દેવલ જાદવ / જયંત દફડા (મેરાન્યૂઝ.અમદાવાદ): ભુપેન્દ્ર પટેલને રવિવારે મુખ્યમંત્રી પદની લોટરી લાગી. આજે બપોરે રાજભવન ખાતે ભૂપેન્દ્ર પટેલની શપથવિધિ યોજવામાં આવી હતી. અત્યાર સુધી રસ્તાઓ પર લાગેલા વિજય રૂપાણીના પોસ્ટર હવે ઉતારી લેવાના શરુ થઈ ગયા છે અને નવા સીએમના પોસ્ટર્સથી જાહેરાતો શરુ થઈ ગઈ છે. અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર સુધીના રસ્તા પર ભુપેન્દ્ર પટેલના પોસ્ટર લગાવી દેવામાં આવ્યા છે. આ પોસ્ટર્સ રોડની બંને તરફ આવવા અને જવાના રોડ પર લાગ્યા છે. જોકે દિવાળી કોના બાપની એ હજુ જાણી શકયું નથી.

ઉલ્લેખનીય છે કે ભુપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે પોતે નકકી થયા બાદ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, તેમને પોતાને કોઈ અણસાર ન હતો કે તે મુખ્યમંત્રી બનવા જઇ રહ્યા છે. પરંતુ મુખ્યમંત્રી તરીકે જાહેર થયાના માત્ર 24 જ કલાકમાં અમદાવાદથી ગાંધીનગર સુધીના ૨૧ કિલોમીટરના રસ્તા પર તેમના પોસ્ટર 500-600 મીટરના અંતરે એટલે કે અંદાજીત 80થી વધારે પોસ્ટર લગાવી દેવામાં આવ્યા છે. જે જગ્યાએ પહેલા વિજય રૂપાણીના પોસ્ટર હતા ત્યાં હવે ભુપેન્દ્ર પટેલના પોસ્ટર લાગી ગયા છે. તદ ઉપરાંત અમદાવાદના પણ અનેક વિસ્તારોમાં આવા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. સામન્ય રીતે આવા એક પોસ્ટરની કિંમત ૫૦૦૦ થી ૬૦૦૦ જેટલી થાય છે. તો આટલા બધા પોસ્ટરમાં લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. જોકે આ રૂપીયાનો ખર્ચ ભાજપ પાર્ટીએ કર્યો છે, સરકારી ખર્ચ છે, કે કોઇ વ્યક્તિ-સંસ્થાની ભેટ છે? તેની જાણકારી હજુ મળી શકી નથી.

Advertisement


 

 

 

 

 

ઉલ્લેખનીય છે કે આજે ગુજરાતના મુખ્યમંત્રીની શપથવિધિ દરમિયાન મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ, ભારત સરકારના ગૃહ અને સહકાર વિભાગના કેન્દ્રીય મંત્રી અમિત શાહ, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, કોલસા-ખાણ અને સંસદીય કાર્ય વિભાગના કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોષી, મત્યપાલન-પશુપાલન અને ડેરી વિભાગના કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા, કેન્દ્રીય આયુષ વિભાગના રાજ્યમંત્રી મહેન્દ્ર મુંજપરા, રેલવે વિભાગના રાજ્યમંત્રી દર્શના જરદોશ હજાર રહ્યા હતા.