મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ: ગુજરાત એટીએસ દ્વારા અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના સાગરિત માજિદ કુટ્ટીને ઝારખંડથી પકડી પાડવામાં આવ્યો છે. દાઉદ ઈબ્રાહીમનો ખાસ ગણવામાં આવતો માજિદ છેલ્લા 24 વર્ષથી કાયદાના સકંજાથી દૂર હતો.

પ્રાપ્ત માહિતી મુજબ, 23મી જાન્યુઆરી 1996ના દિવસે મહેસાણાની દૂધસાગર ડેરીની પાસે બોમ્બે ગેસ્ટ હાઉસ પર દરોડો દરમ્યાન આરડીએક્સ અને હથિયારોનો જથ્થો મળ્યો હતો. આ દરોડો બાદથી જ માજિદ ફરાર હતો. કહેવાય છે કે દરોડો દરમ્યાન 4 કિલો RDX, 115 પિસ્ટોલ, 75થી વધુ કાર્ટિજ, 10 ડેટોનેટર જપ્ત કરાયા હતા. દરોડામાં જપ્ત પિસ્ટોલ અને બુલેટસ પાકિસ્તાનમાં બન્યા હતા.

રાજસ્થાનના બાડમેર ખાતેથી તે હથિયારોનો જથ્થો મોકલવામાં આવી રહ્યો હતો. જેને બાદમાં અમદાવાદ અને મુંબઈ ખાતે મોકલવામાં આવવાના હતા. જોકે તે વખતે થયેલી રેડ પછી માજિદ મલેશિયા ભાગી ગયો હતો. જે પછી છેલ્લા 24 વર્ષથી તે હાથે લાગ્યો ન્હોતો અને મલેશિયામાં જ પોતાનો વસવાટ ઊભો કરી લીધો હતો. જોકે તે પાછો ભારત આવી રહ્યો હોવાની બાતમી ગુજરાત એટીએસને મળી હતી. ગુજરાત એટીએસએ માજિદ આવવાનો હોવાની વિગતોને આધારે પુરતી વોચ ગોઠવતા તે ઝડપાઈ ગયો હતો. 

ઉલ્લેખનીય છે કે થોડા જ સમય પહેલા એટીએસ દ્વારા દાઉડનો જમણો હાથ ગણાતો સાગરિત બાબુ સોલંકીને પણ પકડી પાડ્યો હતો. જે મૂળ ઊંઝાનો છે અને મુંબઈમાં રહેતો હતો. તે પણ 14 વર્ષથી ભાગતો ફરતો હતો.