પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): ગુજરાત સીબીઆઈ છેલ્લાં કેટલાંક વર્ષોથી કોઈને કોઈ કારણસર વિવાદમાં  રહેતી આવી છે, ગત વર્ષે બિટકોઈન  કેસમાં પાંચ  કરોડનો તોડ કરનાર સીબીઆઈ ઈન્સપેકટર સામે ગુનો નોંધાયો હતો. હવે ગાંધીનગર સ્થિત સીબીઆઈની ફરજ બજાવતા દિલ્હીથી આવેલા સિનિયર અધિકારીએ પોતાની ચેમ્બરમાં એક સીબીઆઈ ઈન્સપેકટરની રીતસરની ધોલાઈ કરી નાખી હતી. જે મામલો હવે દિલ્હી ખાતે પહોંચતા જોઈન્ટ ડાયરેકટર દ્વારા સંબંધીત અધિકારી સામે પગલાં ભરવા ડાયરેકટરને ભલામણ કરી છે.

સીબીઆઈમાંથી ખાતાકીય બઢતી મેળનાર આ સિનિયર અધિકારીની ગાંધીનગર થઈ ત્યાર બાદ તેમનો વ્યવહાર તમામ સ્ટાફ સાથે અમાનવીય હતો, પોતાના અધિકારીને ગલીચ ભાષામાં ઠપકો આપતા હતા. ગત  સપ્તાહે એક ઈન્સપેકટર સાથે તેમણે અશોભનીય ભાષામાં વાત કરતા ઈન્સપેકટરે આવી ભાષાનો પ્રયોગ નહીં કરવા પોતાના સિનિયરને તાકીદ કરી હતી. આથી તેમનો પીત્તો છટકયો અને તેમણે ઈન્સપેકટરની ધોલાઈ કરી નાખી હતી. આ મામલે બુમાબુમ થતાં અન્ય સ્ટાફ પણ ત્યાં દોડી આવ્યો હતો.

આમ સીબીઆઈના સિનિયર અધિકારી દ્વારા એક ઈન્સપેકટર કક્ષાના અધિકારીની ધોલાઈ કરી નાખતા સ્ટાફ દંગ થઈ ગયો હતો. જો ઈન્સપેકટરની આવી સ્થિતિ થતી હોય તો સામાન્ય માણસો સાથે  કેવો વ્યવહાર થતો હશે. આ મામલે ઈન્સપેકટર દ્વારા જોઈન્ટ ડાયરેકટરને ફરિયાદ કરવામાં આવતા પ્રાથમિક તપાસ બાદ જોઈન્ટ ડાયરેકટરે કસુરવાર અધિકારી સામે કાર્યવાહી કરવા ડાયરેકટરને ભલામણ કરી છે આ મામલે ઈન્સપેકટરને દિલ્હી બોલાવી સાંભળવામાં આવ્યા હોવાની જાણકારી મળી છે.