મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં આજે 2019-20નું બજેટ રજૂ કરતાં નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ દ્વારા જળ વ્યવસ્થાપન, ગ્રીન અને કલીન એનર્જી, પર્યાવરણ, કૃષિ અને ખેડૂત કલ્યાણ તેમજ રોજગારનાં પાંચ વિભાગોમાં વિશેષ ભાર મુકવામાં આવ્યો છે. નલ સે જલ યોજના અંતર્ગત ત્રણ વર્ષ માટે રૂપિયા 20 હજાર કરોડ ફાળવવા સાથે નવી સોલર રૂફટૉપ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી.
ગુજરાત વિધાનસભામાં આજે સતમી વખત સંપૂર્ણ બજેટ રજૂ કરતાં રાજયના નાણાં મંત્રી નીતિન પટેલે કહ્યું કે, સૌ પ્રથમ વખત રૂપિયા 2,04,815 કરોડનું આ બજેટ છે. જેમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ માટે 7111 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

સિંચાઈ માટે 7157 કરોડની અને નર્મદા નહેરોના બાંધકામ માટે 2744 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યૂનિટીની 20 લાખ પ્રવાસીઓ એ મુલાકાત લીધી હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું કે, આ વિસ્તારના વિકાસ માટે 260 કરોડનો ખર્ચ કરાશે.

શિક્ષણનાં સર્વગ્રાહી વિકાસ માટે 30045 કરોડ તેમજ આરોગ્ય પરિવાર કલ્યાણ માટે 10800 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

આદિજાતિ વિકાસ માટે 14567 કરોડ, પંચાયત અને ગ્રામ વિકાસ માટે 8462 કરોડ અને સૌને આવાસ યોજના માટે 1553 કરોડની ફાળવણી કરવામાં આવી છે. શહેરી વિકાસ માટે 13149 કરોડ, માર્ગ અને મકાન વિભાગ માટે 10058 કરોડ તેમજ ઊર્જા - પેટ્રો પાછળ 13094 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

ગૃહ વિભાગ માટે 6687 કરોડની જોગવાઈ કરવામાં આવી હોવાનું જણાવતાં તેમણે કહ્યું કે, પ્રવાસન ક્ષેત્રે 14 ટકા વૃદ્ધિ દર નોંધાયો છે. આ બજેટમાં 285.12 કરોડની પુરાંત દર્શાવતા નીતીન પટેલે કોઈ નવી યોજનાઓની ખાસ કોઈ જાહેરાત કરવામાં આવી નથી.