મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત બાદ 13મી વિધાનસભાનું વિસર્જન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મંત્રીમંડળે આજે રાજ્યપાલને રાજીનામું સુપરત કર્યુ છે. નવા મુખ્યમંત્રી કોણ બનશે તેના પર અટકળો ચાલી રહી છે. જો કે નવા મુખ્યમંત્રીની નિમણૂંક થાય ત્યાં સુધી કાર્યકારી મુખ્યમંત્રીનું પદ વિજય રૂપાણી સંભાળશે.

રાજ્યપાલ ઓ.પી.કોહલીએ બંધારણના અનુચ્છેદ 174ના ખંડ બેના પેટા ખંડ ખથી મળેલી સત્તાની રૂએ 13મી વિધાનસભાનું વિસર્જન કર્યું છે. સચિવાલયે આ મામલે અધિસૂચના પણ જાહેર કરી છે. એટલે કે, 13મી વિધાનસભામાં જે ધારાસભ્યો હતા તે હવે ધારાસભ્યો રહ્યા નથી. જો કે, ભાજપની નવી સરકાર રચાય ત્યાં સુધી મુખ્યમંત્રી પદે વિજય રૂપાણી કાર્યકારી મુખ્યમંત્રી તરીકે રહેશે. આ તરફ કેંદ્રીય ચૂંટણી પંચના બેથી ત્રણ પ્રતિનિધિઓ આજે ગુજરાત આવશે. અને વિજેતા ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરશે. તો બીજી તરફ નવી સરકાર રચવા અને મુખ્યમંત્રીનું નામ પસંદ કરવા આવતીકાલે ભાજપ વિધાનસભા પક્ષની મહત્વની બેઠક મળશે.