મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાતમાં હાલ કોરોનાની સ્થિતિ ભયંકર બનતી જાય છે. સામાન્ય રોગ જેવો રોગ માનીને જે તાયફાઓ થયા તેના કારણે હવે ઠેરઠેર દર્દીઓ દેખાવા લાગ્યા છે. જોકે આ એક મોટી આફત છે જે કેટલાકો માટે મોટો અવસર પણ બની ગઈ છે. ઈન્જેક્સનોની કાળા બજારી, ખોટા રિપોર્ટ રજુ કરી છેતરતા કેટલાક ટ્રાન્સપોર્ટસ, બસો બંધ છે તો તેનો ફાયદો ઉઠાવતા કેટલાક રિક્ષાવાળાઓ, અન્ય ઘણા ક્ષેત્રોમાં લૂંટ શરૂ થઈ છે અને આવું જ કાંઈક કેટલીક હોસ્પિટલ્સમાં પણ બનવા જઈ રહ્યું છે. એક બાજુ ઊંચી સ્કૂલ ફીમાં લોકોની લગભગ ઈન્કમનો મોટો ભાગ જતો રહેતો હતો ત્યાં હોસ્પિટલ્સના ઊંચા બીલ તેમને આર્થિક પાયમાલી તરફ ધકેલી રહ્યા છે.

ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા આ સંદર્ભમાં મુખ્યમંત્રીને હોસ્પિટલ્સના ઓડિટ કરાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરીએ આ અંગે રજૂઆત કરતાં જણાવ્યું કે, રુપાણી સાહેબ આપ એક સરળ અને અત્યંત સંવેદનશીલ વ્યક્તિ છો અને અન્ય રાજકારણીઓથી ન્યારા છો એવી એક સર્વ સામાન્ય છાપ છે. અને એટલા માટે અમને આશા છે કે અમારી રજૂઆત પર આપ ગંભીરતાથી વિચારીને નાગરિકોને જરૂરી  રાહત થાય એવા પગલાં તાત્કાલિક ભરશો.


 

 

 

 

 

કોરોનાના દર્દીઓના પરિવારોને આર્થિક રીતે પાયમાલ થતાં બચાવવા આડેધડ બિલો આપતી ખાનગી હોસ્પિટલોનું દિલ્હી સરકાર ઓડિટ કરી રહી છે એ એક આવકારદાયક પગલું છે અને આપની રાહબરી નીચે ચાલતી ગુજરાત સરકારે પણ તેનો ત્વરિત અભ્યાસ કરીને અમલમાં મૂકીને દેશમાં એક સારો દાખલો બેસાડવાની જરૂર છે કે જ્યાં જે પણ સારું થઈ રહ્યું છે એ અમે ખુલ્લા મને સ્વીકારીએ છીએ અને ગુજરાતનાં નાગરિકોના લાભાર્થે તેનું સત્વરે અમલીકરણ કરીએ છીએ.

આજકાલ દિલ્હીની ખાનગી હોસ્પિટલોમાં મુખ્યમંત્રી જાતે દરોડા પાડીને એનું ઓડિટ કરી રહ્યા છે. કોરોના કેસના પેશન્ટ દીઠ બિલો તપાસી રહ્યા છે અને ચૂકવાઈ ગયેલી ખોટી જંગી રકમો પેશન્ટને પાછી અપાવી રહ્યા છે. દિલ્હીમાં ખાનગી હોસ્પિટલો મન ફાવે તેવા બિલો લઈ શકતી નથી એનું કારણ આમ આદમી પાર્ટીના દરોડાઓ છે. આપણે ત્યાં ખાનગી હોસ્પિટલોમાં ગુજરાત સરકારના કોઈ જ નિયમનો લાગુ નથી. સરકારે કોરોના સારવાર અંગે ખાનગી હોસ્પિટલો માટેની કોઈ ગાઈડલાઇન પણ જાહેર કરી નથી. એને કારણે કોરોના પેશન્ટના પરિવારો આર્થિક રીતે ધોવાઈ રહ્યા છે.


 

 

 

 

 

તેમણે કહ્યું કે, અમારું નમ્ર સૂચન છે કે સત્વરે એક બોડી રચવામાં આવે જેમાં જે પેશન્ટને અથવા તેમના પરિવારને જણાય કે હોસ્પિટલે તેમની પાસેથી ખોટા બિલો બનાવીને વધારે પૈસા લીધા છે તેઓ આ બોડીમાં ફરિયાદ કરે અને આ બોડી 15 દિવસમાં કેસનો અભ્યાસ કરીને હોસ્પિટલ પર દંડકીય કાર્યવાહી કરી પેશન્ટના પરિવારને વધારાની લીધેલી રકમ વત્તા તેની ડબલ રકમ હોસ્પિટલને દંડ કરીને પેશન્ટના પરિવારને અપાવે. આમ કરવાથી જે ખાનગી હોસ્પિટલો કોરોનાના કાળમાં માનવતા ભૂલીને લૂંટ ચલાવી રહી હોય તેમાં ચોકકસપણે બદલાવ આવશે.

આ રીતે સરકાર પાસે જે સત્તા છે એનો ગુજરાતનાં નાગરિકોના હિતમાં ઉત્તમ ઉપયોગ થશે તથા દેશમાં એક નવી શરૂઆત થશે. આપ આ અંગે વિચારણા કરી સત્વરે નિર્ણય લેશો જેનાથી જરૂરિયાતમંદ નાગરિકોને અને દર્દી તથા તેમના પરિવારોને રાહત મળે એવી અપેક્ષા છે.