મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગ્રામ્ય વિસ્તારોમાં સરકારની માલિકી ધરાવતી વાડાની જમીનમાં વર્ષોથી રહેતા પરિવારોને તે જમીન કાયદેસર રીતે સોંપી દેવામાં આવશે સાથે જ તે જમીનનો કબજો પણ આપી દેવામાં આવશે તેવું મુખ્યમંત્રી વિજય રુપાણી દ્વારા વિધાનસભામાં જણાવામાં આવ્યું હતું.

વિદાનસભામાં સત્ર દરમિયાન થઈ રહેલી પ્રશ્નોત્તરીમાં મુખ્યમંત્રીએ ધારાસભ્ય દ્વારા પુછાયેલા સવાલ અંગે જવાબ આપતા કહ્યું કે, જે જમીન સરકારની માલિકીમાં આવતી હોય અને ત્યાં વર્ષોથી ઘર, વાડા અને રહેણાંક પ્રવૃત્તિ માટે કોઈ પરિવાર વાપરતો હોય તો તેવી જમીન, સોસાયટી કે સૂચિત રહેણાંક સ્થળો નિયમિત કરવા માટે રેવન્યુ કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો છે. અમારી સમક્ષ ગ્રામ્ય વિસ્તારના લોકોની પણ લાગણી રજૂ થઇ છે કે ગામડામાં ઘરની બાજુમાં આવેલી વાડાની જમીનો વર્ષોથી બાપ- દાદાના વખતથી લોકો વાપરે છે જે ખરેખર સરકારી માલીકીની હોય છે. ઘરની સાથે જ આવી જમીન હોય તેમાં પશુઓ- નીરણ લોકો રાખતા હોય છે. આથી આવી સરકારી માલિકીની જમીન કાયદેસર કરીને કબજેદારોને સોંપવાનો નિર્ણય સરકારે લીધો છે. આ માટે ટૂંક સમયમાં કાર્યવાહી શરૂ કરી દેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે જમીનોને લઈને અવારનવાર સત્રમાં આક્રમક વાટા ઘાટો પણ થયા છે. ધારાસભ્યોએ જમીનોને મામલે આક્ષેપો પ્રતિઆક્ષેપો પણ કર્યા છે. ગૌચર જમીનથી માંડી કોમર્શીયલ, ખેતી-બીન ખેતી તમામ જમીનોને લઈ અગાઉ પણ વિવાદના તાર છંછેડાયા છે.