પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): કેટલાંક વ્યકિતઓ નસીબ લઈને જન્મ લેતા હોય છે. તેમાં સવર્ગસ્થ દિલીપ પરીખનો પણ સમાવેશ થાય છે. જો કે નસીબના બળીયા હોવા છતાં ગુજરાતના મુખ્યમંત્રી પદ ઉપર પહોંચ્યા પછી પણ તેમની અંદર રહેલી નમ્રતા અને સારાપણુ યથાવત રહ્યુx હતું. સામાન્ય રીતે રાજનેતાઓ સત્તા મળ્યા પછી છાકટા થઈ જાય છે પણ દિલીપ પરીખ તેમાં અપવાદ હતા, આમ તો દિલીપી પરીખ અને જયનારાયણ વ્યાસ જેવા નેતાઓ રાજકારણમાં તો આવી ગયા પણ રાજકારણી જેવી અઠંગતા તેમનામાં આવી નહીં, દિલીપ પરીખ ઉદ્યોપતિ અને જયનારાયણ વ્યાસ ટેકનોક્રેટ હતા, પણ તેમનું નસીબ તેમને રાજકારણમાં લઈ આવ્યું.

દિલીપ પરીખ ભાજપમાં જોડાયા અને ધંધુકા બેઠક ચૂંટણી લડી ધારાસભામાં આવ્યા, ભાજપની પહેલી વખત સરકાર બની હતી અને  નરેન્દ્ર મોદી અને શંકરસિંહ વાઘેલા વચ્ચે સત્તાની સાઠમારી ચાલતી હતી, મુખ્યમંત્રી થવા માગતા શંકરસિંહએ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનો તખ્તો પલટી નાખવાનો પ્લાન બનાવ્યો જેમાં તેમને અનેક સારા માણસો જેમને બાપુની ગંદી રમતની ખબર પડે નહીં તેવા માણસોની જરૂર હતી. જેમાં દિલીપ પરીખનો સમાવેશ થતો હતો, શંકરસિંહે ભાજપમાં બળવો પોકાર્યો અને 48 ધારાસભ્યોને લઈ ખજુરાહો ગયા, કેશુભાઈ પટેલની સરકારનું પતન થયુ અને સુરેશ મહેતા સીએમ થયા.

જો કે બાપુની હજી મુખ્યમંત્રી થવાની ઈચ્છા બાકી હતી એટલે તેમણે સુરેશ મહેતાની સરકાર ઉથલાવી રાજગાદી મેળવી લીધી, બાપુને મળેલી સત્તા કોંગ્રેસની ખેરાત હતી. કારણ સરકાર બનાવવા માટે કોંગ્રેસે ટેકો આપ્યો હતો. સત્તા મળ્યા પછી બાપુની બાપુગીરી ગઈ નહીં, કોંગ્રેસનો ટેકો હોવા છતાં ‘સરકાર જાય તો જુત્તે મારી’ જેવા નિવેદન કરતા રહ્યા, આ વાત કોંગ્રેસના તત્કાલીન પ્રદેશ પ્રમુખ સી ડી પટેલ માટે અસહ્ય હતી, તેમણે બાપુની સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લેવાની તૈયારી કરી વચગાળાના સમાધાનમાં નક્કી થયુ કે બાપુ મુખ્યમમંત્રી પદ છોડશે અને સત્તાનું સુકાન દિલીપ પરીખને સોંપશે, કોઈ નસીબમાં ભલે ના માને પરંતુ તેમનું મુખ્યમંત્રી થવું તકદીરનો તકાજો હતો.

અચાનક મુખ્યમંત્રી પદ મળે એટલે અનેક નેતાઓ માનસીક સમતુલન ગુમાવે છે, પણ પરિખમાં તેવુ થયુ તે આ ગાળામાં અમદાવાદના ટ્રાફિકને દુરસ્ત કરવા માટે અમદાવાદ ટ્રાફિક બ્રાન્ચમાં ડેપ્યૂટી પોલીસ કમિશનર તરીકે યુવાન ડીસીપી સમીઉલ્લાહ અંસારીનું પોસ્ટીંગ થયુ તેઓ શહેરના ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ટ્રાફિક પોલીસ  પાસે ખાસ્સુ કામ લેતા હતા., આ દરમિયાન આશ્રમરોડ ઉપર આવેલા ડીલાઈટ સર્કલ ઉપર એક યુવતી કાર લઈ સીગ્નલ તોડે છે ફરજ ઉપરના પોલીસે તે કારને રોકી, પણ યુવતી ઉમંર અને પિતાના પદના કેફમાં હતી તે પોલીસને પોતાનો પરિચય આપતી નથી પણ પોલીસ ઉપર રોફ જાડે છે અને દંડની રકમ ભર્યા વગર ત્યાંથી જતી રહે છે. 

આ યુવતી દિલીપ પરીખની પુત્રી હતા, ફરજ ઉપરનો પોલીસ આ વાતથી ્અજાણ હતો તે કારનો નંબર નોંધી આગળની કાર્યવાહી કરે છે. આરટીઓમાંથી કાર માલિકનું સરનામુ લઈ એક પોલી  કોન્સટેબલ દિલીપી પરીખનો અમદાવાદના સીજી રોડ ઉપર આવેલા બંગલા ઉપર પહોંચે છે, તે જાણતો ન્હોતો કે તેને મળેલુ સરનામુ કોનુ છે. તે મેમો બુક સાથે બંગલાના દરવાજે પહોંચે ડોર બેલ વગાડે છે અને થોડીવારમાં ખુદ મુખ્યમંત્રી દિલીપ પરીખ દરવાજો ખોલે છે, દરવાજો ખુલતા કોન્સટેબલ થોડો મુંઝાઈ જાય છે તેને લાગે છે તે ખોટા સરનામે પહોંચ્યો છે, પણ જયારે સીએમ પરીખ તેને આવવાનું કારણ પુછે છે ત્યારે તે ડીલાઈટ સર્કલ ઉપર બનેલી ઘટના વર્ણવે છે.

દિલીપ પરીખ તરત પોતાની પુત્રીના વ્યવહાર માટે માફી માંગે છે અને કોન્સટેબલને કહે છે નિયમ પ્રમાણે જે દંડ થતો હોય તે લઈ તો, કોન્સબેટલ દંડને મેમો આપે છે મુખ્યમંત્રી દિલીપ પરીખ દંડની રકમ પણ ભરે છે. આમ મુખ્યમંત્રી થયા પછી પણ તેમની અંદરના સારાપણાને તેમણે જીંવત રાખ્યુ હતું આજે હવે દિલીપ પરીખ આપણે વચ્ચે રહ્યા નથી પણ તેમની સારી વાતો આવનાર વર્ષોમાં પણ આવી જ રીતે જીવતી રહેશે.