મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અરવલ્લી જીલ્લાના અનેક યુવકો દેશની સુરક્ષા માટે વિવિધ દળમાં જોડાઈ માં ભોમની રક્ષા કરી રહ્યા છે. કેટલાક જવાનો દેશની સુરક્ષા કરતા શહીદી વ્હોરી છે. હજુ પણ લશ્કરમાં ભરતી થવાનો જુસ્સો યથાવત છે. ઈન્ડિયન આર્મી રેલી દ્વારા હાલમાં ભરતી બહાર પાડી છે. જેના ફોર્મ ભરવાની પ્રક્રીયા ચાલુ છે ત્યારે ભિલોડા પંથકમાં લશ્કરમાં જોડાવવા માંગતા યુવાનોએ આર્મીની નોકરી માટે નક્કી કરેલ ૨૧ વર્ષની વયમર્યાદા ના બદલે ૨૩ વર્ષની વયમર્યાદા કરવામાં આવેની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. કોરોના સંક્રમણના પગલે ૧ વર્ષ ભરતી પ્રક્રિયા બંધ રહેતા અનેક યુવાનોની વયમર્યાદા વધી જતા ભારે નિરાશામાં ગરકાવ થઇ ગયા છે. 

કોરોના મહામારીના પગલે જાણે દેશ થંભી ગયો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણ અટકાવવા અનેક પરીક્ષા રદ કરવાની સરકારને ફરજ પડી હતી. ઇન્ડિયન આર્મી રેલી દ્વારા સમગ્ર દેશમાં દર વર્ષે ભરતી બહાર પાડવામાં આવે છે. જે ગત ૨૦૨૦ માં મુલત્વી રહી હતી જે થી અનેક યુવાનોને નોકરી થી વંચીત રહેવાનો વારો આવ્યો છે. આર્મીમાં જોડાવવા માટે ૨૧ વર્ષની વયમર્યાદા પગલે ગત વર્ષે ભરતી ન થતા લશ્કરમાં જોડાવવા માંગતા અને માં ભોમની રક્ષા કરવા માટે દીવસ રાત મહેનત કરતા યુવાનોની ઉંમર ૨૧ વર્ષથી વધી જતા નોકરી થી વંચીત રહેવાના વારો આવ્યો છે. ભિલોડા પંથકમાં આર્મીમાં જોડાવવા માંગતા યુવાનોએ આર્મી રેલી ભરતીમાં વય મર્યાદા ૨૩ વર્ષની કરવામાં આવેની માંગ સાથે ભિલોડા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.    

આવેદનપત્ર આપનાર યુવાનોએ જણાવ્યું હતું કે આર્મીમાં નોકરી કરવા માટે અને દેશની સેવા કરવા તનતોડ મહેનત કરી છે. પરંતુ કોરોનાના પગલે ગત વર્ષે આર્મી ભરતી ન થતા કેટલાક યુવાનોની વયમર્યાદા વધી જતા નોકરી થી અને દેશની રક્ષાથી વંચીત રહેવું પડે તેવી સ્થીતીનું નિર્માણ થયું છે.