મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી વડોદરામાં સભા સંબોધતી વખતે ઢળી પડ્યા પછી તેમના રિપોર્ટ્સ કરવામાં આવ્યા ત્યારે માલૂમ પડ્યું કે તેઓ કોરોના પોઝિટિવ છે. તેમના કોરોના પોઝિટિવ આવવાને પગલે ઘણા લોકોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી કારણ કે ચૂંટણીનો માહોલ હોઈ અને વિજય રુપાણી રાજ્યના મુખ્યમંત્રી હોઈ ઘણા લોકોના સીધા સંપર્કમાં આવ્યા હતા. હવે તેને લઈને પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તેઓ સીએમના સંપર્કમાં આવ્યા હતા જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
આ ઉપરાંત મુખ્યમંત્રીના સંપર્કમાં આવેલા સંગઠન મંત્રી ભીખુ દલસાણિયા અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા પણ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. હવે તેમના સંપર્કોમાં આવેલાઓને પણ કોરોના તપાસ કરવી જરૂરી બની છે. સાથે જ મુખ્યમંત્રીના પીએ શૈલેષ માંડલિયા પણ કોરોના પોઝિટિવ હોવાને કારણે તેમને પણ સારવાર માટે યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી રુપાણીના સ્વસ્થ થવા માટે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, ભાજપના અન્ય નેતાઓ, આમ આદમી પાર્ટી ગુજરાતના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા સહિત ઘણા નેતાઓએ અને લોકોએ પ્રાથનાઓ કરી હતી. નીતિન પટેલે આ અંગે કહ્યું હતું કે, તે દિવસે રાત્રે જ તેમણે (મુખ્યમંત્રીએ) કોરોના રિપોર્ટ કરાવવાનું નક્કી કર્યું હતું. ગઈકાલે તેમના બધા રિપોર્ટ નોર્મલ આવ્યા હતા. તેઓ અઠવાડિયા જેવું હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેશે, હાલ તેમની તબીયત સારી છે.