મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ: આજે બીઆરટીએસ બસે પાંજરાપોળ પાસે બાઈકને અડફેટે લીધું હતું.પાંજરાપોળ ખાતે બીઆરટીએસની બસે બે સગા ભાઈઓને કચડી નાખ્યા હતા. બંને ભાઈઓ બાઇક પર સવાર થઈને નોકરી પર જઈ રહ્યા હતા.  અકસ્માતને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો અને પથ્થરમારો કર્યો હતો. જ્યારે બસ સળગાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસ ઘટના સ્થળે પહોંચતા બસને નુકસાન પહોંચતું અટકાવાયું હતું. બે ભાઈઓના મૃતદેહો એક કલાક સુધી રોડ પર પડી રહ્યા હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચતા વિલંબ કર્યો હોવાનો સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે. અકસ્માત બંને ભાઈઓના મોબાઈલ સ્ક્રિન લોક હતા જેના પગલે તેમના પરિવારજનોનો સંપર્ક કરવામાં હાજર લોકોને મુશ્કેલી પડી હતી. અકસ્માત બાદ બસનો ડ્રાઇવર ફરાર થઈ ગયો હતો.

ગુજરાત યુનિવર્સિટી સાઈડથી આવી રહેલા બે સગા ભાઈ નયનભાઈ રામ અને જયેશભાઈ રામનું પાંજરાપોળ ચાર રસ્તા પાસે બીઆરટીએસની અડફેટે ઘટનાસ્થળ પર જ મૃત્યુ થઇ ગયું હતું. ઘટનાના સાક્ષીઓને જણાવ્યા અનુસાર,  ભોગ બનેલા બંને ભાઈઓ શાંતિથી રોડ પસાર કહી રહ્યા હતા. આ સમયે બીઆરટીએસની બસ બેફામ ઝડપે આવી હતી અને સિગ્નલ તોડીને બંને ભાઈઓના બાઈકને આગળના વ્હિલમાં કચડી નાંખ્યા હતા.ઘટનાને પગલે સ્થાનિકો દ્વારા 25થી વધારે બીઆરટીએસને પાંજરાપોળથી નહેરૂનગરની વચ્ચે રોકીને પોતાનો રોષ ઠાલવ્યો હતો. એક બીઆરટીએસ બસને પથ્થરમારીને નુકસાન પણ પહોચાડવામાં આવ્યું હતું. 

સ્થાનિકો દ્વારા બસને સળગાવવાના પ્રયાસો કરાયા હતા. પરંતુ ઘટના સ્થળે પોલીસ આવી જતાં મામલો થાળે પડ્યો હતો. ઘનાટને પગલે અકસ્માત સર્જનાર બીઆરટીએસનો ડ્રાઈવર ઘટનાસ્થળેથી બસ ફરાર થઇ ગયો હતો. જમ્પ મારીને નાસી છૂટ્યો હતો. બાઈક ચાલકે હેલમેટ પહેર્યું હોવા છતાં તેનું મૃત્યુ બાઈક ચલાવનારનું થયું હતું ત્યારબાદ પાછળ બેસેલા વ્યક્તિને 20 મિનિટ સુધી 108 દ્વારા લાઈફ સેવિંગ ટ્રિટમેન્ટ કરીને જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બંને તેનું પણ મોત નીપજ્યું હતું.

સરકારે હેલ્મેટનો દંડ ઉઘરાવ્યો છે તેમાંથી વળતર આપશે? : અકસ્માત સમયે હાજર લોકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મોતને ભેટેલા યુવકે હેલ્મેટ પહેર્યું હતું. હેલ્મેટ પહેરવા છતાં અકસ્માતનું તેનું મોત થયું છે. સરકાર લાખો રૂપિયાનો હેલ્મેટના કાયદાનો દંડ ઉઘરાવી રહી છે, તો શું હવે સરકાર તેમને વળતર આપશે?

મૃતક ભાઈઓનાં પિતા હીરાભાઈ રામના કહેવા પ્રમાણે, "હું દાણીલીમડા હતો ત્યારે મને ફોન આવ્યો હતો. હીરાભાઈના કહેવા પ્રમાણે તેમને બે દીકરા હતા. બંનેનાં આજે અકસ્માતમાં મોત થયા છે. બંને સવારે સાડા આઠ વાગ્યે ઘરેથી નીકળ્યા હતા. મોટા દીકરો આઈસીઆઈસીઆઈ બેંકમાં તાલાળા ખાતે નોકરી કરે છે, તેને તાલિમ હોવાથી તે નાના દીકરા સાથે સવારે બાઇક પર નીકળ્યો હતો. નાનો દીકરો ગાંધીનગર ખાતે સચિવાલયમાં મહિલા અને બાળ વિભાગમાં નોકરી કરે છે."

મળતી માહિતી પ્રમાણે મૃતકોમાં નયન રામ (ઉં.વ. 26) અને જયેશ રામ (ઉં.વ. 24)નો સમાવેશ થાય છે. એવી પણ માહિતી મળી છે કે મૃતક જયેશ રામની પત્ની દાણીલીમડા ખાતે PSI તરીકે ફરજ બજાવે છે.

ગઈકાલે સુરતના ડિંડોલી બ્રિજ પર સિટી બસની અડફેટે પિતા-પુત્ર અને ભત્રીજાનું મોત નીપજ્યું હતું. પરિવારજનો ત્રણેયના મૃતદેહોને હજુ સુધી સ્વિકારવા તૈયાર નથી. વળતરની માંગ સાથે સ્મીમેર હોસ્પિટલમાં વિરોધ નોંધાવી રહ્યા છે. આ બનાવમાં એક જ પરિવારની 3 માતાએ પોતાના વ્હાલસોયા પુત્રો ગુમાવ્યા હતા. જ્યારે એક બાળક સહિત બે ઇજાગ્રસ્ત છે.