પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): સામાન્ય રીતે પોલીસ વિભાગમાં ત્રીસ પાંત્રીસ વર્ષ નોકરી કરનાર પોલીસ અધિકારી જ્યારે નિવૃત્ત થાય છે ત્યારે સમાજ અને મિત્રોથી વિખુટો પડી જાય છે. પોલીસની ભાગ-દોડ અને તણાવ ભરી જીંદગીમાં પોલીસ અધિકારી પોતાના નોકરી કાળ દરમિયાન પારિવારીક અને સામાજીક કોઈ સારા-નરસા પ્રસંગોમાં મોટાભાગે હાજર રહી શક્તો નથી. બીજી તરફ પોલીસ અધિકારી હોવાનો પદનો ભાર પણ છોડી શકાતો નથી. 

નિવૃત્તિ બાદ જ્યારે હોદ્દો રહેતો નથી ત્યારે પોલીસ અધિકારી એવું માનવા લાગે છે કે લોકોની નજર હવે બદલાઈ ગઈ છે અને પહેલા જેવો માન મરતબો મળતો નથી. આ પીડા તેમને અંદરોઅંદર કોતરી ખાય છે. સરકારી નિવૃત્ત અધિકારીઓમાં પોલીસ અધિકારી તરીકે નિવૃત્ત થનાર બહુ મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ નિવૃત્તિ પછી તરુંત નજીકના ગાળામાં મૃત્યુ પામે છે, પણ બહુ ઓછા પોલીસ અધિકારીઓ નિવૃત્તિ પછી પોતાની વ્યક્તિગત જીંદગી પોતાની રીતે મસ્ત બનીને જીવે છે.

ડીજીપી તરીકે નિવૃત્ત થનાર પી સી ઠાકુરનો વીડિયો તાજેતરમાં જ આપણે જોયો હતો, પણ હાલમાં અમને ગુજરાતના એસીપી તરીકે નિવૃત્ત થયેલા પોલીસ અધિકારી રાજેશ પાઠકનો આવો જ એક મોજીલો વીડિયો હાથ લાગ્યો છે. અમદાવાદ જિલ્લાના રાણપુરના વતની અને વર્ષો સુધી ધંધૂકામાં સ્થાયી થયેલા રાજેશ પાઠકે પોલીસ સબ ઈન્સપેક્ટર તરીકે પોતાની નોકરી શરૂ કરી અને થોડા સમય પહેલા આસી. પોલીસ કમિશનર તરીકે નિવૃત્ત થયા. આ ગાળા દરમિયાન તેમણે પોતાના પ્રિય સ્વજન પણ ગુમાવ્યું. આમ છતાં જીંદગી નિરાશા જનક બની જાય નહીં તેના કારણે સંગીતને જ જીવનનો જીવનરસ બનાવી મન પસંદ જુના ગીતોના સહારે પોતે ગાય છે અને નાચે પણ છે. જુઓ તેમનો આ વીડિયો. અત્રે ઉલ્લેખનીય છે કે પોતાની રાજકીય વગને કારણે એક્સટેન્સન મળે તેમ હતું છતાં એક્સટેન્શન નકારીને ગુજરાત પોલીસના અધિકારી નિવૃત્ત આઈપીએસ જે કે ભટ્ટ અમેરિકામાં સ્થાયી થયા જ્યારે નિવૃત્ત એસીપી દીપક વ્યાસ કેનેડામાં સ્થાયી થયા છે.