મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાતના વિદ્યાર્થીઓ કૌશલ્ય નિર્માણ થકી રોજગારી મેળવી શકે તે માટે ૨૦ એકર જમીનમાં ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નાસ્મેદ ખાતે રાષ્ટ્રિય કક્ષાની ‘‘ઇન્ડીયન ઇનસ્ટીટ્યુટ ઓફ સ્કીલ્સ’’ (IISS) સંસ્થાનું નિર્માણ કરાશે. આ સંસ્થાનો શિલાન્યાસ આગામી ૧૫મી જાન્યુઆરી ૨૦૨૦ના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમીત શાહના હસ્તે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતેથી કરાશે.

આ સંસ્થા દ્વારા દર વર્ષે ઓછામાં ઓછા ૫૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને તાલીમબદ્ધ કરાશે જેમાંથી ઓછામાં ઓછા ૭૦ ટકા તાલીમાર્થીઓનું પ્લેસમેન્ટ કરવાના પ્રયાસો કરાશે એમ રોજગાર અને તાલીમ નિયામકની યાદીમાં જણાવાયું છે. મહાત્મા મંદિર ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય સ્કીલ ડેવલપમેન્ટ અને ઉદ્યોગ સાહસિક્તા વિભાગના મંત્રી ડૉ. મહેન્દ્રનાથ પાંડેય, કેન્દ્રીય વીજળી નવીનીકરણ ઊર્જા (સ્વતંત્ર હવાલો) અને કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિક્તા રાજ્ય મંત્રી રાજકુમાર સિંહ, ગુજરાત સરકારના શ્રમ રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોર, રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમના અધ્યક્ષ એ. એમ. નાઇક, ગુજરાત સરકારના મુખ્ય સચિવ અનિલ મુકિમ, એમીરીટ્સ અધ્યક્ષ ટાટા સન્સ અને ટાટા ટ્રસ્ટના અધ્યક્ષ રતન ટાટા તથા ટાટા સન્સના અધ્યક્ષ નટરાજન ચંદ્રશેખરન પણ ખાસ ઉપસ્થિત રહેશે.

યાદીમાં વધુમાં જણાવ્યાનુંસાર આ સંસ્થાની સ્થાપના ભારતમાં IIT તથા IIMના આંતરરાષ્ટ્રીય સ્તરને ધ્યાને લઇને વિશ્વસ્તરીય કૌશલ્ય તાલીમ કેન્દ્ર બનાવવાના મુખ્ય ઉદેશથી કરવામાં આવી રહી છે. જેમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત સંસ્થાઓ દ્વારા કૌશલ્ય તાલીમ માટે અખત્યાર કરવામાં આવતી શ્રેષ્ઠ પદ્ધતિ અનુસારની તાલીમ આપવામાં આવશે. આ સંસ્થા પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપ અભિગમથી કાર્યરત રહેશે.

સંસ્થામાં વિદ્યાર્થીઓને ઉદ્યોગો સાથે સંકળાયેલી અદ્યતન ટેકનોલોજી અને ઉપકરણોને અનુરૂપ તાલીમ આપવામાં આવશે. જે અન્ય તાલીમી સંસ્થાઓ કરતા વિશિષ્ટ પ્રકારની સંસ્થા હશે. જેમાં વિદ્યાર્થીઓની આકાંક્ષાઓને પહોંચી વળવા માટે શ્રેષ્ઠતમ માળખાગત સુવિધા અને ઉચ્ચ શિક્ષણના ઉપર પરંપરાગત રીતે પસંદ કરાયેલ માર્ગના બદલે ધો.૧૦ અથવા ૧૨ પછી સીધા કૌશલ્ય શિક્ષણ ક્ષેત્રમાં પ્રવેશ કરનાર વિદ્યાર્થીઓની આકાંક્ષાઓને સંતોષી શકે તેવી સુવિધાઓ હશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની Institute of Technical Education સિંગાપુરની મુલાકાત દરમિયાન ઉદભવેલા વિચારને સાકાર કરવા માટે ભારત સરકારના Skill Development and Entrepreneurship મંત્રાલય હેઠળના National Skill Development Corporation (NSDC) દ્વારા કૌશલ્ય નિર્માણ પ્રવૃત્તિને વેગ આપવા માટે વિશ્વસ્તરીય કૌશલ્યની તાલીમ પ્રદાન કરી શકે તેવી રાષ્ટ્રમાં કાનપુર, મુંબઇ અને અમદાવાદ એમ કુલ ૦૩ સ્થળોએ Indian Institute of Skills (IISs) નામની કૌશલ્ય નિર્માણ સંસ્થાની સ્થાપનાને મંજૂરી મળી છે. જે અન્વયે સ્પર્ધાત્મક બીડ દ્વારા પસંદ કરાયેલ ટાટા એજ્યુકેશન ડેવલપમેન્ટ ટ્રસ્ટ (TEDT)ના સહયોગથી રાષ્ટ્રીય કક્ષાની સ્કીલ ડેવલપમેન્ટ સંસ્થા ‘ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ સ્કિલ્સ’ (IISs)અમદાવાદની સ્થાપના કરવામાં આવી રહી છે. આ સંસ્થા માટે કલોલ તાલુકાના નાસ્મેદ મુકામે ૨૦ એકર જમીન ઉપલબ્ધ કરાવવામાં આવી છે.