મેરાન્યૂઝ નેટવર્ક.મહિસાગરઃ ગુજરાતમાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જેને પગલે હાલમાં જ ખુદ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા લોકોને માસ્ક પહેરવા અપીલ કરાઈ હતી. સાથે જ ફરજિયાત માસ્ક પહેરવા અંગે પણ જાહેરાત કરાઈ હતી. બીજું કે ગુજરાતની દારુબંધી અંગે કાંઈ વધુ કહેવાનું થતું નથી પરંતુ દારુબંધીના કડક અમલવારીના દાવાઓની રીતસર ભાજપના યુવા નેતાની બર્થડેમાં ધજીયાં ઉડી ગઈ હતી. ભાજપના યુવા મોર્ચાના એક નેતાના બર્થડે સેલેબ્રેશનમાં ગુજરાતની દારુબંધી, સોશિયલ ડિસ્ટન્સિંગ માસ્ક વગેરે નિયમોને તો જાણે કચરાપેટીમાં નાખી દેવાયા હતા.

આ પાર્ટીમાં હાજર કોઈ શખ્સે માસ્ક પહેર્યું ન હતું અને પાણીની જેમ બિયર ઉડાવાઈ રહી હતી. હવે પાર્ટીનો વીડિયો સામે આવ્યા પછી પોલીસે તપાસ શરૂ કરી છે. વીડિયોમાં સપષ્ટ રુપે જોઈ શકાય છે કે, 50થી વધુ યુવક ભેગા થયા છે. જે બુમો પાડી રહ્યા છે અને શેમ્પેઈનની જેમ બર્થડે બોય પર બિયર ઉડાવે છે. બાદમાં તે તલવારની મદદથી કારના બોનેટ પર મુકાયેલી કેકને એક એક કરીને કાપે છે. આ દરમિયાન કોઈના ચહેરા પર કોરોના, પોલીસનો, કાયદાનો કે ખુદ પોતાના માતા-પિતાનો જરા પણ ખૌફ જોવા મળતો ન હતો. સોશિયલ ડિસ્ટંસિંગની વાત તો છોડો કોઈએ માસ્ક પણ પહેરવાનું જરૂરી સમજ્યું ન હતું.

સંવાદદાતા મુજબ, પાર્ટી મહિસાગરના ભાજપના યુવા મોર્ચા નેતા કેવન પટેલની બર્થડેને લઈને આયોજીત કરાઈ હતી. જેનું આયોજન ગુજરાત યુવક બોર્ડ, મહિસાગર જિલ્લા કન્વીનર યોગેન્દ્ર મહેરા દ્વારા કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય યુવક બોર્ડના સદસ્ય પાર્ટીમાં શામેલ થયા હતા. જ્યાં ન ફક્ત તલવારથી કેક કપાઈ, પણ બીયરની બોટલોથી પણ કેવનનો બર્થડે સેલીબ્રેટ કરવામાં આવ્યો હતો.

ગુજરાત હાલ કોરોના મહામારીના ભરડામાં છે. સરકાર સતત લોકોને સંક્રમણ ન વધે તે માટે કાર્યો કર્યા કરે છે, પણ આવી બર્થડે પાર્ટીમાં હાજર તમામ લોકો પૈકી એક વ્યક્તિએ માસ્ક પહેર્યું ન હુતં કે ન કોઈએ સોશિયલ ડિસ્ટન્સિંગની પરવાહ કરી. એટલું જ નહીં ગુજરાત સરકાર દ્વારા કરાયેલા દારુબંધીના દાવાઓને આ કાર્યકરોએ જાહેરમાં ખોટા પાડી દીધા હતા. જનતા માટે જવાબદાર પદ પર બેઠેલા વ્યક્તિની બર્થડે પાર્ટીમાં દારુ અને આ પ્રકારનું સેલેબ્રેશન થવાને લઈને રાજ્યની કાયદા વ્યવસ્થા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.