જયંત દાફડા (મેરાન્યૂઝ.ગાંધીનગર): સૌરાષ્ટ્રમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી ૪ દિવસમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેવામાં ગુજરાતના નવા બનેલા મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્રવાસીઓને ઘ્યાનમાં લઇને સપથવિધી બાદ વરસાદ અંગે બેઠક કરી હતી. અને વરસાદથી થયેલા નુકશાનની સમીક્ષા કરવા આજે સૌરાષ્ટ્ર જવા રવાના થયા છે. 

સૌરાષ્ટ્રમાં મેઘરાજા ગાંડોતૂર બન્યો છે. જેના લીધે મોટા ભાગના ડેમ છલકાઇ ઉઠ્યા છે. લાંબા સમયથી ખાલીખમ પડેલા જળાશયો કલાકોમાં છલકીઉઠ્યા છે. તો બીજી બાજુ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ગઈકાલે અનેક ગાડીઓ પાણીના પ્રવાહમાં વહેતી હોવાના, જનજીવન અસરગ્રસ્ત થવાના, માલ સામાનના નુકસાનના વીડિયો વાયરલ થયા હતા. ગઈકાલે રાજકોટ, જામનગર અને જૂનાગઢમાં ૨૨ઇંચથી વધુ વરસાદ વરસી જતા જળબંબાકારની પરિસ્થિતી સર્જાઇ છે અને ૧૪૬ રસ્તા બંધ કરવાની ફરજ પડી છે. ભારે વરસાદને લઈને ૧૦૦૦થી વધુ લોકોના રેસ્ક્યું કરવામાં આવ્યાં છે. સૌરાષ્ટ્રમાં ઘણા ગામોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યાં છે. તો બીજી બાજુ NDRF, SDRFની ટીમને એલર્ટ રહેવા જણાવ્યું છે. રાજકોટ અને જામનગરમાં ભારે વરસાદના લીધે સતત ત્રીજા દિવસે શાળા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

ત્યારે ગુજરાતના નવા બનેલા મૂખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ૧ વાગે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદને લીધે સર્જાયેલી પરિસ્થિતનો ત્યાગ મેળવવા માટે અને જિલ્લા તંત્રને રાહત બચાવ કામગીરીમાં માર્ગદર્શન આપવા રાજકોટ અને જામનગર જીલ્લાઓની મુલાકાત કરવા હવાઈ માર્ગે સમીક્ષા પ્રવાસ ખેડશે.