મેરાન્યૂઝ નેટવર્ક, સાબરકાંઠા:  હાલ આપણા દેશમાં અને રાજ્યમાં લિવ ઈન રિલેશનશિપમાં રહેવાનો ટ્રેન્ડ ચાલ્યો છે. કોઈપણ જાતના બંધન વગર સ્ત્રી-પુરુષ તેમની મરજી મુજબ એકબીજા સાથે લિવ ઈન રિલેશનશિપ રહેતા હોય છે. લિવ ઈન રિલેશનશિપ સભ્ય સમાજ હમણાં મને કે કમને સ્વીકારતો થયો છે. બીજીબાજુ વર્ષોથી લિવ ઈન રિલેશનશિપમાં રહેવાની પ્રથા સાબરકાંઠા-અરવલ્લી જીલ્લાના આદિવાસી સમાજમાં જોવા મળે છે.  

લિવ ઈન રિલેશનશિપ નવા જમાનાના લોકો માટે એક આધુનિક જીવનશૈલી છે. પરંતુ આદિવાસી સમાજમાં આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી મજબૂરીમાં જન્મેલી આ એક પુરાણી પરંપરા છે. જેમાં સ્ત્રી-પુરુષ કોઈપણ જાતના બંધન વગર મૃત્યુ પર્યત સુધી સાથે રહે છે. અનેક પેઢીઓ પણ લિવ ઈન રિલેશનશિપમાં જન્મી છે. ૬ દાયકાથી લિવ ઈન રિલેશનશિપમાં રહેતા દંપતીના મોટા પુત્રને ત્રણ દીકરીઓ હોવાથી અને દિકરાનો જન્મ ન થતા આદિવાસી લોકવાયકા મુજબ સમાજની ખાસ પ્રથા વધામણું નામની પ્રથા કરવા માટે સાબરકાંઠા જીલ્લાના પોશીના તાલુકાના માલાવાસમાં ૬ દાયકાથી લિવ ઈન રિલેશનશિપમાં રહેતા અને સુખી સંસાર ધરાવતા ૭૫ વર્ષના ગમના ભાઈ કાળુભાઇ સોલંકીના રાજસ્થાનના રાજપુર ગામનાં ૭૦ વર્ષીય વણઝારી દેવી પારઘીના લગ્ન યોજાયા હતા.

આ અનોખા લગ્નમાં જ્યાં ૭૫ વર્ષના વરરાજાએ ૭૦ વર્ષની કન્યા જોડે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા અને વાજતે - ગાજતે નીકળેલા વરઘોડામાં વર-વધૂનાં પૌત્ર અને પૌત્રીઓ મનમુકીને નાચ્યા હતા અને પોશીના વિસ્તારનો આદિવાસી સમાજ પણ આમાં મનમુકીને નાચ્યો હતો.

શરીરે પીઠીના રંગ....ખભે તલવાર...માથે સાફો...હાથમાં ૭૦ વર્ષની કન્યાના હાથ અને સાત ભવ સાથે રહેવાના સોગંધ સાથે આજે પોશીના તાલુકાના માલવાસમાં રહેતા ૭૫ વર્ષીય ગમાનભાઈ કાળાભાઈ સોલંકીએ રાજસ્થાનના રાજપુર ગામના ૭૦ વર્ષીય વણઝારી દેવી પારધી સાથે પ્રભુતામાં પગલા માંડ્યા હતા. આ નવ-પરિણીત યુગલ ૬૦ વર્ષથી લીવ ઇન રિલેશનશીપમાં રહે છે અને હાલમાં એમને ૩ દીકરી અને ૬ દિકરા સહીત કુલ ૯ સંતાનો તો  છે અને સાથે સાથે આ સંતાનોના ઘરે પણ સંતાનો છે. આર્થિક સ્થિતિ સારી નાં હોવાને કારણે આ યુગલ એક ઘરમાં સાથે તો રહેતું હતું પણ એ સંબંધને લગ્નનું નામ અપાયું ન હતું. ત્યારે હાલમાં પરિવાર આર્થિક રીતે સદ્ધર થતા તેમના  લગ્ન લેવાયા હતા. આ લગ્નમાં તેમના પૌત્રો અને પૌત્રીઓ તો મનમુકીને આ લગ્નમાં મહાલ્યા...નાચ્યા...અને મોજ કરી હતી. જીવનની આથમતી સંધ્યાએ આ યુગલના સંબંધને એક નામ મળ્યું એની ખુશી એમના ચહેરા પર તો ખરી પણ એમના વારસોના ચહેરા પર પણ ઝલકતી જોવા મળતી હતી.