બિનીત મોદી (મેરાન્યૂઝ.અમદાવાદ): ચૌદમી ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી સંપન્ન થઈ છે. ત્રીજી નવેમ્બરે મતદાન યોજાયું અને દસમી નવેમ્બરે મતગણતરી સાથે પરિણામ આવી ગયું. ભારતીય જનતા પક્ષ ફુલ્લી પાસ થયો અને કૉંગ્રેસ પક્ષ ફુલ્લી નાપાસ. એક જમાનામાં સ્કૂલમાં ફુલ્લી નાપાસ એટલે કે બધા જ વિષયોમાં લાલ રંગની પેનથી લખાયેલા માર્ક લઈ આવનાર નવકિશોર – નવયુવકને પરિણામ સાથે સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ ઉર્ફે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર વાલીની હાજરીમાં પકડાવી દેવામાં આવતું હતું. ગુજરાત કૉંગ્રેસના નેતાઓ અમિત ચાવડા, પરેશ ધાનાણી તેમજ હાર્દિક પટેલ આવાજ કોઈ School Leaving Certificateની રાહ જોઈ રહ્યા હોય એમ લાગે છે.

ધારાસભ્ય લોકસભા – રાજ્યસભાની ચૂંટણી જીતે, રાજકીય કારણોસર કે અન્ય બંધારણીય પદ મળવાને કારણેરાજીનામું આપે, પક્ષપલટો કરે કે અવસાન પામે એ સંજોગોમાં પેટાચૂંટણી યોજવી જરૂરી બને છે. ગુજરાતના રાજકારણ – ચૂંટણીકારણના સાઇઠ વર્ષના ઇતિહાસમાં એકલ – દોકલ બેઠકોની પેટાચૂંટણીઓ આવતી રહેતી હોય છે. પરંતુ એક સાથે આઠ બેઠકોની પેટાચૂંટણી યોજાઈ હોય એવો અવસર સાઇઠ વર્ષમાં પહેલી વાર અને તે 2020માં આવ્યો.

ચૌદમી વિધાનસભામાં પેટાચૂંટણી દ્વારા ચૂંટાઈ આવેલા ત્રણ ઉમેદવારો અન્ય પરિણામો – ઉમેદવારો કરતાં અલગ તરી આવે છે. ત્રણેય ઉમેદવારો ડિસેમ્બર 2017માં યોજાયેલી ચૌદમી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર લેખે પરાજિત થયા હતા. એ અગાઉ તેઓ ધારાસભ્ય હતા. પેટાચૂંટણીમાં ચૂંટાઈ આવ્યા એ તો ઠીક પણ આ ત્રણેય ઉમેદવારો તેમની રાજકીય કારકિર્દીની બીજી પેટાચૂંટણી જીત્યા છે અને ત્રણેય હવે વિધાનસભામાં ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય તરીકે બિરાજશે.


 

 

 

 

 

આ ત્રણ ધારાસભ્યોના નામ છે – રાઘવજી હંસરાજભાઈ પટેલ, આત્મારામ મકનભાઈ પરમાર અને કિરીટસિંહ જિતુભા રાણા.

રાઘવજીભાઈ હંસરાજભાઈ પટેલ આઠમી વિધાનસભા-1990માં પહેલી વાર કાલાવાડ બેઠકથી ભાજપના ધારાસભ્ય લેખે ચૂંટાઈ આવ્યા હતા. નવમી વિધાનસભામાં ભાજપમાંથી જ બીજી મુદત માટે ચૂંટાઈ આવ્યા હતા પરંતુ પક્ષમાં બળવો કરાવનાર શંકરસિંહ વાઘેલા સાથે જોડાઈ ગયા હતા. એ પછી દસમી વિધાનસભામાં રાજપાના ઉમેદવાર લેખે જોડિયા બેઠક પરથી પરાજિત થયા. જો કે જોડિયા બેઠકના ભાજપના વિજેતા ઉમેદવાર મગનભાઈ કાસુન્દ્રાનું અવસાન થતા પેટાચૂંટણીમાં રાઘવજી પટેલ કૉંગ્રેસ પક્ષની ટિકિટ પર વિજેતા થયા અને ત્રીજી વાર વિધાનસભામાં પહોંચ્યા. બારમી વિધાનસભામાં જોડિયા બેઠક પરથી ચોથી વાર અને કૉંગ્રેસ પક્ષમાંથી વિજેતા થયા. તેરમી વિધાનસભામાં જામનગર ગ્રામ્ય બેઠકથી કૉંગ્રેસ પક્ષની ટિકિટ પર વિજેતા થઈ પાંચમી વાર વિધાનસભામાં પહોંચ્યા. કૉંગ્રેસ પક્ષમાં હવે રાઘવજીભાઈને લાંબો સમય વીત્યો હતો. કદાચ ગોઠતું નહોતું અને મૂળિયાં ભાજપના જ હતા તે ઑગસ્ટ 2017માં રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની તરફેણમાં ક્રોસ વોટીંગ કરી ધારાસભ્ય તરીકે રાજીનામું આપી દીધું. ફરી એક વાર પક્ષપલટો કરી ભાજપમાં પહોંચેલા રાઘવજી પટેલ ચૌદમી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર લેખે જામનગર ગ્રામ્ય બેઠક પર પરાજિત થયા. ભારતીય જનતા પક્ષ તેમને યેનકેન પ્રકારે વિધાનસભાના માનનીય ધારાસભ્ય બનાવવા માગતો હતો. આથી કૉંગ્રેસ પક્ષના વિજેતા ધારાસભ્ય વલ્લભભાઈ ધારવિયા પાસે રાજીનામું અપાવડાવ્યું. એપ્રિલ 2019માં સત્તરમી લોકસભા ચૂંટણી સાથે યોજાયેલી પેટાચૂંટણીમાં રાઘવજીભાઈ પટેલ ભાજપના ઉમેદવાર લેખે વિજેતા થઈને છઠ્ઠી વાર વિધાનસભામાં પહોંચ્યા. આમ રાઘવજીભાઈ હંસરાજભાઈ પટેલ ગુજરાતના એવા પ્રથમ ધારાસભ્ય બની રહ્યા કે જેઓ બે વાર પેટાચૂંટણી વિજેતા થયા હોય. અગાઉ એકવાર રાજપા સરકારમાં મંત્રી પદે રહી ચૂકેલા તેઓ ભાજપે આપેલા વચન પ્રમાણે હજી સુધી મંત્રીમંડળમાં સ્થાન પામ્યા નથી એ જુદી વાત છે. રાઘવજીભાઈ પટેલ પક્ષપલટાનું ગુજરાત ખાતેનું અદ્ભૂત ઉદાહરણ છે.

બે વાર પેટાચૂંટણીમાં વિજેતા થનાર બીજા ધારાસભ્યનું નામ છે આત્મારામ મકનભાઈ પરમાર. આત્મારામ પરમારની રાજકીય કારકિર્દી પેટાચૂંટણી જીતીને જ શરૂ થઈ હતી. આઠમી વિધાનસભા-1990માં તેઓ ગઢડા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર લેખે પહેલી વાર ચૂંટાઈ આવ્યા હતા. બેઠકના સામાન્ય ચૂંટણીના વિજેતા ભાજપના ધારાસભ્ય મગનભાઈ રાણવાનું અવસાન થતા ઉપરોક્ત પેટાચૂંટણી યોજવી જરૂરી બની હતી. એ પછી આત્મારામભાઈ પરમાર નવમી, દસમી, બારમી અને તેરમી વિધાનસભામાં ગઢડા બેઠક પરથી દરેક વખતે ભાજપમાંથી જ એમ પાંચ વાર ચૂંટાઈ આવ્યા. તેરમી વિધાનસભામાં થોડા સમય માટે ડેપ્યુટી સ્પીકર અને પછી વિજય રૂપાણીના મંત્રીમંડળનો હિસ્સો હતા. ચૌદમી વિધાનસભા ચૂંટણીમાં ગઢડા બેઠક પરથી પરાજિત થયા. બેઠકના કૉંગ્રેસ પક્ષના વિજેતા ધારાસભ્ય પ્રવીણભાઈ મારુએ કૉંગ્રેસ પક્ષ સાથેના મતભેદોને પગલે રાજીનામું આપ્યું. આમ ગઢડા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર લેખે ચૂંટાઈ આવેલા આત્મારામ પરમાર છઠ્ઠી મુદત માટે વિધાનસભામાં પહોંચશે. આમ આત્મારામ પરમાર પણ બે વાર પેટાચૂંટણીમાં ચૂંટાયેલા બીજા ધારાસભ્ય બની રહેશે. તેમની ઉમેદવારી કે પ્રતિનિધિત્વની વિશેષતા એ છે કે ગઢડા બેઠક સાથે તેઓ જન્મસ્થળ, વતન કે કર્મભૂમિનો હોય એવો કોઈ જ નાતો ધરાવતા નથી. વ્યવસાયી વકીલ તરીકે તેઓ પરિવાર સાથે સુરત રહે છે. આમ છતાં તેઓ દક્ષિણ ગુજરાતથી દૂર એવા સૌરાષ્ટ્રના ગઢડામાં આવીને વિધાનસભાની ચૂંટણી જીતતા રહે છે.


 

 

 

 

 

બે વાર પેટાચૂંટણીમાં વિજેતા થનાર ત્રીજા ધારાસભ્યનું નામ છેકિરીટસિંહ જિતુભા રાણા. કિરીટસિંહ રાણાના પિતા જિતુભા રાણા છઠ્ઠી વિધાનસભામાં પેટાચૂંટણી દ્વારા અને આઠમી વિધાનસભામાં એમ બે મુદત માટે લીંબડી બેઠકના ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય રહી ચૂક્યા હતા. કિરીટસિંહ રાણા નવમી, દસમી અને બારમી વિધાનસભામાં એમ ત્રણ મુદત માટે લીંબડી બેઠક પરથી ભાજપના ધારાસભ્ય લેખે ચૂંટાઈ આવ્યા હતા. આ પછી તેઓ તેરમી તેમજ આ ચૌદમી વિધાનસભામાં બે વખત પેટાચૂંટણીમાં એક જ વિગતે ચૂંટાઈ આવ્યા. એ વિગતો જાણવી પડે એવી છે. તેરમી વિધાનસભામાં લીંબડી બેઠકના કૉંગ્રેસના વિજેતા ઉમેદવાર સોમાભાઈ ગાંડાભાઈ કોળીપટેલે તેમનું સુરેન્દ્રનગર લોકસભા બેઠકનું સંસદસભ્ય પદ જાળવી રાખવા લીંબડી બેઠકનો અસ્વીકાર કરતા બેઠક છોડી. પેટાચૂંટણીમાં કિરીટસિંહ રાણા ચોથી મુદત માટે ભાજપમાંથી ચૂંટાઈ આવ્યા. એ પછી તેઓ ચૌદમી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર લેખે લીંબડી બેઠક પર કૉંગ્રેસના સોમા ગાંડા કોળીપટેલ સામે જ પરાજિત થયા. આ વખતે સોમાભાઈ ફરી એકવાર કિરીટસિંહ રાણાની મદદે આવ્યા. સોમાભાઈ કોળીપટેલે કૉંગ્રેસ પક્ષ પાસે માર્ચ – જૂન 2020માં યોજાયેલી રાજ્યસભા બેઠકની ઉમેદવારી માગી હતી. પક્ષે કે નેતાઓએ તેમની માગણીનો જવાબ સુધ્ધાં ન આપ્યો એટલે ધારાસભ્ય પદેથી જ રાજીનામું આપી દીધું. લીંબડી બેઠકની પેટાચૂંટણીમાં કિરીટસિંહ રાણા ચૂંટાઈ આવ્યા એ તેમની બીજી વારની પેટાચૂંટણી જીત બની રહી. આમ હવે તેઓ પાંચમી મુદતના ધારાસભ્ય લેખે વિધાનસભામાં પ્રવેશશે. કિરીટસિંહ રાણાને બે વાર પેટાચૂંટણીમાં ચૂંટાયેલા ત્રીજા ધારાસભ્ય તરીકે ઓળખાવી શકાશે.

કિરીટસિંહ રાણાની રાજકીય કારકિર્દીમાં કશું નોંધપાત્ર નથી પરંતુ તેમના પ્રતિસ્પર્ધી એવા સોમાભાઈ ગાંડાલાલ કોળીપટેલ એક સમયે ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય અને સંસદસભ્ય રહી ચૂક્યા હતા. પછી પક્ષપલટો કરી કૉંગ્રેસમાં ગયા અને ત્યાંથી પણ સંસદસભ્ય થયા. વચ્ચે એક વાર 1998માં શંકરસિંહ વાઘેલાના રાજપામાં આંટો મારી આવ્યા એ સમયે બારમી લોકસભા ચૂંટણીમાં ભાવનગર લોકસભા બેઠકના ઉમેદવાર હતા– પરાજિત થયા હતા. આટલી વિગતો રસિક ન લાગતી હોય તો વધુ રસપ્રદ વિગત આ રહી. નવેમ્બર 2020માં યોજાયેલી વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીઅગાઉ સોમાભાઈ ગાંડાલાલ કોળીપટેલે ભાજપ-કૉંગ્રેસ ઉપરાંત શરદ પવારની રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી પાસે પણ ટિકિટ માગી જોઈ હતી. એ જ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષ જેના પક્ષ પ્રમુખ શરદ પવારે આ 2020ના જૂનમાં જ શંકરસિંહ વાઘેલાને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા. પક્ષપલટાની બાબતમાં સોમાભાઈ પટેલ અને શંકરસિંહ વાઘેલાની સરખામણી તેમજ તેમની વચ્ચે હરિફાઈ એમ બન્ને આયોજિત થઈ શકે એમ છે.