મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ગુજરાતમાં હવે ઓટો રિક્ષા ચાલકોએ યુનિફોર્મ પહેરવો ફરજિયાત કરવામાં આવ્યો છે જેમાં તેમમે પોતાના પહેરેલા કપડા ઉપર બ્લૂ કલરનું એપ્રોન પહેરવાનું રહેશે. આ યુનિફોર્મ સંદર્ભે વિવિધ રિક્ષા ડ્રાઈવર્સ એશોશિયેશન્સ અને સરકાર વચ્ચે બેઠક યોજાઈ હતી જેના અંતે આખરે આ ઠરાવ કરવામાં આવ્યો છે.

ગુજરાત સરકારે જાહેરનામુ બહાર પાડતા રિક્ષા ડ્રાઈવર્સને ફરજિયાત બ્લૂ રંગનું એપ્રોન પહેરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં ઓટો રીક્ષા ડ્રાઈવર્સની સરળતાથી ઓળખાણ થાય તે હેતુસર મોટર વાહન અધિનિયમ 1988 તથા ગુજરાત મોટર વાહન નિયમો, 1989 અંતર્ગત ઓટો રીક્ષા ડ્રાઈવર્સ માટે અલગથી યુનિફોર્મ નક્કી કરવા અંગે સરકાર વિચારી રહી હતી. જેને પગલે રાજ્ય સરકારે 16-11-2019ના જાહેરનામાથી ગુજરાત મોટર વાહન નિયમો 1989માં સુધારો કરી જાહેર પરિવહનના વાહનોના ડ્રાઈવરોએ યુનિફોર્મ પહેરવાનો રહેશે તે મુજબની જોગવાઈ કરી છે. આ વિવિધ બેઠકોમાં થયેલી ચર્ચા-વિચારણાના આધારે સરકારે ઓટો રીક્ષા ડ્રાઈવર્સના યુનિફોર્મ સંબંધમાં ઠરાવ કર્યો છે.