મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ છેલ્લા ઘણા સમયથી ભારત ભરમાં આતંકી હુમલાના ઈનપુટ્સ ગુપ્તચર એજન્સીઓને મળી રહ્યા છે. તેવા સમયે ગુજરાત એટીએસને મળેલી એક જાણકારી પોલીસને વધુ સતર્ક રહેવા મજબુર કરે તેવી છે.

ગુજરાત એટીએસ દ્વારા આ જાણકારી અનુસાર એક સ્કેચ તૈયાર કર્યો છે જે તમામ પોલીસ મથકે ફેક્સ મેસેજ કરવામાં આવ્યો છે જેમાં શહેર એસઓજી, જિલ્લા એસઓજી સહિતના પોલીસ મથકોનો સમાવેશ થાય છે. તેમણે ફેક્સ કરેલા મેસેજ અનુસાર 4 જેટલા શખ્સો ભારતમાં ઘૂસ્યા છે જે પૈકી એક શખ્સ અફ્ઘાનિસ્તાનના કુનરનો હોવાનું સામે આવ્યું છે. જેનો સ્કેચ પણ મોકલવામાં આવ્યો છે.

તાજેતરમાં કાશ્મીરમાંથી 370 હટાવતા જ એલર્ટ અપાયું હતું. કેટલાક આતંકી સંગઠનો પણ એક્ટિવ થઇ હુમલો કરવાના હોવાના પોલીસને ઇનપુટ મળ્યા હતા. આ ઉપરાંત સોશિયલ મીડિયામાં પણ કોઈ પણ પ્રકારની અફવા ન ફેલાય તે માટે સોશિયલ મીડિયા પર પણ પોલીસની નજર હતી. 

આ ફેક્સમાં જણાવવામાં આવ્યું છે કે, ઓગસ્ટ 2019 શરૂઆતમાં અફઘાન પાસપોર્ટ ધરાવતા ચાર ઇસમોએ ભારતના શહેરોમાં જ્યાં મોટી સંખ્યામાં જન મેદની એકઠી થતી હોય તેવા સ્થળોએ ટેરર એટેકને અંજામ આપવા સારું અફઘાનિસ્તાન બોર્ડર કરીને ભારતમાં ઘુષણખોરી કરેલી છે.

અફઘાનીસ્તાનના કુનાર પ્રાંતનો પાસપોર્ટ ધરવતા આ આતંકી ગ્રુપના વડાનો પાસપોર્ટ અને ફોટો આ સાથે સામેલ રાખેલો છે. તેમજ આતંકી ગ્રુપને માર્ગદર્શન આપનાર ઝાંકી નામના ઇસમનું પાકિસ્તાની ઓળખપત્ર પણ આ પત્ર સાથે સામેલ રાખવામાં આવેલુ છે.

આ બાબતે 15 જૂલાઈથી આજ દિન સુધી ફોટોમાં સામેલ ઇસમ અથવા અન્ય કોઈ પણ અફઘાન પાસપોર્ટ ધરાવનાર ઇસમો આપના વિસ્તારમાં રોકાયેલા હોય તો તેના સી-ફોર્મની વિગતો અન્ય માહિતી સાથે આવતી કાલે 18 ઓગસ્ટના રોજ 11 વાગ્યા સુધીમાં કચેરીના ઈ-મેઈલ પર કાર્યવાહી રીપોર્ટ મોકલી આપવો. આ ઉપરાંત અફઘાની નાગરિકોની વસ્તી ધરાવતા વિસ્તારોમાં અંગત બાતમીદારોથી વેરીફીકેશન કરવું અને કોઈ પણહકીકત મળી આવે તો કચેરીને જાણ કરાવી.