મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: સમગ્ર દેશમાં ટ્રાફિક નિયમ ભંગ બદલ આકરા દંડની જોગવાઈ સાથેના નવા મોટર વ્હિકલ એક્ટનો આજથી અમલ થઇ રહ્યો છે. જેના કારણે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ સહિત અનેક જગ્યાએ નવા ટ્રાફિકના નિયમને લઇને હોબાળાની સાથે વિરોધ, ગુસ્સો અને નારાજગી જોવા મળી છે ત્યારે અરવલ્લી જીલ્લામાં આમ આદમી પાર્ટીએ કેન્દ્ર સરકારે થોપેલ કાળા કાયદા સમાન સુધારેલ ટ્રાફિક એક્ટ અંગે વિરોધ નોંધાવી જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ગુજરાત સરકારે ટ્રાફિક નિયમનમાં કરેલ સામાન્ય સુધારાને લટકતું ગાજર ગણાવી ૨ ઓક્ટોમ્બરથી સહકાર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

અરવલ્લી જીલ્લા આમ આદમીના પ્રમુખ યોગેશ પારકર અને ઉપપ્રમુખ ઉસ્માન લાલાએ જીલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકર ને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે અત્યારે મોંઘવારી બેકારી અને મંદીના કપરા સમયમાં જનતા પાયમાલીનો ભોગ બની છે ત્યારે કેન્દ્ર સરકારે થોપેલ સુધારેલ ટ્રાફિક નિયમન એકટને આમ આદમી પાર્ટી પ્રજા પર લાદવામાં આવેલ કાળા કાયદા સમાન ગણી તેનો વિરોધ કરી ટ્રાફિક નિયમન સુધારા કાયદાને તાત્કાલિક પરત લેવાની માંગ કેન્દ્ર સરકારને જણાવ્યું હતું તદઉપરાંત ટ્રાફિક સુધારણા એક્ટ સંદર્ભે પ્રજાનો રોષ અને વિરોધથી ગભરાઈ ગુજરાત સરકારે એક્ટમાં મામૂલી સુધારો કરતા રાજ્ય સરકારના સુધારાને લટકતા ગાજર સાથે સરખામણી કરી હતી.

આમ આદમીના હોદ્દેદારો અને કાર્યકરોએ કેન્દ્ર સરકાર ૧ ઓક્ટોમ્બર-૨૦૧૯ સુધીમાં ટ્રાફિકના સુધારેલા એક્ટ ના નામે બનાવેલ કાળો કાયદો પરત લઈ અગાઉના જુના કાયદા ની અમલવારી કરવાની જાહેરાત નહિ કરે તો આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં અસહકાર આંદોલન કરશે અને રાજ્યમાં દરેક જીલ્લા તાલુકામાં કાળા કાયદાના વિરોધમાં જોડાવાનું આહવાન કરશે અને વિવિધ પ્રજાલક્ષી કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારી હતી.