મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અંગે આપ સર્વ જાણિતા છો. આ અંગે સરકાર વિવિધ કાર્યવાહીઓ અને પગલા લેવાયાના દાવા કરે છે તો બીજી તરફ નેતાઓની સભાઓ ટોળા ભેગા કરતી હતી. જોકે હવે સ્થિતિ એવી થઈ કે મહાનગરોમાં કરફ્યુ લાદવાની સ્થિતિ આવી ગઈ. જોકે અમદાવાદના લોકોએ શનિવાર રાત્રીથી લાદવામાં આવેલા કરફ્યુનું સારુ એવું પાલન કર્યું જેને કારણે મુખ્યમંત્રી વિજય રુપાણી ખુશ થઈ ગયા હતા. તેમણે અમદાવાદીઓના આ જુસ્સાને પગલે અભિનંદન પાઠવ્યા હતા. બીજી બાજુ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે પણ ભાજપમાં પોતાના સાથીઓને ભાજપ તરફથી કોઈ પણ પ્રકારના કાર્યક્રમો નહીં કરવાનું કહ્યું હતું. તેમણે કહ્યું કે જ્યાં સુધી સૂચના ન મળે ત્યાં સુધી ભાજપ તરફથી કોઈપણ પ્રકારના કાર્યક્રમો નહીં કરવા.

મુખ્યમંત્રી વિજય રુપાણીએ કહ્યું કે, વિકેન્ડ કર્ફ્યુમાં પૂરતો સાથ અને સહકાર અમદાવાદની જનતાએ આપ્યો છે. અમદાવાદની સમસ્ત જનતાને રાજ્ય સરકાર વતી ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ આપું છું. તેમણે કહ્યું કે, નાગરિકોએ ગભરાવવાની આવશ્યકતા નથી, સરકારે પુરી વ્યવસ્થા કરી છે, ડોક્ટરોનો ફોર્સ વધારી દીધો છે, હોસ્પિટલમાં બેડની સંખ્યા પણ વધારી દીધી છે. તરત સારવારની વ્યવસ્થા પણ ઉભી કરી દીધી છે. 

તેમણે ઉમેર્યું કે, નાગરિકોએ ગભરાવવાની આવશ્યકતા નથી, સરકારે પુરી વ્યવસ્થા કરી છે. સંક્રમણને રોકવું તે આવશ્યક છે એટલા માટે આપ સૌને અપીલ કરું છું કે રાત્રી કર્ફ્યુના નિયમોનું પાલન કરીએ અને બહાર નીકળતી વખતે માસ્ક ફરજીયાત પહેરીએ.

ભાજપના ગુજરાત અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે હાલ કોરોના સંક્રમણના વાતાવરણને અનુલક્ષીને ગુજરાતભરના તમામ ભાજપાના આગેવાનો તેમજ કાર્યકરોને સુચના આપી છે કે, અત્યારના સંજોગોને ધ્યાનમાં રાખીને નવી સૂચના ન મળે ત્યાં સુધી હાલ ભાજપા તરફથી કોઈપણ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવું નહીં. સોશિયલ મીડિયા પર જાહેર કરવામાં આવેલી આ બંને પોસ્ટને પગલે લોકોએ ત્યાં પોતાના મંતવ્યો પણ રજૂ કર્યા હતા. જે પોસ્ટ અહીં દર્શાવવામાં આવી છે. લોકોએ મોડે મોડેથી પણ પાટીલે કરેલા આ નિર્ણયને આવકાર્યો હતો અને આગામી સમયમાં નાગરિકો સ્વસ્થ અને સુખી થાય તેવી આશાઓ વ્યક્ત કરી હતી.