મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાતની છ બેઠકો પર હાલ પેટા ચૂંટણીના આજે પરિણામો જાહેર થયા છે. ભાજપ અને કોંગ્રેસમાં મતો માટેની કાંટાની ટક્કર થઈ છે. જેમાં ખેરાલુ બેઠક પર ભાજપના ઉમેદવાર 20 હજારથી વધુ મતોથી જીત મેળવી છે. ભાજપના ઉમેદવાર અજમલ ઠાકોરને જીત મળી છે. જ્યારે કોંગ્રેસના બાબુજી ઠાકોરને હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ બાયડ બેઠક પર પોતાનો દબદબો કોંગ્રેસે કાયમ રાખ્યો અને બાયડ બેઠક ભાજપે ગુમાવી છે. બાયડમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધવલસિંહ ઝાલાને હારનો સ્વાદ મળ્યો છે જ્યારે કોંગ્રેસે આ બેઠક ફરી અંકે કરી લોકોએ જશુ પટેલને પોતાના ધારાસભ્ય નક્કી કર્યા છે.

આ ઉપરાંત રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોર પણ હારી ગયા છે અને કોંગ્રેસના રઘુ દેસાઈ આ બેઠક પર જીત મેળવી ચુક્યા છે. ઉપરાંત ભાજપ લુણાવાડા અને થરાદ બેઠક પર આગળ ચાલી રહ્યું હતું. પણ હાલ થરાદમાં કોંગ્રેસની જીત થઈ છે. થરાદ બેઠક પર ગુલાબસિંહ રાજપૂતે ભાજપના જીવરાજ પટેલને 6390 મતે હરાવ્યા છે. લુણાવાડાની બેઠક પણ ભાજપના ફાળે ગઈ છે. લુણાવાડા બેઠક પર ભાજપના જીગ્નેશ સેવકની જીત થઈ છે. રાધનપુરમાં ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરની કારમી હાર, રઘુ દેસાઇ ત્રણ હજાર મતોથી જીત્યા. અમરાઇ વાડી બેઠક પર ભાજપના ઉમેદવાર જગદીશ પટેલની જીત થઈ છે.

આમ બાયડ, રાધનપુર અને થરાદ કોંગ્રેસના ફાળે તો ખેરાલુ, અમરાઈવાડી અને લુણાવાડા બેઠક ભાજપના ફાળે ગઈ છે.

6 બેઠક ઉપર સરેરાશ 53.67 ટકા મતદાન નોંધાયું હતું. અમદાવાદના અમરાઇવાડીમાં માત્ર 34.69 ટકા જ્યારે ખેરાલુમાં 46.19 ટકા મતદાન થયું હતું. થરાદમાં 68.93 ટકા, રાધનપુરમાં 62.91 ટકા, બાયડમાં 61.05 ટકા અને લુણાવાડામાં 51.24 ટકા મતદાન થયું હતું. પેટા ચૂંટણીમાં સરેરાશ 56.76 ટકા પુરુષ તેમજ 50.03 ટકા મહિલા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.