પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડએ થોડા દિવસ અગાઉ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં દરોડા કરીને 47 હથિયારો સાથે 19 આરોપીઓને ઝડપ્યા હતા. ત્યાર બાદ હવે ચાર જિલ્લાઓમાં રેડ કરીને એટીએસએ રૂ. 1 કરોડની કિંમતના આધુનિક હથિયારો સાથે 13 શખ્સોને ઝડપી પાડ્યા છે.

ગુજરાતમાં ગેંગસ્ટર્સ તેમજ અતી શ્રીમંત લોકો ગેરકાયદે હથિયાર રાખી રહ્યા છે તેવી માહિતીને આધારે ગુજરાત એટીએસએ દસ દિવસ અગાઉ રાજ્યના પાંચ જિલ્લામાં દરોડા પાડી 47 જેટલા હથિયારો ઝડપ્યા હતા. ત્યાર બાદ અમદાવાદના ગન ડિલર તરુણ ગુપ્તા સહિત પકડાયેલા આરોપીઓની પુછપરછ કરતાં ગુજરાતમાં આધુનિક હથિયાર સપ્લાય કરવાનું આયોજિત નેટવર્ક ચાલી રહ્યું હોવાની જાણકારી એટીએસને મળી હતી. જેને આધારે એટીએસની વિવિધ ટીમ દ્વારા સોમવારે મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં દરોડા કરાયા અને ગેરકાયદે હથિયાર શોધિ કાઢવાનું ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં 13 આરોપીઓ 50 હથિયારો સાથે ઝડપાઈ ગયા હતા. આ હથિયારોની કિંમત 1 કરોડ રૂપિયા સુધી થવા જાય છે.  હજુ પણ ઓપરેશન ચાલુ છે હજુ પણ વધુ આરોપીઓ અને હથિયારો પકડાય તેવી શક્યતાઓ છે.