મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદમાં ઠેરઠેર રોડ રસ્તાને લઈને બુમો ઉઠી છે. જોકે આ સમસ્યા માત્ર એક જ શહેરની નથી. ગુજરાત ભરમાં રોડને લઈને દર વર્ષે લોકો રોષ ઠાલવે છે પણ પછી કામચલાઉ થીગડાં મારીને રોડ સરખો કરવાના ઢોંગ કરાય અને પાછું ફરી લોકો શાંત થઈ જાય. પછી ફરી ચોમાસામાં રોડ થોવાય ફરી થીગડાં વાગે આ ક્રમ વર્ષોથી ચાલતો આવ્યો છે. જોકે લોકો બુમો પાડે એની અસર કરતાં ક્યારેક કોઈ નેતા કે અધિકારીને તે જ તકલીફનો ભોગ બનવું પડે અને તે અવાજ ઉઠાવે તેની અસર થોડી વધુ ઘાટી હોય છે.

ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા આઈ કે જાડેજા જ્યારે અમદાવાદના બોપલ બ્રીઝથી શાંતિપુરા ચોકડી જતાં હતા ત્યારે ત્યાંનો ખરાબ રોડ જોઈ તેમણે ટ્વીટર પર એક ટ્વીટ કર્યું હતું. જે ટ્વીટ પર પછી લોકોએ પણ પોત પોતાના વિસ્તારોમાં રોડના ખાડાઓ અને તેની હાલત અંગે જણાવ્યું હતું.

તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે, અમદાવાદના બોપલ બ્રીજથી શાંતિપુરા ચોકડી સુધીનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે, ઔડાના અધિકારીઓ આ રોડ પર ચાલશે? શું ઓવરબ્રીઝનું કામ કરી રહેલા કોન્ટ્રાક્ટરોની કોઈ જ જવાબદારી ઉપસ્થિત નથી થતી?