મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે ૨૩ એપ્રિલે યોજાનારા મતદાન અગાઉ જ એક લાખ મત પડી ચૂક્યાં છે. રાજ્યનાં તમામ જિલ્લાઓમાં મતદાર સુવિધા કેન્દ્રો (વોટર ફેસિલીટેશન સેન્ટર) મારફતે ટપાલ મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જેમાં અંદાજે ૧,૦૦,૩૩૬ જેટલા પોલીસ તથા હોમગાર્ડ સહિતના કર્મચારીઓએ ટપાલ મતદાન કરેલ છે.

ચૂંટણી ફરજ સાથે સંકળાયેલ સ્ટાફ જેમ કે મતદાન મથકનો સ્ટાફ, ડીસ્પેચીંગ/રિસીવીંગ/અન્ય કામગીરી સાથે સંકળાયેલ સ્ટાફ, પોલીસ તથા હોમગાર્ડઝ, ડ્રાઇવર/કિલનર વગેરે સ્ટાફને ઇડીસી અથવા પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનની સુવિધા ચૂંટણી અધિકારી દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. મતદાર તરીકે નોંધાયેલ હોય તે મતદાર વિભાગની અંદર ચૂંટણી ફરજ સોંપાયેલ છે તેવા કર્મચારીઓ ઇડીસી દ્વારા મતદાન કરી શકે છે, જ્યારે જે-તે મતદાર વિભાગની બહાર ચૂંટણી ફરજ સોંપાયેલ છે તેવા કર્મચારીઓ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરી શકે છે.

આવા કર્મચારીઓને જે-તે મતદાર વિભાગમાં ચૂંટણી અધિકારી દ્વારા ખાસ ઉભા કરવામાં આવેલ મતદાર સુવિધા કેન્દ્રો (વોટર ફેસિલીટેશન સેન્ટર) ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન કરાવવામાં આવેલ છે. મતદાર સુવિધા કેન્દ્રો ખાતેની ટપાલ મતદાન પ્રકિયા નિહાળવા પોતાના પ્રતિનિધિશ્રીને ઉપસ્થિત રખાવવા રાજકીય પક્ષો તથા ઉમેદવારોને ચૂંટણી અધિકારી દ્વારા સ્થળ અને સમયની આગોતરી જાણ કરવામાં આવેલ તેમજ આ સમગ્ર પ્રક્રિયાની વિડીયોગ્રાફી પણ કરવામાં આવેલ છે. જેમાં રાજ્યનાં તમામ જિલ્લાઓમાં મતદાર સુવિધા કેન્દ્રો (વોટર ફેસિલીટેશન સેન્ટર) મારફતે ટપાલ મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જેમાં અંદાજે ૧,૦૦,૩૩૬ જેટલા પોલીસ તથા હોમગાર્ડ સહિતના કર્મચારીઓએ ટપાલ મતદાન કરેલ છે.