મેરાન્યૂઝ નેટવર્ક.ભરૂચ: છેલ્લા ઘણા સમયથી શહેરી વિસ્તારોમાં જંગલી પ્રાણીઓ જંગલ વિસ્તારોમાંથી પાલન કરતા હોય તેવી ઘટનાઓ સામે આવતી રહે છે. અમદાવાદ શહેર અને તેની આજુબાજુ જંગલ વિસ્તાર નથી ત્યાં પણ અનેક વાર દીપડા આવી જવાની ઘટના બની છે, અરે અહીં સુધી કે એક વખત તો ગાંધીનગર ખાતેની આપણી ગુજરાત વિધાનસભામાં પણ દીપડો ઘૂસી ગયો હતો. ત્યારે તાજેતરમાં ભરૂચ અને અંકલેશ્વરમાં પણ દીપડા શહેરી વિસ્તારમાં ઘૂસી ગયા હોવાની ઘટના બની છે.

ગઈ કાલે રાતના સમયે ભરૂચ અંકલેશ્વર નેશનલ હાઇવે વચ્ચે એક દીપડો અજાણ્યા વાહનની અડફેટે આવી જતા તેનું મૃત્યુ નીપજયું હતું. ભરૂચ અને અંકલેશ્વરની આસપાસ રાજપીપળા, ડાંગ, તાપી, જેવા જંગલ વિસ્તારો આવેલા છે. જંગલોમાં દિવસે દિવસે દીપડાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે હવે દીપડા જંગલમાંથી પલાયન કરીને શહેરી વિસ્તારોમાં આવી રહ્યા છે.

Advertisement


 

 

 

 

 

દીપડા શહેરી વિસ્તારોના વાતાવરણને અનુકૂળ ન હોવાને કારણે કેટલીક વાર રસ્તા ઉપર નીકળી પડે છે અને રસ્તા પીઆર પસાર થતાં વાહનો સાથે કેટલીક વાર અકસ્માત થઈ જતો હોય છે. ગઈ કાલે મોડી રાતે આવી જ ઘટના સર્જાઈ હતી. અંકલેશ્વર હાઇવે ક્રોસ કરતી વખતે દીપડો વાહન સાથે ટકરાતાં ગંભીર રીતે ઘવાયો હતો અને તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

આવી રીતે શહેરી વિસ્તારમાં દીપડો આવી જતા મોટી સંખ્યામાં લોકો દીપડાને જોવા ઉમટી પડ્યા હતા. જેના કારણે હાઇવે પર ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા.