મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ: કચ્છમાં તાજેતરમાં મુન્દ્રા પોર્ટ પરથી મોટી સંખ્યામાં ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યો હતો. જેની અંદાજિત કિંમત ૨૧ હજાર કરોડ માનવામાં આવી રહી છે. ત્યારે સમગ્ર ડ્રગ્સ કેસની તપાસ ATS, NIA અને ED દ્વારા કરવામાં આવી રહી છે. અને આ કેસના તાર અફઘાનિસ્તાન સુધી જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આજે સમગ્ર મામલે કોંગ્રેસ ના પૂર્વ પ્રમુખ અર્જુન મોવાડિયાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.

ગુજરાતમાં પકડાયેલા ડ્રગ્સ બાબતે સરકારની નીતિઓ ઉપર સવાલ ઉઠાવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે તાજેતરમાં મુંદ્રા-અદાણી પોર્ટ પરથી અફઘાનિસ્તાથી તાલિબાને મોકલેલ ₹21,000 કરોડની કિમતનું 3000 kg ડ્રગ્સ ઝડપાવાથી સમગ્ર દેશમાં ચકચાર છે. પરંતુ ડ્રગ્સ કેસમાં તાલિબાની કનેક્શન છતાં રાજ્યની ભાજપ સરકારના પેટનું પાણી પણ હાલી રહ્યું નથી. ગુજરાતમાં ડ્રગ્સ ઝડપાવવાનો આ કોઈ પહેલો કેસ નથી. છેલ્લા 5 જ મહિનામાં રાજ્યની અલગ અલગ જગ્યાએથી અંદાજે ₹24,800 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. 21 એપ્રિલે અરબી સમુદ્રમાં એક બોટમાંથી ₹150 કરોડની કિમતનું ડ્રગ્સ ઝડપાયું હતું. ત્યારબાદ 17 જુલાઈએ પોરબંદર નજીક સમુદ્રમાં ₹3,500 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. તાજેતરમાં 21 સપ્ટેમ્બરે પોરબંદર નજીકથી ₹150 કરોડનું ડ્રગ્સ અને એ જ દિવસે ₹21,000 કરોડનું ડ્રગ્સ મુંદ્રા/અદાણી પોર્ટ ઉપરથી ઝડપાયું. આ તમામ ડ્રગ્સ પાછળ તાલિબાની કનેક્શનનો ખુલાસો થયો હોવા છતાં ગુજરાતના દરિયા કિનારાની સુરક્ષા આજે પણ ભગવાન ભરોશે છે. 

Advertisement


 

 

 

 

 

અર્જુન મોઢવાડિયાએ ઉમેર્યું હતુ કે ગુજરાતમાં દેશનો સૌથી લાંબા 1,640 KM નો દરિયા કિનારો અને 144 નાના મોટા ટાપુઓ હોવા છતાં તેની સુરક્ષા ભગવાન ભરોશે છે, 1,640 KM લાંબા દરિયા કિનારાની સુરક્ષા માટે માંડ 22 મરીન પોલીસ સ્ટેશન અને 30 ઇન્ટરસેપ્ટર બોટ છે. એટલે એક મરીન પોલીસ સ્ટેશને તોતિંગ 72 KM દરિયા કિનારાનો વિસ્તાર સાચવવો પડે છે. ગુજરાત કરતા ઘણો ઓછો દરિયા કિનારો અને પાકિસ્તાનથી દુર હોવા છતાં મહારાષ્ટ્ર(44), તમિલનાડુ(42), કર્ણાટક(62) માં વધુ મરીન પોલીસ સ્ટેશન છે. જ્યારે પાકિસ્તાનને અડીને આવેલ ગુજરાતમાં મરીન પોલીસ સ્ટેશનની સંખ્યા તો ઠીક સંસાધનો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો પણ અભાવ છે. પરિણામે પુરતી સુરક્ષાના અભાવે  ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ માફિયાઓ માટે સ્વર્ગ સમાન બની ગયો છે. 

અર્જુન મોઢવાડિયા વધુમાં જણાવ્યું હતું કે દરિયા કિનારાને સુરક્ષા પુરી પાડવામાં નઘરોળ ભાજપ સરકારની બેદરકારીના કારણે ગુજરાતમાં આ જંગી ડ્રગ્સ ઠલવાઈ રહ્યું છે અને ગુજરાતનું યુવાધન નશાની કાળી દુનિયામાં બરબાદી તરફ ધકેલાઈ રહ્યું છે. ગુજરાતમાં દારૂબંધીનો કાયદો હોવા છતાં તેના અમલના નામે માત્ર ઠાલા હોંકારા પડકારાથી વધુ કંઈ નથી તે આપણે સહું જાણીએ છીએ. હવે ભાજપ સરકારે ગુજરાતને ડ્રગ્સનું પણ હબ બનાવી દીધું છે. NCRBના આંકડાઓ મુજબ લિકર તથા નાર્કોટિક ડ્રગ્સ સંબંધિત એક્ટ અંતર્ગત દેશમાં નોંધવામાં આવેલ કેસો પૈકી ગુજરાત 2,41,715 કેસ સાથે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે.

\

Advertisement


 

 

 

 

 

અર્જુન મોઢવાડિયાએ રાજ્યના યુવાનોને વિનંતી કરતા જણાવ્યું હતું કે આ કઈ દિશા તરફ આપણે આગળ વધી રહ્યાં છીએ, ભાજપ સરકાર તો હપ્તા લઈને દારૂ અને ડ્રગ્સનો કાળો કારોબાર બેરોકટોક થવા દઈ રહી છે, પરંતુ યુવાન મિત્રોને મારી વિનંતી છે કે તમે તો જાગૃત બનો. દારૂ કે ડ્રગ્સના વ્યસનથી દુર રહો. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ પણ છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતને ડ્રગ્સના દુષણમાં ન ડુબાડવાના મામલે સોશિયલ મીડિયા પર નારાજગી નોંધાવી રહ્યા છે.