મેરાન્યૂઝ નેટવર્ક.પંચમહાલઃ એક બાજુ પિતાના હાથમાં 14 દિવસની દીકરીની લાશ છે બીજી બાજુ ભાજપના નેતાઓના હાથમાં ચૂંટણી પરચમ છે, પોતાના સ્વજનોને ગુમાવાની પીડાથી લોકો શોકમાં છે અને ભાજપમાં ચૂંટણી રેલીઓની મોજ છે. ભાજપના દિગ્ગજ નેતાઓ કેમેરા સામે લોકને શાણા થવા અને સમજાવતા રહેતા હોય છે, નિયમોનું પાલન પણ હાલની સ્થિતિએ કેટલું જરૂરી છે તેની ગંભીરતા સહુને ખબર છે. સુરત, અમદાવાદ, રાજકોટ, મોરબી, અરવલ્લી, સોમનાથ, ઠેરઠેર સ્થિતિ એવી છે કે લોકો ડુસ્કાં ભરીને રડી રહ્યા છે. એક સાથે પરિવારના એક પછી એક લોકો નજર સામે મોતને ભેટે અને પોતે કાંઈ કરી ન શકે તેની લાચારી કેવી હોય તેની અનુભૂતિ નેતાઓને થતી જ નથી. લોકોને સ્વયંભૂ લોકડાઉન જેવી સ્થિતિ આવીને ઊભી અને અહીં હજુ રેલીઓના તાયફાઓ ચાલું છે. 

એક તરફ ખુદ ભાજપ પ્રમુખ સી આર પાટીલે લોકો માટે રેમડેસિવિર ઈન્જેક્શન્સની ગોઠવણ કરી છે તેમણે અગાઉ પણ ભાજપના તમામ નેતા-કાર્યકરોને કોઈ પ્રકારે કાર્યક્રમો નહીં યોજવાનું કહ્યું હતું. પંચમહાલ જીલ્લાની આદિવાસી પ્રભૃત્વવાળી વસ્તી ધરાવતી બેઠક ખાલી પડ્યા બાદ ચૂંટણી પંચ દ્વારા ૧૭મી એપ્રિલના રોજ ચૂંટણી યોજવાની જાહેરાત કરવામા આવી છે. ભાજપ દ્વારા મોરવા હડફ ખાતે ભાજપના કાર્યકરો, હોદ્દેદારોની વિધાનસભા ચૂંટણીને લઈને બાઈકરેલી યોજાઈ હતી. 


 

 

 

 

 

નવાઈની વાત એ છે કે ખુદ ભાજપની સરકાર લોકોને સોશિયલ ડીસટન્સ અને માસ્ક બાધવાની સલાહ આપે છે. ત્યારે તેમના કાર્યકર્તાઓ રેલીમાં માસ્ક વગર તેમજ દાઢી માસ્ક પહેરીને જોવા મળ્યા હતા. હાલમા લગ્ન પ્રસંગમાં ૫૦ મરણ પ્રસંગમાં ૨૦ લોકોની હાજરી કરી દીધી છે. ત્યારે ચૂંટણીમાં કોઈ નિયમ ન લાગુ પડતો કેમ નથી? આવા અનેક સવાલો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે. મોરવા હડફમાં ભાજપ દ્વારા છેલ્લી ઘડીના પ્રચારને લઈને બાઈક રેલીનું આયોજન કરવામા આવ્યુ હતું.

ભાજપના હોદ્દેદારો, કાર્યકરો જોડાયા હતા. આ રેલી વિવિવ વિસ્તારોમાં ફરી હતી.આ બાઈક રેલીમાં કોરોનાની ગાઈડ લાઈનનો ખુલ્લેઆમ ભંગ જોવા મળ્યો હતો. ડીજેના તાલે નીકળેલી બાઈકરેલીમાં કેટલાક કાર્યકરોએ માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા, તો કેટલાક કાર્યકરોએ અડધા મૂખે માસ્ક ચઢાવેલા જોવા મળેલા હતા. કેટલાક માસ્ક વગર પણ જોવા મળ્યા હતા. એક બાજુ કોરોના વકરી રહ્યો છે. ત્યારે સત્તાપક્ષની બેફીકરાઈને લઈને લોકોમાં અનેક ચર્ચાઓ ચાલતી હતી.