આદરણીય વિજયભાઈ,

તમારી કુશળતા અને રાજ્ય ફરી થાળે પડે તેવી અપેક્ષા સાથે વાતની શરૂઆત કરૂ છું, દેશ અને ગુજરાતમાં કોરોનાને કારણે જે સ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે તમારા સહિત સમગ્ર મંત્રીમંડળ અને રાજયના સનદી અધિકારીઓ સહિત રાજયનો નાનામાં નાનો કર્મચારી પણ પોતાના જીવ જોખમમાં મુકી ગુજરાતને બચાવવા માટે કામ કરી રહ્યા છે. જેના માટે તમને અને તમારા સાથીઓને અભિનંદનને પાત્ર છે. વિશ્વ સહિત સમગ્ર દેશમાં જે સ્થિતિ નિર્માણ થઈ છે તેના માટે કોઈ એક વ્યકિત અથવા ચોક્કસ સમુહને દોષીત જાહેર કરી શકાય નહીં.

હું કઈ બાબત સ્પષ્ટ કરવા માંગુ છું, તેનાથી આપ વાકેફ હશો, આપે શુક્રવારના રોજ સોશિયલ મીડિયાના માધ્યમ દ્રારા ગુજરાતની જનતા સાથે વાત કરી હતી,જેમાં તમે ગુજરાતમાં કોરાની સ્થિતિ માટે જમાતીયોને દોષિત ગણાવ્યા હતા, તમે જે કહ્યું તે વાત સંપુર્ણ ખોટી પણ નથી, ગુજરાતમાં કોરાનાના કુલ કેસ છે તેમાં મોટી સંખ્યા જમાતીઓના સંક્રમણને કારણે છે તે સત્યને નકારી શકાય તેમ નથી, જમાતની ભુલને કારણે ખાસ કરી દેશનો મોટો મુસ્લિમ સમુદાય સીધી રીતે મુશ્કેલીમાં મુકાઈ ગયો છે, તેનાથી ખુદ મુસ્લિમ સમુદાય અને જમાતીઓને પણ સમજાઈ રહ્યું છે.

એક તરફ વિજ્ઞાન છે, બીજી બાજુ ધર્મ છે, પણ જમાતીઓએ વિજ્ઞાન ઉપર ભરોસો કરવાને બદલે ધર્મનો સહારો લીધો જેનું પરિણામ દેશના અનેક રાજ્યો અને શહેરો ભોગવી રહ્યા છે, જેેઓ જમાતમાં ગયા અને તેમને જ સહન કરવાનું આવ્યું તેવું નથી, પણ રોજનું કમાઈ ખાતા ગરીબ મુસ્લિમો અને તેમના ગરીબ હિન્દુ પડોશીઓ પણ બન્યા છે, જમાતીઓએ જે કર્યું તે અસ્હય હતું કોઈ પણ રીતે તેમને ન્યાયી ઠેરવી શકાય નહીં, ભારતમાં કોરાના જમાતીયોની કારણે જ ફેલાયો છે, આવું અનેક લોકો બરાડી બોલે છે, જેમાં મારા મીડિયાના સાથીઓ પણ છે , તો કોઈક વખત પ્રમાણ ભાન ભુલી જાણે કોઈક રાજકીય પક્ષના પ્રવકતા હોય તે રીતે રાડો પાડે છે.

કોરાનાની સ્થિતિ માટે મહદ્દ અંશે જમાતીયો જવાબદાર છે તે સત્યને નકારી શકાય પણ નહીં, દેશનો બહુમતી વર્ગ જેમાં હિન્દુ અને મુસ્લિમ બંન્ને આ વાત સાથે સંમત્ત છે, પણ કોરાના સામે જમાતીયો જ જવાબદાર છે તેવા નિવેદનને કારણે ફરી એક વખત દેશ અને ગુજરાતમાં હિન્દુ મુસ્લિમ વચ્ચે માનસીક અંતર ઉભુ થયું છે. જે કોરાનાના નુકસાન કરતા પણ મોટું અને ગંભીર છે. કોરાના પોતાના સમય પ્રમાણે વિદાય લેશે પણ કોરાનાને કારણે જે રીતે હિન્દુ મુસ્લિમ અલગ થશે તેનું પરિણામ કયારેય સારૂ આવશે નહીં આપણે જમાતીયો અંગે બોલીશું નહીં તો કઈ સત્ય બદલાઈ જવાનું નથી, પણ જયારે રાજયના મુખ્યમંત્રી કંઈ બોલે ત્યારે પથ્થર ઉપર કોતરેલા શબ્દો બની જાય છે.

સામાન્ય માણસ જે માને છે અને જે બોલે છે, તેવુ વિચારવાનો આપને અધિકાર છે, આપ માત્ર વિજય રૂપાણી હોત તો ઈચ્છા પડે તેમ બોલી શકતા પણ જયારે મુખ્યમંત્રી વિજય રૂપાણી તરીકે જે કઈ બોલો તેનું ખુબ મહત્વ હોય છે. જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી કહે કે, ગુજરાતમાં જમાતીયોને કારણે સંખ્યા વધી છે. ત્યારે સામાન્ય માણસના મનમાં રહેલી મુસ્લિમો માટે નારાજગી અને ધૃણાની લીટી વધારે ઘાટી થાય છે. સામાન્ય હિન્દુ માણસ તેવું માનવા મજબુર થાય છે કે તે મુસ્લિમ માટે જે કઈ માને છે તેવું તેમના મુખ્યમંત્રી પણ માને છે એટલે તે જે વિચારે તે બરાબર છે.

મને બરાબર ખબર કે તમે કોરાના માટે સમગ્ર મુસ્લિમ સમુદાયને જવાબદાર માનતા નથી પણ જેઓ જમાતમાં ગયા હતા અને તેમની ભુલને કારણે જે કઈ થયું તે જમાતીયોની વાત કરો છો પણ તમે જયારે જમાતીયો એવો ઉલ્લેખ કરો છો ત્યારે સામાન્ય માણસ માટે તમામ મુસ્લિમ જમાતી બની જાય છે, સામાન્ય માણસ તો તમામ મુસ્લિમને જમાતી માની તેમનાથી પોતાને અલગ કરી તેમનો તીરસ્કાર કરતો થઈ જાય છે, તમને ગુજરાતની ચિંતા છે અને નરેન્દ્ર મોદીને દેશની ચિંતા છે, તમને જમાતીઓનું જે સત્ય સમજાયું તેનાથી નરેન્દ્ર મોદી પણ વાકેફ છે પણ નરેન્દ્ર મોદીએ તમારી જેમ નિવેદન કર્યું નહીં માની લો કે પાર્ટી લાઈન પ્રમાણે આવું નિવેદન જરૂરી હતું તો પણ ગુજરાતના મુખ્યમંત્રી પાસે તો આવી અપેક્ષા ના જ હોય.

મુખ્યમંત્રીનું પદ બહારથી ભલે ગ્લેમરસ લાગતુ હતું, પણ મુખ્યમંત્રી તરીકે જે માનસીક દબાણમાં કામ કરવું પડે છે તેનાથી વાકેફ છું, આપ આ સ્થિતિમાં તમામ ઉત્તમ પ્રયત્ન કરી રહ્યા છો તેની ના નથી છતાં આપના સોશિયલ મીડિયાના નિવેદન અંગે મારો મત આપની સામે મુકવો અનિવાર્ય લાગ્યો માટે લખી રહ્યો છું, આપની મારી તરફની નારાજગીથી વાકેફ છું પણ આપને નારાજ કરવાનો કયારેય ઈરાદો હોતો નથી, મારૂ કામ લખવાનું છે તે જ કરી રહ્યો છું, તેથી મારા તરફની નારાજગી થોડી ઘટાડી શકાય તો ઘટાડજો. બસ ગુજરાત જલદી કોરાના મુકત થાય તેવા તમારા પ્રયાસમાં ઈશ્વર તમને મદદ કરે તેવી પ્રાર્થન છે.

સદૈવ ગુજરાતને પ્રેમ કરતો

પ્રશાંત દયાળ