પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): અમદાવાદના મેમનગર પાલિકાના પ્રમુખથી રાજકીય કારકિર્દી શરૂ કરનાર ખુદ ભૂપેન્દ્ર પટેલને પણ અંદાજ નહીં હોય કે તેમના ભાગ્યમાં ગુજરાતનું સુકાન પણ લખેલું છે. વ્યવસાયે બિલ્ડર ભૂપેન્દ્ર પટેલની ગુજરાત વિધાનસભામાં આ પહેલી જ ટર્મ છે પરંતુ રાજકારણમાં તમારા ગોડ ફાધર કોણ છે તે પણ બહુ મહત્વનું હોય છે.

આનંદીબહેનના બહુ નજીકના ગણાતા ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત કરી ભાજપે તમામ જુથને ચોંકવી દીધા છે. જોકે ભૂપેન્દ્ર પટેલ આનંદીબહેનની નજીક હોવા છતાં તેમના નામની પસંદગી ઉપર અમિત શાહની પણ મહોર વાગવી મહત્વની હતી. આમ આનંદીબહેન અને અમિત શાહ વચ્ચે રાજકીય મતભેગ ગમે તેટલા હોય પરંતુ ભૂપેન્દ્ર પટેલની પસંદગીના મામલે તેઓ બંને એક થયા તેનું જ આ પરિણામ છે.

Advertisement


 

 

 

 

 

નગર પાલિકાના પ્રમુખ પદ પરથી શરૂ થયેલી ભૂપેન્દ્ર પટેલની રાજકીય સફર આગળ વધારતા તેઓ અમદાવાદ કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા અને સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન થયા હતા. આ ઉપરાંત ઔડાના ચેરમેન તરીકે પણ પાર્ટી દ્વારા જવાબદારી સોંપવામાં આવી હતી. 2017ની ચૂંટણીમાં આનંદીબહેન પટેલની બેઠક ઘાટલોડિયા વિધાનસભામાંથી તેઓ વિધાનસભા લડ્યા હતા અને જંગી બહુમતીથી જીત્યા હતા.

ભૂપેન્દ્ર પટેલને પસંદ કરવાનું કારણ પાટીદાર ફેક્ટર તો છે જ પરંતુ પાર્ટીના અભ્યાસમાં ભાજપને અંદાજ આવ્યો હતો કે 2022ની ચૂંટણીમાં કાંઈક અંશે પાટીદાર ભાજપથી વિમુખ થાય તેવી સંભાવના છે તેટલે પ્રથમ અગ્રતા પાટીદારને મુખ્યમંત્રી પદ સોંપી નારાજ પાટીદારોને પોતાની સાથે લેવાનો હતો આ ઉપરાંત રોગચાળા દરમિયાન શહેરી વિસ્તારમાં મોટા પ્રમાણમાં માનવ જીવનને નુકસાન થયું અને લાખો લોકો પરેશાન થયા હતા. આમ નારાજ શહેરી મતદારો ઉપર પોતાની પક્કડ જાળવી રાખવા ભૂપેન્દ્ર પટેલની પસંદગી થઈ હોવાનું અનુમાન છે. આમ પ્રથમ જ વખત ગુજરાત વિધાનસભામાં પહોંચી ગુજરાતના મુખ્યમંત્રી થવાનું ગૌરવ તેમને મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે એક જ વિધાનસભા બેઠક ઉપરથી બે મુખ્યમંત્રી મળ્યા હોય તેવી આ પ્રથમ ઘટના છે. આનંદીબહેન પટેલ પણ ઘાટલોડિયા વિધાનસભામાંથી ચૂંટાયા હતા અને ભૂપેન્દ્ર પટેલ પણ ઘાટલોડિયા વિધાનસભાના પ્રતિનિધિ છે.