મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા હાલમાં જ ધોરણ દસના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી હતી. આ સાથે જ તેમના પરિણામને લઈને ઘણી ચર્ચાઓ શરૂ થઈ હતી. તેઓના આગામી ભાવી પર પણ સવાલો ઊભા થયા હતા. જોકે શિક્ષણ બોર્ડ દ્વારા તમામ ડીઈઓને સૂચના અપાઈ છે કે ધોરણ 10ના વિદ્યાર્થીઓની માર્કશિટમાં માસ પ્રમોશન લખવું નહીં પરંતુ તેમના એલસીમાં રિમાર્ક્સના ખાનામાં માસ પ્રમોશન લખવાનું છે. 

શિક્ષણ વિભાગ માટે ધોરણ 10ના માસ પ્રમોશનની જાહેરાત પછી એ સૌથી મોટી માથાકૂટ હતી કે તેમનું પરિણામ કઈ રીતે તૈયાર થશે. હવે વિભાગે માર્ક્સ આપવાની પદ્ધતી જાહેર કરી છે. જે અંતર્ગત વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવશે જેમાં બે પદ્ધતી પ્રમાણે માર્ક્સ મુકાશે. પ્રથમ ભાગમાં શાળાકીય આંતરિક મુલ્યાકનને આધાર છે જે કુલ 20 માર્ક્સનું હશે. જેના બીજા ભાગમાં બાકીના 80 ગુણનું મુલ્યાકન કરાશે. આમ કુલ 100 માર્ક્સ ગણાશે.

વિભાગના નિર્ણય પ્રમાણે માસપ્રમોશન માર્કશીટમાં નહીં પરંતુ તેમના શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં ઉલ્લેખ કરાશે. સરકારે આ સંદર્ભમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે તમામ ડીઈઓને સૂચના આપી છે.

પરીક્ષાર્થિઓના ગુણ, તેમના નામ અને એપ્લિકેશન નંબરના આધારે તેમામ વિગતો ભરી 17મી જુનએ સાંજે 5 વાગ્યા સુધી તમામ શાળાઓએ વિદ્યાર્થીઓના માર્ક અપલોડની કરી દેવાની રહેશે. ઓનલાઈન ગુણ ભરવા માટે શાળા ઈન્ડેક્સ નંબર અને નોંધાયેલા મોબાઈલ નંબર વડે લોગઈન કરી શકાશે. ગુજરાતના તમામ વિદ્યાર્થીઓના ભાવી બગડે નહીં અને કોરોનાની સ્થિતિને કારણે લેવાયેલા આ નિર્ણયથી લોકોને સરળતા રહે તે માટે સરકાર સતત તત્પરતા દર્શાવવાના પ્રયત્નોમાં છે.