મેરાન્યૂઝ નેટવર્ક.જુનાગઢઃ શહેરમાં મતદાન દરમિયાન અસામાજિક તત્વોના આતંકની ઘટના સામે આવી છે જેમાં લાકડીઓ સહિત અલગ અલગ હથિયારો બતાવીને મતદારોને ત્યાંથી ભગાવાય છે. આ વીડિયોમાં આતંક મચાવનાર શખ્સો મતદારો કે જેમાં મહિલાઓ પણ હતી તેમને અભદ્ર ભાષાનો પ્રયોગ કરી અપશબ્દો બોલે છે. અહીં અંતમાં આ વીડિયો દર્શાવાયો છે, અભદ્ર ભાષા હોવાને કારણે તે વીડિયોમાં બોલાતા શબ્દો મ્યૂટ કરી દેવાયો છે.

આ વીડિયો બિલખા રોડનો હોવાની હકીકત સામે આવી છે. જો સૂત્રોનું માનીએ તો તમામ શખ્સો ભાજપના કે મંત્રી જવાહર ચાવડાના સમર્થક હોવાની જાણકારીઓ મળી રહી છે. જોકે એસપીના જણાવ્યા અનુસાર મામલામાં ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે અને આ ત્રણેય કોઈ પક્ષ કે નેતાના સમર્થક છે તો તેની તપાસ કરાશે અને તે પછી જ જાણી શકાશે.

વીડિયોમાં સ્પષ્ટ રૂપે જોઈ શકાય છે કે, લાકડીઓ સહિતના હથિયારો સાથે ત્રણ શખ્સો આવે છે અને અપશબ્દો બોલીને વોટિંગ કરવા આવનાર લોકોને ભગાવી રહ્યા છે. ઉત્સાહિત થઈને વોટિંગ કરવા આવેલા લોકો પણ આ શખ્સોની દાદાગીરીથી ત્યાંથી ભાગતા નજરે પડી રહ્યા છે. એક તબક્કે વીડિયો કોઈ નકસલી વિસ્તારનો હોય તેવો અનુભવ કરાવી દે છે. આવી ગુંડાગીરી ગુજરાતમાં જોવા મળે તેવું પ્રથમ દ્રષ્ટીએ માની શકાય તેવું નથી.

હાલ આ વીડિયો સોશ્યલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે અને ગુજરાત પણ હવે યૂપી-બિહાર બની રહ્યું છે તેવી ચર્ચાઓ લોકો કરી રહ્યા છે.