મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ગુજરાત એટીએસના પોલીસ ઈન્સપેક્ટર એચ કે ભરવાડને એક બાતમી મળી, જેમાં વ્યક્તિનું વર્ણન હતું કે તે સાધારણ દાઢી મુછ વાળો છે અને બ્લ્યૂ ટીશર્ટ અને જીન્સ જેકેટ પહેરેલું છે. આવી બાતમીને આધારે પોલીસે જ્યાં શખ્સ આવવાનો હતો ત્યાં વોચ ગોઠવી અને અત્યંત નશીલા 5 કરોડના મેથામ્ફેટામાઈન સાથે તેને ઝડપી પાડ્યો હતો.

ગુજરાત એટીએસના પીઆઈ એચ કે ભરવાડને બાતમી મળી કે, મુંબઈનો સુલ્તાન શેખ નામનો શખ્સ કેટલોક ગેરકાયદે પાસ-પરમીટ વગરનો નશીલો પદાર્થ મેથામ્ફેટામાઈનનો જથ્થો મુંબઈથી અમદાવાદ લાવી રહ્યો છે. પોલીસને એ પણ જાણકારી મળી કે તે ક્યારે આવવાનો છે. તે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આચાર્યશ્રી મહાપ્રજ્ઞજી રેલવે ઓવર બ્રીજના પશ્ચિમ છેડે આવેલા સારથી એપાર્ટમેન્ટના દરવાજા પાસે આવેલા જ્યાં માતાજીના મંદીર પાસે તે આવવાનો હતો. પોલીસને વિગતો મળી કે તેણે આસમાની રંગનું જીન્સનું પેન્ટ અને બ્લ્યૂ ટીર્ટ અને જેકેટ પહેરેલું છે. પાતળા બાંધાનો અને સાધારણ દાઢી મુછ વાળો છે. પોલીસે આ બાતમીને આધારે ત્યાં છુપાઈને વોચ ગોઠવી હતી.

બાતમીને આધારે પીઆઈ ભરવાડ અને પીઆઈ ડી બી બસીયા એક ટીમ સાથે ત્યાં પહોંચ્યા અને વોચમાં ગોઠવાઈ ગયા. તેમને જેવી બાતમી મળી હતી તેવો જ એક શખ્સ તેમને તે જ સ્થળ પર જોવા મળ્યો. તેમણે તુરંત તેની પાસે જઈ તેનું નામ ઠામ પુછ્યું તેણે કહ્યું કે તે પોતે મો. સુલ્તાન મો. ફીરોઝ શેખ છે અને તે મુંબઈ ઈસ્ટ જોગેસ્વરીના પ્રેમનગર ખાતે રહે છે. પોલીસે નામ પણ બાતમી સાથે મળતું જાણતાં તેની ઝડતી લીધી જેમાં તેની પાસે રહેલા બેગમાંથી ખાખી સેલોટેમ મારેલું પડીકું મળી આવ્યું. તપાસ કરી તો તેમાં મેથામ્ફેટા માઈન નામનો માદક પદાર્થ હતો. જેનું વજન 1 કિલો હતું મતલબ કે આની આંતરરાષ્ટ્રીય વેલ્યૂ 5 કરોડ રૂપિયા જેટલી થાય છે.

પોલીતે તુરંત તેને પકડી પાડી વધુ વિગતો મેળવવાનું શરું કર્યું તો જાણવા મળ્યું કે આ જથ્થો અજમેર શરીફ દરગાહના ખાદીમ નામે વસીમએ ગત 18 જાન્યુઆરીએ રાત્રે તેના માણસ મારફતે મુંબઈની શાલીમાર હોટલ પાસે પહોંચાડ્યું હતું. જે પછી તે મુંબઈથી મનીષ ટ્રાવેલ્સની બસમાં અમદાવાદ આવ્યો અને આ જથ્થો વસીમના કહેવા પ્રમાણે અમદાવાદમાં મુસા સુહાગ કબ્રસ્તાન પાસે આવેલા મંદીરની બાજુમાં એક લાલ રંગની ટીશર્ટ વાળા શખ્સને આપવાનો હતો. પોલીસે સુલ્તાનની ધરપકડ કરી તેની સામે હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે હજુ પોલીસ માટે તે લાલ રંગની ટીશર્ટ વાળા શખ્સને પકડવાનો પડકાર છે કારણ કે એવી તો કઈ વ્યક્તિ છે જે 5 કરોડની જંગી રકમનો આ માદક પદાર્થ અહીં ખરીદવાનો હતો. તેની પાસેના નાણાં ક્યાંથી અને ક્યાં લીંક છે બીજી એવા ઘણા પ્રશ્નોના જવાબ પોલીસની આગામી કાર્યવાહીમાં જાણવા મળશે.