મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ : ગુજરાત બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. કોરોનાને કારણે  સરકારે આપેલા માસ પ્રમોશનને કારણે 100 ટકા પરિણામ આવ્યું છે. આ પરિણામમાં 4 લાખથી વધુ વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવ્યાં છે. જો કે માત્ર 691 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 9495 વિદ્યાર્થીએ A2 ગ્રેડ મેળવ્યો છે. આ પરિણામમાં સૌથી વધુ વિદ્યાર્થીઓને C1 ગ્રેડ મળ્યો છે. C1 ગ્રેડ મેળવનારા 1 લાખ 29 હજાર 781 વિદ્યાર્થી છે, જ્યારે C2 ગ્રેડ મેળવનારા 1 લાખ 8 હજાર 299 વિદ્યાર્થી છે.

શાળાઓ દ્વારા બોર્ડની વેબસાઇટ પરથી પરિણામની હાલ નકલ કાઢવામાં આવી રહી છે અને તે વિદ્યાર્થીઓને સ્કૂલમાં સહી-સિક્કા સાથે પરિણામમાં આપવામાં આવી રહી છે.  સ્કૂલના સહી સિક્કાવાળી પ્રિન્ટ કરેલી માર્કશીટ આગળ પ્રવેશ માટે માન્ય ગણાશે. શિક્ષણ વિભાગ દ્વારા માર્કશીટ આપવામાં આવે એ બાદ વિદ્યાર્થીઓને ઓરિજિનલ માર્કશીટ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ ધોરણ 10ના 50 ટકા, ધોરણ 11ના 25 ટકા અને ધોરણ 12ની સ્કૂલની પરીક્ષાના 25 ટકા ગુણના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. 

Advertisement


 

 

 

 

 

બીજી તરફ ધોરણ 12ના પરિણામ અંગે કોંગ્રેસ પ્રવકતા મનીષ દોશીએ જણાવ્યું હતું કે પરિણામ બદલ વિદ્યાથીઓને અભિનદન પાઠવું છું. પરંતુ આ વર્ષનું પરિણામ બોર્ડના ઇતિહાસમાં સૌથી ખરાબ પરિણામ છે. 4 લાખ વિદ્યાર્થીઓને માસ પ્રોગ્રેસન આપવામાં આવ્યું છે. તેમાંથી માત્ર 691 વિદ્યાર્થીઓએ જ A 1 ગ્રેડ મેળવ્યો છે.સરકારના માસ પ્રોગ્રેશનના નિર્ણયથી 100 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે પરંતુ ગ્રેડ પ્રમાણે પરિણામ નીચું છે.પરિણામથી શિક્ષણ વિભાગની નીતિ ખુલ્લી પડી છે.માસ પ્રોગ્રેશનનો નિર્ણય યોગ્ય છે પરંતુ તેમાં માર્કસની ગણતરી કરવામાં આવી તે ખોટી સાબિત થઈ છે.