્ય જનને પણ તેની ગંભીરતા આવવી જરૂરી બની ગઈ છે. કોરનાને કારણે ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યો સહિત કેન્દ્રીય નેતાઓ પણ સંક્રમિત બન્યા છે. જે પૈકીના હજુ પણ હોસ્પિટલના બીછાને સારવાર લઈ રહ્યા છે. હાલમાં જ એવી માહિતી સામે આવી છે કે સોનિયા ગાંધીના ખાસ ગણાતા અહેમદ પટેલ પણ કોરોના સંક્રમિત થયા છે. ગુજરાતના રાજ્યસભા સાંસદ અહેમદ પટેલે આ અંગેની માહિતી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી લોકો સમક્ષ જાહેર કરી હતી.

તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી કહ્યું કે, મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે, હું તમામ જે મારા સંપર્કમાં હાલમાં આવ્યા હતા તેમને વિનંતિ કરું છું કે તેઓ પોતાને આઈસોલેટ કરી લે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં 1.37 લાખ લોકો સંક્રમિત થયા છે અને 3,453 લોકોના મોત થયા છે તથા 1.17 લાખ દર્દીઓ સાજા થઈ ઘરે પહોંચ્યા છે.