પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત થાય તે પહેલા ખુદ ભૂપેન્દ્ર પટેલ પણ જાણતા ન્હોતા કે તેઓ ગણતરીના કલાકોમાં મુખ્યમંત્રી બની જશે. ભૂપેન્દ્ર પટેલની જાહેરાત થતાં સૌથી પહેલો આંચકો ભાજપી નેતાઓને જ લાગ્યો હતો. કારણ કે, ભૂપેન્દ્ર પટેલ જેવું અજાણ્યું નામ મુખ્યમંત્રી તરીકે રજુ થશે તેવી સિનિયર્સને પણ કલ્પના ન્હોતી. આવા જ બીજા આંચકાની નરેન્દ્ર મોદીએ તૈયારી કરી છે જેનો ગણગણાટ હવે પ્રદેશ ભાજપમાં શરૂ થયો છે.

મહામારી દરમિયાન રાજ્યમાં ઊભી થયેલી રાજકીય પરિસ્થિતિ માટે વિજય રુપાણી જવાબદાર હોવાનું એક જુથ માની રહ્યું હતું. વિજય રુપાણીને હટાવી ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી તરીકે મુકવામાં આવ્યા, પરંતુ ભાજપ હાઈકમાન્ડ માને છે કે સમગ્ર ઘટના માટે માત્ર વિજય રુપાણી જ નહીં પણ સમગ્ર પ્રધાનમંડળની પણ સરખી જવાબદારી છે.

Advertisement


 

 

 

 

 

માત્ર મુખ્યમંત્રી બદલવાથી ભાજપની બગડેલી સ્થિતિ સુધારી શકાય નહીં. કારણ કે જો મંત્રી મંડળમાં જો જુના જ ચહેરાઓ સામે આવે તો લોકોની નારાજગી યથાવત રહે. જેના કારણે પ્રધાનમંડળમાં ધરમૂળથી ફેરફાર કરવો પડે. વર્ષોથી પ્રધાનમંડળમાં રહેલા સિનિયર મંત્રીઓની પણ બાદબાકી કરવી પડે. ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં તમામ જુનાઓની બાદબાકી કરી નવાઓને મુકવાનો નિર્ણય ભાજપ હાઈકમાન્ડે કર્યો હોવાની જાણકારી મળતા મંત્રી મંડળમાંથી પડતા મુકાયેલા મંત્રીઓ પોતે અને ટેકેદારો દ્વારા હાઈકમાન્ડ સમક્ષ રજૂઆત કરાઈ રહી છે. જોકે આગામી કલાકોમાં જ બીજા આંચકાની તૈયારી ભાજપના નેતાઓએ રાખવી પડશે.