મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: છેલ્લા કેટલાક સમયથી સ્વાઈન ફ્લૂનો કહેર સતત વધી રહ્યો છે. સામાન્ય રીતે ઠંડી વધવાથી ફેલાતો સ્વાઈન ફ્લૂ ઠંડીમાં ઘટાડો થવા છતાં વકર્યો છે. આજે શહેરની ખાનગી હોસ્પિટલમાં વધુ એક દર્દીનું સ્વાઈન ફ્લૂથી મોત નિપજ્યું છે. જૂનાગઢ જિલ્લાના 51 વર્ષીય પુરૂષનું ક્રાઈસ્ટ હોસ્પિટલ ખાતે મોત થતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. અને આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે.

રાજકોટમાં સ્વાઇન ફ્લૂએ વધુ એક દર્દીનો ભોગ લીધો છે. 51વર્ષીય જૂનાગઢ જિલ્લાના દર્દીનું સ્વાઈન ફ્લૂની સારવાર દરમિયાન ક્રાઈસ્ટ હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. કેટલાક દિવસ અગાઉ તેઓ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા. જો કે સઘન સારવાર છતાં આજે તેમનું મોત નિપજતા પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 18 દિવસ દરમિયાન 46 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી સાત લોકોના મોત નિપજ્યા છે.