કમલેશ જુમાણી (મેરાન્યૂઝ.ગીર સોમનાથ): રાજ્યમાં 45 વિઘાનસભા બેઠક પર કોળી સમાજ નિર્ણાયક હોવા છતાં યોગ્‍ય પ્રતિનિઘિત્‍વ મળતુ ન હોવાથી કોળી સમાજનો મુખ્‍યમંત્રી બનાવવાનો સુર આજે સોમનાથ સાંનિઘ્‍યે પ્રાંચી મુકામે મળેલી અખીલ ભારતીય કોળી સમાજના રાજ્યના આગેવાનોની ચિંતન શિબિર બેઠકમાં ઉઠયો હતો. આગામી દિવસોમાં રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે કોળી સમાજનું મહાસંમેલન બોલાવવાનો નિર્ણય કરવામાં આવેલ હતો. બીજી બાજુ યુવાનોમાં ચૂંટણી ટાંણે જ સમાજ અને સંમેલનો યાદ કરતાં નેતાઓ સામે નારાજગી પણ જોવા મળી હતી.

ગુજરાતમાં પાટીદાર સમાજ બાદ સૌથી વધુ મતદારો ધરાવતા કોળી સમાજમાં પણ પોતાના સમાજનો વ્‍યકિત મુખ્યમંત્રી હોવાના સુર ઉઠ્યા છે. જેના પગલે તાજેતરમાં ભાવનગર ખાતે કોળી સમાજની એક બેઠક મળયા બાદ આજે સોમનાથ સાંનિઘ્‍યે પ્રાંચી તીર્થ મુકામે અખિલ ભારતીય કોળી સમાજના મુખ્‍ય આગેવાનોની અગત્યની ચિંતન શિબિર બેઠક મળી હતી. જેમાં રાજયના મોટાભાગના જીલ્‍લામાંથી કોળી સમાજના મુખ્ય આગેવાનો, ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક સંસ્‍થાના રાષ્ટ્રીય મંત્રી જેઠાભાઈ જોરાના અધ્યક્ષ સ્થાને મળી હતી. 

જેમાં રાજકીય અને સામાજીક રીતે કોળી સમાજને મજબુત પ્રતિનિઘિ મળે તેના પર મંથન થયુ હતુ. બેઠક પુર્ણ થયા બાદ જેઠાભાઇ જોરએ જણાવેલું કે, બેઠકમાં કોળી સમાજનો વ્‍યકિત મુખ્યમંત્રી હોવા જોઈએ તેવો સુર ઉઠ્યો હતો. રાજ્યની 45 વિધાનસભા બેઠક પર કોળી સમાજ નિર્ણાયક હોવા છતાં સમાજને અન્યાય થઈ રહ્યો છે. રાજયમાં કોળી સમાજના સૌથી વધુ મતદાર હોવા છતાં અમારા સમાજના ચૂંટાયેલા આગેવાનોને નાનું એવું ખાતું અપાતુ હોવાથી સમાજમાં નારાજગી છે. સમાજના લોકોની લાગણી છે કે, સમાજનું પ્રતિનિઘિત્‍વ કરતા આગેવાનોને રાજકીય અને સામાજીક રીતે મહત્‍વ મળવુ જોઇએ.

જ્યારે આવી જ રીતે વીર માંધાતા સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ રાજુભાઇ સોલંકી, સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પણ કોળી સમાજના મુખ્યમંત્રી હોવા જોઇએ તેવો સુર વ્યક્ત કર્યો હતો. આગામી દિવસોમાં રાજયકક્ષાનું કોળી સમાજનું મહાસંમેલન આગામી દિવસોમાં બોલાવવાનું નકકી કરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોળી સમાજને વસતિના પ્રમાણમાં મહત્‍વ ન આપી અન્‍યાય થઇ રહ્યાની લાગણી સમાજના લોકો અનુભવી રહ્યા છે. રાજયમાં કોઇપણ સરકાર બને તેમાં કોળી સમાજનું મોટું યોગદાન હોય છે. જેથી કોળી સમાજને મહત્‍વ મળવુ જોઇએ કોળી સમાજને સંગઠીત બનાવી મજબુત રીતે આગળ લઇ જવા ચર્ચાઓ કરવામાં આવી છે. આજની બેઠકમાં રાજકીય, શૈક્ષણીક સહિતના તમામ મુદાઓ પર કોળી સમાજની સ્‍થ‍િતિ અંગે ગ્રહન ચર્ચા-વિચારણા કરવામાં આવી છે.

અત્રે નોંઘનીય છે કે, રાજ્યમાં પ્રતિનિઘિત્‍વને લઇ પાટીદાર સમાજ બાદ કોળી સમાજની બેઠક મળી છે. સાથે જ મુખ્યમંત્રી પદ પોતાના સમાજના નેતાને મળે તેવી માગ સાથે પાટીદાર, ક્ષત્રિય, ઓબીસી નેતાઓ પણ માગ કરી ચુક્યા છે. જેથી આગામી સમયમાં રાજકીય સમીકરણોમાં કંઈક નવા જૂનીના આવવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ત્‍યારે શું થશે તે તો આગામી સમયમાં જોવુ રસપ્રદ રહેશે. આજની બેઠકમાં ઘારાસભ્‍ય બાબુભાઇ વાજા, અખીલ ભારતીય કોળી સમાજના જીલ્‍લા પ્રમુખ કાનભાઈ ગઢીયા, માંઘાતા સંગઠનના જીલ્‍લા પ્રમુખ ડો. રામ ચૌહાણ, ઘીરૂ સોલંકી, પ્રવિણ બારૈયા, બાબુ પરમાર, રાકેશ ચુડાસમા, રાજીબેન સોલંકી, બટુક મકવાણા સહિતના સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.