મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ: ગુજરાતમાં વિજય રૂપાણીની સરકારને પાંચ વર્ષ પૂરા થયા તેના અનુસંધાનમાં ગુજરાત સરકાર ' પાંચ વર્ષ આપણી સરકારના, સૌના સાથના સૌના વિકાસના ' નામે ઉત્સવ માનવી રહી છે. જેના વિરોધમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા સમાંતર કાર્યક્રમો આયોજિત કરીને વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યા છે. ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા આજે અસંવેદના કાર્યક્રમ રાખીને સરકારની સંવેદના દિવસની ટીકા કરતા કોરોના કાળમાં લોકોને પડેલી હાલાકીના દિવસો યાદ કરાવ્યા હતા. આપ (આમ આદમી પાર્ટી)નું કહેવું છે કે જે લોકોએ આરોગ્યને બરબાદ કરી નાખ્યું તે લોકો પોતાની આરોગ્યની સિદ્ધીઓ ગણાવે છે. અમે તેમની નિષ્ફળતાના આંકડા જાહેર કરીએ છીએ. આ દરમિયાન તેમણે કેટલીક આંકડાકીય માહિતી પણ લોકો સમક્ષ જાહેર કરી હતી.

આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, "વિજય રૂપાણીની સરકારના પાંચ વર્ષ પુરા થયા તે નિમિત્તે 2 ઓગસ્ટના રોજ ભાજપ “સંવેદના દિવસ”ની ઉજવણી કરી રહ્યું છે. 27 વર્ષથી ગુજરાતને લૂંટી રહેલી અને લોકોની ભાવનાઓ સાથે રમી રહેલી ભ્રષ્ટ ભાજપ સરકાર દ્વારા લોકોને મુર્ખ બનાવવાનો આ એક અલગ જ પ્રકારનો તાયફો છે. ભાજપ સરકાર એવું કહે છે કે આજ રોજ તેઓ આરોગ્ય ક્ષેત્રે પોતે હાંસલ કરેલી સિદ્ધિઓને લોકો સુધી લઇ જશે. આ વાત જ એકદમ હાસ્યાસ્પદ લાગે એવી છે. આરોગ્યને બરબાદ કરી દેનારાઓ જયારે આરોગ્યની સિદ્ધિઓ ગણાવવાની વાત કરે ત્યારે એક જવાબદાર વિપક્ષ તરીકે અમારી એ ફરજ બને છે કે અમે સત્ય લોકો સમક્ષ મુકીએ અને સરકારની નિષ્ફળતાઓને આંકડા અને તથ્યોના રૂપમાં લોકો સુધી લઇ જઈએ. અમારી આ ફરજના ભાગરૂપે અમોએ આજે સોશિયલ મીડિયાના માધ્યમથી તેમજ પ્રેસ-ઇલેક્ટ્રોનીક મીડિયાના માધ્યમથી આરોગ્ય ક્ષેત્રે સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરવાનું કાર્ય કર્યું છે."

તેમણે કહ્યું કે, ગુજરાત સરકાર સંવેદના દિવસ ઉજવે છે, પોતાની જુઠ્ઠી નક્કામી સંવેદના પ્રજા ઉપર બતાવવાનો પ્રયાસ કરી રહ્યા કરે છે પણ હકીકતમાં આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં જન સંવેદના યાત્રાથી ગુજરાતમાં જે લાખો લોકોના મૃત્યુ થયા અને તેમના સંબંધી સાથે જઈ તેમના દુઃખમાં સહભાગી થવા માટેની મુહિમ ઉપાડી એની સામે આ રૂપાણી સરકાર ભયભીત થઈ ગઈ છે, આમ આદમી પાર્ટી પર ગુજરાતની પ્રજાએ જે વિશ્વાસ બતાવ્યો એમના પગ તળે જમીન ખસી જતા આ સંવેદના દિવસ યોજવાનો તાયફો કર્યા છે.

AAP ગુજરાત દ્વારા જાહેર કરાયેલી આંકડાકીય માહિતી
ગુજરાતમાં 33 જીલ્લા છે. આરોગ્યની દ્રષ્ટિએ ગુજરાત 6 ઝોનમાં વહેંચાયેલુ છે.
1. ગાંધીનગર ઝોનમાં આવેલા છ જિલ્લાઓમાંથી બે જિલ્લામાં જ હોસ્પિટલ છે ચાર જિલ્લાઓમાં હોસ્પિટલ જ નથી 
2. ભાવનગર ઝોનમાં પાંચ જિલ્લા સમાવિષ્ટ છે જેમાંથી ત્રણ જિલ્લામાં જ હોસ્પિટલ છે 
3. રાજકોટ જે મુખ્યમંત્રી રૂપાણીનું હોમટાઉન છે જે ચાર જિલ્લાઓમાં હોસ્પિટલ છે બે જિલ્લાઓમાં નથી 
4. સુરત જ્યાં ભાજપના અધ્યક્ષ સી આર પાટીલનું હોમટાઉન છે ત્યાં પાંચ જિલ્લાઓમાંથી ત્રણ જિલ્લાઓમાં હોસ્પિટલ છે.
અન્ય બે ઝોનની વાત કરીએ તો તે અમદાવાદ અને વડોદરા છે જે ઝોનમાં સમાવિષ્ટ બધા જ જિલ્લાઓમાં હોસ્પિટલ્સ છે.

કચ્છ જિલ્લાની હોસ્પિટલ અદાણી ગ્રૂપ તથા પાલનપુર જિલ્લાની હોસ્પિટલ વોકહાર્ટ ગ્રુપને આપીને પ્રાઇવેટ બનાવી દીધી છે. પ્રાઇવેટ હોસ્પિટલના અધિકારીઓ કહે છે કે સરકાર પાસે પુરતા સંશોધન સ્ટાફ પણ નથી એટલા માટે અમને ચલાવવા આપી છે, આ છે ગુજરાતમાં આરોગ્યનો વિકાસ.

હવે આપણે PHC, CHC ની વાત કરીએ 2018 માં ટોટલ 363  chc હતા, chc એટલે કે (સામુહિક આરોગ્ય કેન્દ્ર) જે ઘટીને 31 માર્ચ 2020 ની સ્થિતિએ 348 થઈ ગયા પછી સરકાર કહે છે કોરોનામાં અમારી પાસે બેડ નથી અને પ્રાઇવેટ વાળાને છૂટોદોર લૂંટવા માટે આપે છે આ છે તેમની સંવેદના ?? અમદાવાદ શહેર, ધોલેરા, અમરેલીનુ  લીંબડીયા, ભાવનગરનું પાલીતાણા, દેવભૂમિ દ્વારકાનું ઓખામંડળ, જૂનાગઢ શહેર, ગાંધીધામ, નર્મદાનું નાંદોદ, સુરત શહેર, વલસાડનું વાપી આ સ્થળોએ તો chc ઉપલબ્ધ નથી.

ગુજરાતમાં 355 સબસેન્ટર એવા છે જેમાં રેગ્યુલર વોટર સપ્લાય નથી, 247 સબસેન્ટર એવા છે જ્યાં ઇલેક્ટ્રિસિટી જ નથી અને 209 સેન્ટરમાં પહોંચવા માટે રસ્તાઓની પૂરતી સુવિધા નથી, જુઓ આ છે ગુજરાત સરકારનું વિકાસ મોડલ જ્યાં વીજળી પાણી રસ્તાઓ નથી.

ગુજરાતમાં 704 રૂરલ બેઝ phc છે એટલે કે ગ્રામીણ વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેમાં 24*7 રાત દિવસ ચાલતા હોય તેવા એક પણ phc ઉપલબ્ધ નથી.

અવારનવાર આપણા વડાપ્રધાનની "મન કી બાત" માં સ્વચ્છ ભારત અંતર્ગત ટોયલેટની બેઝિક સુવિધાઓની વાત કરે છે પણ મારા ખ્યાલ પ્રમાણે આપણા રૂપાણી સાહેબ પ્રધાનમંત્રીની  "મન કી બાત" સાંભળતા લાગતા નથી એવું લાગી રહ્યું છે કેમકે, ગુજરાતના 9166 સેન્ટર અત્યારે કાર્યરત્ છે જેમાંથી ફક્ત 1844 સબસેન્ટરમાં જ પુરુષ અને મહિલાઓ માટે અલગ ટોઇલેટની સુવિધા છે બાકીના 7322 સબસેન્ટર એવા છે કે જેમાં મહિલા અને પુરુષો માટે ટોયલેટની અલગથી સુવિધા જ નથી. આ છે આપણા ગુજરાતનો વિકાસ.!!!

હવે ડોક્ટર અને અન્ય સ્ટાફની વાત કરીએ, 

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ દર ૧૦૦૦ વ્યક્તિએ એક ડોક્ટર હોવા જોઈએ જેની સામે સમગ્ર ભારતમાં 1511 વસ્તીએ 1 ડોક્ટર છે. કેન્દ્રના આરોગ્ય વિષયક રિપોર્ટમાં જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ ગુજરાત સરકારે ગ્રામીણ વિસ્તારમાં 20 ટકા અને શહેરી વિસ્તારમાં 80 ટકા ડોક્ટર નિયુક્તિ કરી છે. આરોગ્ય વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ અંગે 26 નવેમ્બર 2020માં ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના પ્રકાશિત અહેવાલ સંદર્ભમાં હાઇકોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો જેના અંતર્ગત ગુજરાત રાજ્ય સરકારના પોર્ટલ અને માહિતી અધિકાર અધિનિયમ મુજબ ગ્રામીણ વિસ્તારમાં chc કેન્દ્રો ઉપર નિષ્ણાત ડોક્ટરની 90 ટકા જગ્યાઓ ખાલી છે.
WHO ના નિયમ મુજબ એક chc સેન્ટરમાં 
1 સર્જન ડોકટર 
1 ગાયનેક ડોકટર  
1 ફિઝિશિયન ડોક્ટર 
1 બાળ નિષ્ણાત ડોક્ટર 
આમ આ 4 ડોક્ટર હોય ત્યારે chc ની બેઝિક સુવિધા પુરી થાય છે. 

ગુજરાતમાં 1448 નિષ્ણાત ડોકટરની જરૂર છે, જેની સામે ગુજરાત સરકારે 60 ટકા જગ્યાઓ સેન્શન કરી છે જેમાંથી માત્ર 118 નિષ્ણાત ડોક્ટર ગુજરાતમાં છે અને 483 જગ્યાઓ ખાલી પડેલી છે 1330 જગ્યાઓ શોર્ટફોલ છે.

ગુજરાતના વિકાસ મોડલમાં 
67 Phc = એક પણ ડોક્ટર નથી 
104 Phc = એક પણ લેબ ટેક્નિશિયન નથી 
122 Phc = એક પણ ફાર્માસિસ્ટ નથી 
561Phc = એક પણ લેડી ડૉક્ટર નથી 

જ્યારે હાઈકોર્ટે કોરોના કાળમાં સરકારની ઝાટકણી કાઢતા ગુજરાતના hrct મશીનો વિશે પૂછ્યું તો એની સામે સરકારે ગુજરાતના 33 જિલ્લાઓમાંથી માત્ર ૧૫ જિલ્લાઓમાં જ સીટી સ્કેન મશીનો છે, આ જ વિકાસને લીધે કોરોનામાં દર્દીઓ સીટી સ્કેન માટે લાંબી લાઈનોમાં ઊભા રહેતા હતા. ઓક્સિજનની વાત કરીએ ગુજરાતમાં કોરોના કાળ દરમિયાન 1400 ટન ઓક્સીજનની જરૂરિયાત હતી. જેની સામે આપણા કેન્દ્રની મોદી સરકારે માત્ર 975 ટન ઓક્સિજન પૂરો પાડી ગુજરાતની ભોળી જનતાના શ્વાસ રૂંધાવાનો પ્રયાસ કર્યો હતો, તો ગુજરાતની જનતાએ 2014 2017 અને 2019 માં ડબલ એન્જિનની સરકારને ખોબા ભરીને મત આપ્યા પરંતુ હવે મારા ગુજરાતની જનતા 2022 માં ફરીથી નહીં છેતરાય તેવો પણ વિશ્વાસ આપ ગુજરાતના ઉપાધ્યક્ષ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.

હવે વાત કરીએ આંકડાઓના રમતની,

પહેલા તો આ દિશાવિહીન ફેલ સરકાર ટેસ્ટિંગ ઓછા કર્યા, લોકો ટેસ્ટિંગ કરવા ન આવે એના માટે લાંબી લાંબી લાઈનો કરાવી, એ સેટિંગ કર્યા પછી નકલી RTPCR ટેસ્ટ ટ્યુબ ગોઠવી લોકોના રિપોર્ટ નેગેટિવ બતાવ્યા, જેથી પોઝિટિવ રિપોર્ટ ઓછા આવે, આ બધું કર્યા પછી જે પોઝિટિવ આંકડાઓ આવ્યા એને સરકારી ચોપડે ઘણા ઓછા બતાવ્યા પરંતુ હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો જોઈને ખ્યાલ આવતો હતો કે હકીકતમાં કેટલા કેસો છે આમ ઓછા કેસો બતાવી પોતાની સરકાર સારી રીતે કામ કરી રહી છે એના જુઠ્ઠા વિજ્ઞાપનો બતાવી લોકોના જીવન સાથે રમતો રમી આ છે આ તમારી સંવેદના !!!

આ તો વાત કરી આપણે કેસ કેટલા છે અને તેમાં તેમણે શું ગડમથલ કરી, હવે આપણે પોતાની સરકારની બેદરકારી નિષ્ફળતા ઢાંકવા મોતના આંકડાઓ સાથે શું રમત કરીએ જાણીએ, ન્યૂઝ પેપરની હેડલાઈનમાં જણાવ્યું કે 71 દિવસમાં 1.23 લાખ ડેથ સર્ટિફિકેટ ઇશ્યૂ થયા છે, જોકે સરકારે કોરોનાથી માત્ર 4218 મોત થયા એવું દર્શાવ્યું હતું બોલો ક્યાં 1.23 લાખ આંકડો અને ક્યાં સરકારનો 4218 નો આંકડો, તમને જાણ સારું કહી દઉં સરકારી હોસ્પિટલના અધિકારીઓ અને અન્ય અધિકારીઓને ડરાવી-ધમકાવી આંકડાઓ ઓછા બતાવી સરકારે યેનકેન પ્રકારે પોતાની નિષ્ફળતાઓ છુપાવવાનો ધંધો કર્યો હોવાના આક્ષેપો પણ તેમણે કર્યા હતા.

તેમણે ઉમેર્યું કે, સ્મશાન ગૃહમાં પોતાના ગુમાવેલા સ્વજનોને અંતિમ વિદાય આપવા લાંબી કતારો હતી, સ્મશાન ગૃહના કર્મીઓ પણ જણાવતા હતા કે સરકાર જે મૃત્યુના આંકડા બતાવે છે એનાથી કેટલાય ઘણા લોકોને અમે અગ્નિ સંસ્કાર આપ્યા છે, આ "હત્યારી સરકાર" ગુજરાતની પ્રજાને સારું જીવન આપવું એ તો દૂર રહ્યું પરંતુ જે લોકો મૃત્યુ પામ્યા છે એમને સન્માનજનક વિદાય પણ નથી આપી શકી આ છે અસંવેદનશીલ સરકાર જે આવા તાયફાઓ કરી જાણે છે.

હવે વાત કરીએ વેક્સિનેશનની, 
આપણા વૈજ્ઞાનિકો અને ડોક્ટર્સની અથાક મહેનતથી કોરોના સામે બચવા વેક્સિનની શોધ કરી એ નોંધપાત્ર અને ઐતિહાસિક છે, આપણી મોદી સરકારે વિશ્વના નેતા બનાવવા આયોજન વગર ભારતમાં બનેલી વેક્સિન ભારતીય નાગરિકોને પહેલા આપવાને બદલે વિશ્વમાં વહેંચી કાઢી, પ્રધાનમંત્રીએ પોતાની ઇમેજ બનાવવા ભારતના નાગરિકોને વેક્સિનના લાભ વગરના કેમ કરી દીધા, પ્રધાનમંત્રી કહે છે અમે વેક્સિન જેવા ગંભીર મુદ્દે રાજનીતિ કરવા નથી માગતા એમના સ્વાસ્થ્ય મંત્રીએ પણ આવું જ નિવેદન સંસદમાં આપ્યું હતું, તો પછી વેકસીન પછી વ્યક્તિના સર્ટિફિકેટ, જનતાના ખર્ચે અલગ અલગ જગ્યાએ રાખેલા હોર્ડિંગમાં, વેક્સિનેશનના પ્રોગ્રામમાં પ્રધાનમંત્રીની તસ્વીરો કેમ હોય છે ??

વેક્સિનમાં તો આપણી ગુજરાત સરકારની નાકામીની કોઈ વાત થાય એમ નથી, વેક્સિનના વેસ્ટેજમાં ગુજરાત સરકાર ટોપ 3 રાજ્યોમાં આવે છે, એનો મતલબ ગુજરાત સરકાર કરોડોની વેક્સિન અને તેની પાછળ વપરાતા ગુજરાતની જનતાના ટેક્સના રૂપિયાનો ધૂમાડો કરે છે, વેક્સિનનું ખાનગીકરણ કરી દીધું છે. આપણે દરરોજ સવારે જોઈએ છીએ કે વેક્સિન લેવા માટે લોકો સવારે ચારથી પાંચ વાગ્યે લાઈનોમાં ઊભા રહે છે લાઇનમાં ઉભા રહ્યા પછી તેમનો નંબર છેક સવારના દસ કે 12:00 પછી આવે છે ઘણીવાર આટલી લાંબી લાઈનોમાં ઊભા રહ્યા પછી વેકસીન મળતી નથી, વેક્સિન ના મળે એટલે પ્રજા નિરાશ થાય છે.

હમણાં 7-10 દિવસ પહેલા સુરતમાં વેક્સિન સેન્ટરમાં પોલીસ દ્વારા દમન ગુજારવામાં આવ્યું કે જે વિડીયો તમે જોયો હશે આ છે આપણા પાટીલ સાહેબ, દર્શનાબેન જરદોશનું સુરત, આ છે તેમની સંવેદના ?? વેક્સિન માટે લાઈનો કરાવ્યા વગર પોલીયો વેક્સિનની જેમ ઘરે ઘરે જઈ સરકાર લોકોને વેક્સિન ના આપી શકે? ભારત સરકાર બડાઈઓ મારે છે કે અમે 20 લાખ કરોડનું રાહત પેકેજ આપ્યું રૂપાણી સરકાર પણ કહે છે અમે આર્થિક નિષ્ણાતો સાથે મળી રાહત પેકેજ આપ્યું ગરીબોને ફ્રીમાં રાસન આપ્યું શું આ કરોડના પેકેજ ગુજરાત કે ભારતની જનતાને લાભ મળ્યો ખરો ? ગરીબોના ફ્રી રાશન એમના રાશન માફિયાઓ ખાઈ ગયા, આ બધાની સાથે અનગઢ લોકડાઉન, કરફ્યુ, રાત્રી લોકડાઉન કરી ગરીબો, મધ્યમ વર્ગના લોકો, નાના વેપારીઓની મુશ્કેલીઓમાં વધારો કર્યો, લોકોને બેરોજગાર કર્યા, ક્યાં ગઈ તમારી સંવેદના? 

મોતના આંકડા છુપાવી ગુજરાત સરકાર કહે છે અમે નિ:સહાય બાળકોને આર્થિક મદદ કરીશું, પરંતુ લોકોના મોતના આંકડા સરકારી ચોપડે ચડયા નથી તેમના બાળકોને સરકાર કેમની મદદ કરશે એ બાળકો માટે સરકાર સંવેદનશીલ નથી? સ્વાસ્થ્ય મંત્રી અને ગુજરાતના પુત્ર મનસુખભાઈ માંડવીયાએ સંસદમાં નિવેદન આપ્યું છે કે ભારતમાં ઓક્સિજન અને બેડ ના અભાવે કોઇ મૃત્યુ થયા જ નથી હું મંત્રીને પૂછવા માંગીશ કે અવારનવાર જે ટેલિવિઝન ન્યૂઝ, ન્યૂઝ પેપર કે પછી જ્યારે આપણે હોસ્પિટલોની મુલાકાત લઇએ ત્યારે લોકો પોતાના સંબંધી દર્દીઓની સાથે બેડ ઓક્સિજન માટે લાઈનોમાં ઉભા રહેતા હતા તો એ બધી લાઈનો ખોટી હતી? લોકો પોતાના સંબંધી દર્દીઓને રિક્ષામાં, કારમાં, બાઈક પર, જમીન પર કે ઝાડ નીચે ઓક્સિજનના બાટલા લઈ હોસ્પિટલમાં દાખલ થતા દયનીય સ્થિતિમાં ઉભા હતા તે લાઈનો મંત્રીને દેખાઈ નહીં ? તમે આવી ગંભીર પરિસ્થિતિ વિશે હળાહળ જૂઠું આપણી પવિત્ર સંસદમાં બોલી સંસદની ગરિમાનું અપમાન નથી કર્યું ?

તેમણે ઉમેર્યું કે, આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના છે તેઓ અવાર-નવાર ગુજરાતમાં ચૂંટણીના સમયે "અમે ગુજરાતી છીએ, તમારો માણસ દિલ્હીમાં છે તમને કંઈ તકલીફ નહીં પડવા દઈએ," તેવી ભાવનાઓ સાથે પ્રવાસ કરતાં હોય છે. મારે એમને એવું પૂછવું છે કે આ તમારા ભાષણનો ગુજરાતની સવા છ કરોડ ભોળી જનતાને માત્ર ચૂંટણી સમયે જ છે. જ્યારે ગુજરાતમાં કોરોનાની સેકન્ડ વેવ ચરમસીમાએ હતી ત્યારે તમે પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં રેલી કરવામાં વ્યસ્ત હતા, તમે ત્યારે ગુજરાતમાં આવીને ગુજરાતની જે હોસ્પિટલો ૨૭ વર્ષના શાસનમાં આયોજન વગર બનાવી છે એની મુલાકાત કેમ ના લીધી? તમારા માટે ગુજરાતની સવા છ કરોડની જનતા કરતા પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ વધુ મહત્વ ધરાવતી હતી? શું આ છે તમારી ગુજરાતની જનતા પ્રત્યેની સંવેદના !!!

હું ગુજરાત પ્રદેશની રિમોટ કંટ્રોલ સરકારના મુખ્યમંત્રી રૂપાણીને પૂછવા માગું છું કે જ્યારે વિશ્વભરમાં કોરોનાની સેકન્ડ વેવ ચરમસિમા પર હતી ત્યારે તમે પંચાયતોની ચૂંટણીઓમાં અને પાટીલ સાહેબની સભાઓ સરઘસમાં પ્રજાને એકઠી કરવાનો છૂટોદોર કેમ આપ્યો હતો. ક્રિકેટ સ્ટેડિયમ કે જેનું નામ તમે બદલી સ્ટેડિયમમાં તમે લાખો લોકોને કેમ એકઠા કર્યા? શું આ તમારી સરકારની લાપરવાહી નથી, પ્રજાને જોખમમાં મુકી ફક્ત ચૂંટણીઓ કરાવવી અને તમારા મિત્રોના ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ રમાડવી તેમના માટે પૈસા ભેગા કરવા એ જ છે તમારી સંવેદના, આ લાપરવાહી કરી જે રાજકીય હત્યા કરી છે એમના માટે જવાબદાર કોણ ?

પ્રધાનમંત્રીએ જે ગુજરાત મોડેલના નામે 2014 માં લોકોના વોટ લઈને છેતર્યા છે, ગુજરાત મોડેલની હોસ્પિટલો કેવી દુર્દશા છે તે આ કોરોનાના સેકન્ડ વેવમાં ઉઘાડી થઈ છે, લોકોને સરકારી હોસ્પિટલમાં બેડ મળતા ન હતા, 108 દ્વારા જો તમે હોસ્પિટલ ગયા હોય તો તમને બેડ મળતા હતા, જે 108 માં ઘણા લોકો માટે લાઈફ-લાઈન બની હતી એમાં બે ત્રણ દિવસના વેટિંગ થતા લોકોને હોસ્પિટલોમાં કલાકો ક્યાંક તો દિવસો સુધી વેઇટિંગમાં ઉભા રહેવું પડતું હતું. તેમ છતાં લોકોને બેડ મળ્યા ન હતા, ઘણા લોકોએ બેડના અભાવે ઓક્સિજન ન મળતા વેઇટિંગની લાઈનોમાં જીવ ગુમાવ્યા હતા. આ બધી હત્યાઓ માટે જવાબદાર કોણ ?

આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતમાં દવાની કંપનીઓ સારી એવી માત્રામાં છે, આપણા મુખ્યમંત્રીએ ઓવર કોન્ફિડન્સમાં કહ્યું હતું કે આપણે ટ્રમ્પ અને અમેરિકાને દવાઓ પુરી પાડીશું, કોરોના કાળમાં રેમડેસિવિર ઇન્જેક્શન કે પછી મ્યુકરમાયકોસીસના ઇન્જેક્શન માટે ગુજરાતની જનતાને એવી ખરાબ પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો હતો, લોકો ઇન્જેક્શનની બેઝિક પ્રાઇસથી 20 થી 25 ઘણા રૂપિયા ખર્ચી દેવું કરી ઇન્જેક્શનો ખરીદતા હતા, ઘણીવાર આટલી કિંમત ખર્ચ્યા પછી પણ નકલી ઇન્જેક્શનો મળતા હતા. આવી સ્થિતિ આપણા ગુજરાતના "વિકાસ મોડલ" ની હતી.

હું મુખ્યમંત્રીને પૂછવા માંગીશ કે તમે ગુજરાતની જનતાને લાઇફ સેવિંગ દવાઓ કોરોના કાળમાં કેમ પૂરી પાડી શક્યા નહીં તમારું અને તમારી સરકારના આરોગ્ય મંત્રી સાથે પુરતું સંકલન કેમ ન હતું !! તમારા અને આરોગ્યમંત્રીના ઇગોનો ટકરાવ વચ્ચે લોકોને જીવના જોખમે કેમ મૂક્યા? રૂપાણી સરકારે તેમના દવા કંપનીઓના માલિકોને કમાવવા અને ચૂંટણી ફંડ ભેગું કરવા કાળા બજારીઓને લાઇફ સેવિંગ દવાઓનો ધંધો કરવા છૂટ આપી દીધી હતી? કે પછી ગુજરાતની ભોળી જનતાના હકની દવાઓ તમે ટ્રમ્પ સરકારને મોકલી આપી દીધી શું આ છે તમારી સંવેદના ???

દવા ઉપરથી યાદ આવ્યું કે આ મોબાઈલ નંબર 98241 27694 ઇન્જેક્શનના કાળા બજારી કે જેમના પર હાઈકોર્ટમાં કેસ ચાલે છે કે જે (સી આર પાટીલ)  નો છે જેમને પોતાની સસ્તી પબ્લિસિટી માટે અને રૂપાણી સરકારની સમાંતર સરકાર ચલાવવાનું શરમજનક કર્યો હતો શું ભાજપના અધ્યક્ષની પોતાની મુખ્યમંત્રી બનવાની મહત્વકાંક્ષાઓ પૂરી કરવા માટે આ સ્ટંટ કર્યો હતો? ભાજપના અધ્યક્ષની ગુજરાતની જનતા માટે આ જ સંવેદના છે, રૂપાણી સરકાર કોના દબાણ હેઠળ તેમના ઉપર કાર્યવાહી નથી કરતી ? આવા ઘણા ગંભીર આક્ષેપો આપ ગુજરાત દ્વારા કરવામાં આવ્યા છે.

ઉપર દર્શાવેલી વિગતો તો માત્ર એક ઝાંખી છે અને એકદમ ટૂંકમાં માત્ર મુખ્ય વિગતો જ આપેલી છે, આમાં ઉંડાણપૂર્વકની ચર્ચા થાય તો ભાજપ સરકારના આરોગ્ય ક્ષેત્રે કરેલાં અનેક ભ્રષ્ટાચારો અને પોકળ દાવાઓ ઉઘાડા પડી શકે એમ છે. આથી ભાજપ દ્વારા ઉજવાઈ રહેલો “ સંવેદના દિવસ” એ પ્રજાને મુર્ખ બનાવવાના વધુ એક તરકટથી વિશેષ કઈ નથી અને એટલા માટે જ આમ આદમી પાર્ટી-ગુજરાત આ દિવસે “અસંવેદના દિવસ”ના નામે સમાંતર જન-જાગૃતિનો કાર્યક્રમ કરીને વિપક્ષ તરીકેની પોતાની ફરજ નિભાવી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, " ગુજરાત સરકાર સંવેદના દિવસ ઉજવે છે, પોતાની જુઠ્ઠી નક્કામી સંવેદના પ્રજા ઉપર બતાવવાનો પ્રયાસ કરી રહ્યા કરે છે પણ હકીકતમાં આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં જન સંવેદના યાત્રાથી ગુજરાતમાં જે લાખો લોકોના મૃત્યુ થયા અને તેમના સંબંધી સાથે જઈ તેમના દુઃખમાં સહભાગી થવા માટેની મુહિમ ઉપાડી એની સામે આ રૂપાણી સરકાર ભયભીત થઈ ગઈ છે, આમ આદમી પાર્ટી પર ગુજરાતની પ્રજાએ જે વિશ્વાસ બતાવ્યો એમના પગ તળે જમીન ખસી જતા આ સંવેદના દિવસ યોજવાના તાયફા કર્યા છે."

(અહેવાલ સહાભારઃ દેવલ જાદવ / જયંત દાફડા, અમદાવાદ)