મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગંધારા સુગરના શેરડી ભરનારા કુલ ૨૯૦૮ જેટલા ખેડૂત સભાસદો શ્રમિકો અને શેરડીનું પરિવહન કરનારાના બાકી નીકળતા રૂ. ૨૫ કરોડના નાણા વિતરણનો ઓનલાઇન કાર્યક્રમ યોજાયો હતો. વડોદરા જિલ્લાના વિવિધ ૩૧ કેન્દ્ર ઉપર બાકી નાણા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્ય સરકાર ખેડૂતોના હિતોની રક્ષા માટે સંપૂર્ણ કટિબદ્ધ છે. "સાત પગલાં ખેડૂત કલ્યાણના", મુખ્યમંત્રી કિસાન જેવી યોજનાથી ખેડૂતની પડખે ઊભી રહેનારી આ સરકાર છે. જેના ભાગરૂપે આજે ગંધારા સુગરના ૨૯૦૮ જેટલા ખેડૂત સભાસદો, શ્રમિકોના હિતમાં રૂ. ૨૫ કરોડ બાકી રકમના નાણા વિતરણ કરવામાં આવ્યા છે તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વિવિધ ૩૧ કેન્દ્ર ઉપર ઉપસ્થિત ખેડૂતોને સંબોધિત કરતા જણાવ્યું હતું.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ગાંધીનગરથી વડોદરા જિલ્લા સહકારી સુગરકેન ગ્રોઅર્સ યુનિયન, ગંધારાના શેરડી ભરનારા કુલ ૨૯૦૮ જેટલા ખેડૂત સભાસદો, શેરડી કાપનાર મજૂરો અને ટ્રક-ટ્રેક્ટર સપ્લાયરોના વર્ષ ૨૦૧૮-૧૯ના બાકી નીકળતા રૂ. ૨૫ કરોડનાં નાણા વિતરણનો ઓનલાઇન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રીના હસ્તે ગાંધીનગર ખાતે ઉપસ્થિત શિનોર અને કરજણ તાલુકાના છ ખેડૂત સભાસદો ભાઈ-બહેનોને પ્રતિક રૂપે તેમના બાકી નીકળતા નાણાના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા અને સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વડોદરા જિલ્લાના કરજણ, સિનોર અને ડભોઇ તાલુકાના ૩૧ સ્થળોએ ઉપસ્થિત મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો, સહકારી આગેવાનો અને લાભાર્થીઓને સંબોધન કરતા કહ્યું હતું કે, વડોદરા સુગરકેન યુનિયનના ખેડૂત સભાસદોના હિતમાં તેમની રજૂઆતને ધ્યાને લઇ રાજ્ય સરકારે એક જ સપ્તાહમાં નિર્ણય કરીને રૂ. ૨૫ કરોડના બાકી નાણા ચૂકવવાનું નક્કી કર્યું હતું. જે આજે આ ઓનલાઈન કાર્યક્રમના માધ્યમથી શક્ય બન્યું છે.

તેમણે કહ્યું હતું કે ખેડૂતોના મહેનતના રૂપિયા તેમના હકના નાણાં આપવા રાજ્ય સરકાર હંમેશા તૈયાર છે. બીજાના દુઃખે-દુઃખી અને બીજાના સુખે-સુખીના ધ્યેય સાથે અમારી સરકાર લોકોની સેવા કરી રહી છે. આ સરકાર ખેડૂતોની, પીડિતોની, મજૂરોની અને ગરીબોની સરકાર છે. અમારી સરકાર માંગ્યા પહેલા આપતી સરકાર છે. જનતાની આકાંક્ષા-અપેક્ષા પ્રમાણે કામ કરતી સરકાર છે.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે દેશની જનતાએ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ઉપર વિશ્વાસ મૂક્યો છે તેને પરિપૂર્ણ કરવા અમારી સરકાર લોકોના હિતમાં ગુજરાતમાં કામ કરી રહી છે. આજે રૂ. ૨૫ કરોડ રકમના બાકી નાણા કરજણ વિસ્તારના ખેડૂતો શ્રમિકોને મળવાથી તેમના ઘરે સોનાનો સુરજ ઉગ્યો છે.  રાજ્યના ખેડૂતો પાસેથી પાક વીમા કંપનીઓ દ્વારા મોટી રકમ લેવા છતાં પણ પાક વીમા ચૂકવવાના મોટા પ્રશ્નો ઊભા થતા હતા. ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં નિર્ણય કરીને પાક વીમાની રકમમાંથી મુક્તિ આપીને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જાહેર કરી છે. જેમાં રાજ્યના તમામ ખેડૂતોએ એક પણ રૂપિયાનું પ્રીમિયમ ભર્યા સિવાય ખરીફ પાક વખતે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ અને માવઠું-કમોસમી વરસાદની સ્થિતિમાં પાક વીમાની રકમ ચૂકવવાની જોગવાઈ કરવામાં આવી છે. જેના માટે રાજ્ય સરકારે ચાલુ વર્ષે રૂપિયા ૨૦૦૦ કરોડની જોગવાઇ કરી છે.

તેમણે કહ્યું હતું કે જગતના તાત-ખેડૂતને સમયસર વીજળી અને પાણી મળી રહે તો તે દુનિયાની ભૂખ ભાંગવા સક્ષમ છે. ગુજરાત સરકારે ખેડૂતો માટેની "સાત પગલાં ખેડૂત કલ્યાણના" યોજનાની શરૂઆત કરી છે. જેમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે ગાય દીઠ પ્રતિમાસ રૂપિયા ૯૦૦ની સહાય કરવામાં આવે છે. યોજનામાં ખેતરમાં પાક સંગ્રહ માટે ગોડાઉન બનાવવા રૂ. ૩૦,૦૦૦ની સબસીડી સહાય તેમજ ખેડૂતોને પોતાનો માલ બજારમાં વેચવા લઈ જવા માટે વાહન ખરીદવા માટે પણ સહાય કરવામાં આવે છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, ખેડૂતોને તેમના ઉપજના યોગ્ય પૂરતા ભાવ મળી રહે તેવા હેતુથી ગુજરાત સરકારે છેલ્લા ચાર વર્ષમાં ખેડૂતો પાસેથી રૂ. ૧૫,૦૦૦ કરોડથી વધુ રકમની ખેત-પેદાશો ટેકાના ભાવે ખરીદી છે. અગાઉની સરકારોએ એક પણ રૂપિયાની પેદાશ ટેકાના ભાવે ખરીદી નથી. કરજણ વિસ્તારના ખેડૂતોને શેરડીની સાથે કોઈપણ ધાન્ય પાકનો પૂરતો ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત ચિંતા કરશે તેમ જણાવી મુખ્યમંત્રીએ સૌ લાભાર્થીઓને શુભેચ્છાઓ આપી હતી. 

તેમણે કહ્યું હતું કે, કોરોના વચ્ચે સાવચેતી રાખીને આપણે વિકાસયાત્રા આગળ ધપાવવાની છે. આ વર્ષે સમગ્ર રાજ્યમાં ખૂબ સારો વરસાદ થયો છે તેથી ખરીફ, રવિ અને ઉનાળુ સીઝનમાં મબલક પાક થશે અને ખેડૂતો વધુ આર્થિક પગભર બનશે તેમ જણાવી લાભાર્થીઓને શુભેચ્છા આપી હતી. સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા ૨૫ વર્ષથી વર્તમાન સરકારે ખેડૂતોના કલ્યાણ માટે અનેકવિધ નવી યોજનાઓ અને સબસિડી આપીને ખેડૂતોને આર્થિક પગભર કરવાનું કામ કર્યું છે. તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ ૨૦૦૫માં “કૃષિ મહોત્સવ”નો પ્રારંભ કરીને ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી કરવાના અભિયાનનો પ્રારંભ કર્યો હતો. નિર્ણાયક મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારે સાત પગલા ખેડૂત કલ્યાણના, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જેવી અનેકવિધ યોજનાઓ શરૂ કરીને ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર કરવાનું ભગીરથ કાર્ય કરી રહી છે. રાજ્ય સરકારે ખેડૂતોની ચિંતા કરીને વડોદરા જિલ્લાની સહકારી સુગરકેન ગ્રોઅર્સ યુનિયન લી. ગંધારાના શેરડી પકવતા ખેડૂત સભાસદો, શેરડીની કાપણી કરતા શ્રમિકોને તેમજ ટ્રક અને ટ્રેકટર સપ્લાયરોને કુલ રૂા. ૨૫ કરોડની વર્ષ ૨૦૧૮-૧૯ની બાકી રકમ આજે મુખ્યમંત્રીના હસ્તે ચૂકવવામાં આવી છે. તે બદલ સહકાર મંત્રીએ સૌ લાભાર્થીઓને અભિનંદન આપ્યા હતા. 

ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સંવેદનશીલ અને નિર્ણાયક મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોવિડ-૧૯ની પરિસ્થિતિમાં પણ વડોદરા જિલ્લા સહકારી સુગરકેન ગ્રોઅર્સ યુનિયન લી., ગંધારાના ખેડૂત સભાસદો, કાપણી કરતા મજૂરો અને ટ્રક-ટ્રેક્ટર સપ્લાયરોના હિતમાં નિર્ણય લઈને આજે એક સાથે રૂા. ૨૫ કરોડની રકમ ચૂકવવાનો નિર્ણય કર્યો છે તે ખૂબ જ આવકારદાયક છે. આ વિસ્તારના ખેડૂતો અને સહકારી આગેવાનો દ્વારા મુખ્યમંત્રીને આ બાકી નાણા ચૂકવવા અંગે રજૂઆત કરવામાં આવી હતી. જેના પગલે મુખ્યમંત્રીએ માત્ર એક જ સપ્તાહમાં હકારાત્મક નિર્ણય લઈને તેનો ઉકેલ લાવીને રાજ્ય સરકારની નિર્ણાયક અને સંવેદનશીલ કાર્યશૈલીના દર્શન કરાવ્યા છે. આજે કરણજ વિસ્તારના વિવિધ ૩૧ સ્થાનો પર આ સાથે લાભાર્થીઓને નાણા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. 

ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ભૂમાફિયાઓ ઉપર કડક કાર્યવાહી કરવા “લેન્ડ ગ્રેબિંગ એક્ટ” કાયદો બનાવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ ખેડૂતોની જમીન વધુ સુરક્ષિત બનશે. મુખ્યમંત્રીના નેતૃત્વમાં ખેડૂત કલ્યાણની અનેક યોજનાઓ અને નિર્ણયો લેવામાં આવ્યા છે તેમ જણાવી ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ તમામ લાભાર્થીઓને શુભેચ્છાઓ આપી હતી. 

ગાંધીનગર ખાતે સહકાર વિભાગના સચિવ નલિન ઉપાધ્યાયે સ્વાગત પ્રવચન કરીને સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી. જ્યારે સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર ડી. પી. દેસાઈએ આભાર વિધિ કરી હતી. 

આ પ્રસંગે પંચાયત મંત્રી જયદ્રથસિંહ પરમાર, શહેરી ગૃહનિર્માણ રાજ્ય મંત્રી યોગેશ પટેલ, સાંસદો, ધારાસભ્યો, સહકારી અગ્રણીઓ, જિલ્લા કલેક્ટર, ડીડીઓ તેમજ ખેડૂત સભાસદો, શેરડી કાપણી કરતા મજૂરો અને ટ્રક-ટ્રેક્ટર સપ્લાયર્સ વિવિધ ૩૧ સ્થાનો ઉપર ઉપસ્થિત રહ્યા હતા.