પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): પાકિસ્તાન અને ભારતની બહાર રહેલા મૂળ ભારતીય કુળના ગુનેગારો ઉપર સેન્ટ્રલ ઈન્ટેલીજન્સ બ્યૂરો સતત નજર રાખી રહ્યું છે, છેલ્લા થોડાક દિવસોમાં સેન્ટ્રલ આઈબીના ધ્યાનમાં આવ્યું હતું કે, મૂળ દાઉદ ઈબ્રાહીમ સાથે સંકળાયેલો અને પાકિસ્તાનમાં રહેતો છોટા શકીલ કોઈ મોટી ઘટનાને ભારતમાં અંજામ આપવાનું પ્લાનીંગ કરી રહ્યો છે.

આ માહિતીને વધારે મજબુત કરવા સેન્ટ્રલ આઈબીએ પોતાના સૂત્રોને એક્ટીવેટ કરતાં જાણકારી મળી કે છોટા શકીલ ગુજરાતમાં એક મોટું ઓપરેશન પાર પાડવા જઈ રહ્યો છે. સેન્ટ્રલ આઈબીએ તુરંત ગુજરાત એટીએસના ડીઆઈજી હિમાંશુ શુક્લને એલર્ટ મેસેજ મોકલી તૈયાર રહેવાની સૂચના આપી હતી. ગતરોજ મંગળવારે સેન્ટ્રલ આઈબીએ આંતરેલા છોટા શકીલના સંદેશામાં જાણકારી મળી કે, મુંબઈથી બે શાર્પ શૂટર અલગ અલગ રીતે અમદાવાદ પહોંચશે અને તેઓ સંગ અથવા ભાજપ સાથે સંકળાયેલા કોઈ નેતાને નિશાન બનાવશે. આ માહિતી મળતા તુરંત જ એટીએસની ટીમને તૈયાર કરી દેવામાં આવી.

ઓપરેશન જટીલ હોવાને કારણે એટીએસના ડીઆઈજી હિમાંશુ શુક્લએ પોતે ઓપરેશનનું નેતૃત્વ લેવાનો નિર્ણય કર્યો. મંગળવારની રાત્રે એક વાગ્યાના સુમારે ડીઆઈજી હિમાંશુ શુક્લ, ઈન્ચાર્જ એસપી દીપેન ભદ્રન, ડીવાયએસપી કે કે પટેલ અને ભાવેશ રોઝિયા સાથે ટીમ રીલીફ રોડ પર આવેલી હોટેલ વીનસ પર પહોંચી હતી. માહિતી ચોક્કસ હતી, જેના કારણે ચોક્કસ રૂમ પર જ પહોંચેલી ટીમે રૂમને ચારે તરફથી ઘેરી લીધો હતો. ડીવાયએસપી ભાવેશ રોઝિયાએ દરવાજો નોક કરતા અંદરથી સવાલ પુછવામાં આવ્યો કોણ? જોકે એટીએસની ટીમ સંભવીત સવાલ માટે તૈયાર હતી. આંતરવામાં આવેલા સંદેશામાં કઈ શાંકેતિક ભાષાનો પ્રયોગ થઈ રહ્યો છે તેવી તેમને ખબર હતી.

રોઝિયાએ વળતા જવાબમાં કહ્યું, મહેમાન... તેવું કહેતા અંદર રહેલી વ્યક્તિને ખાતરી થઈ કે આ કોઈ પરિચિત છે. થોડીક ક્ષણ પછી દરવાજો ખુલ્યો અને તેની સાથે એટીએસની ટીમ રૂમમાં દાખલ થઈ. એટીએસ પાસે માહિતી હતી કે બે વ્યક્તિઓ આવેલી છે, પરંતુ રૂમમાં એક જ વ્યક્તિ નજરે પડતી હતી. આથી ડીવાયએસપી રોઝિયા સામે ઊભી રહેલી વ્યક્તિ પાસે જઈ ઊભા રહ્યા જ્યારે કે કે પટેલે રૂમમાં પડેલા સામાનને તપાસવાની શરૂઆત કરી. અન્ય બીજી વ્યક્તિ ક્યાં છે તેની તપાસમાં ડીઆઈજી શુક્લા અને એસપી ભદ્રન બાથરૂમ તરફ આગળ વધ્યા તે જ વખતે ભાવેશ રોઝિયા સામે ઊભી રહેલી વ્યક્તિએ પોતાની કમરમાં પેન્ટ નીચે સંતાડી રાખેલી પિસ્ટલ બહાર કાઢી અચાનક હથિયાર જોતા રોઝિયાએ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પેલી વ્યક્તિને ધક્કો માર્યો જેના કારણે પેલો માણસ ઉંધે માથે જમીન પર પછડાયો.

આ દરમિયાન તેના હાથમાં રહેલી પીસ્ટલમાંથી ગોળી ચાલી ગઈ, પણ સદનસીબે તેમાં કોઈને ઈજા થઈ નહીં. જોકે અચાનક ગોળીબારની ઘટના બનતા ડીવાયએસપી ભાવેશ રોઝિયા અને કે કે પટેલ પેલી વ્યક્તિ પર કુદી પડ્યા. તેના હાથમાં રહેલી પિસ્ટલ અને પેલી વ્યક્તિ પર નિયંત્રણ મેળવી લીધું. જેના કારણે તે બીજી વખત ગોળીબાર કરી શક્યો ન્હોતો. પકડાયેલી વ્યક્તિને એટીએસમાં લાવી પુછપરછ કરતાં તેનું નામ ઈરફાન ઉર્ફે કાલિયા શેખ છે, તે મુંબઈનો રહેવાસી છે અને તેને ભાજપના નેતા ગોર્ધન ઝડફિયાને મારવાનું કામ સોંપવામાં આવ્યું હતું.

જોકે તેની સાથે બીજું કોણ આવવાનું હતું તે વિષે તે પોતે જ જાણતો નથી તેવો તેનો દાવો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 2002માં ગોરધન ઝડફિયા ગૃહરાજ્ય મંત્રી હતા અને તેમની ઉપર એવો આરોપ છે કે, તોફાન દરમિયાન મુસ્લિમોની હત્યા કરી રહેલા હિન્દુઓને તેમણે મદદ કરી હતી.