ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): ગતવર્ષ અને આ વર્ષના ગુડી પડવા તહેવાર અમારા માટે લોકડાઉનના ઓછાયા હેઠળ એક સમાન છે, આજે મુંબઈની કોઈ જવેરીની દુકાન ખુલ્લી નથી. બસ ફરક માત્ર એટલો જ છે કે ગતવર્ષે આ સમયે સોનાના ૧૦ ગ્રામ દીઠ ભાવ રૂ. ૪૧,૧૦૦ હતા અને આજે રૂ. ૪૬,૩૫૦ છે અને બે વર્ષની પરંપરામાં બજારમાં કોઈ દૂકાન ખુલ્લી નથી, એટલે ગ્રાહક પણ નથી. ૨૯ માર્ચે ભાવ રૂ. ૪૩,૧૫૦ના આ વર્ષના તળિયે ગયા ત્યારે લાગતું હતું કે તહેવારોમાં અમારા નસીબ આડેથી પાંદડું ખસી જશે, પણ સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ, આ દર્દભરી દાસ્તાન આજે ઇંડિયન બુલિયન એન્ડ જવેલર્સ એસોસિયેશન (ઈબજા)ના રાષ્ટ્રીય સેક્રેટરી સુરેન્દ્ર મહેતાએ જન્મભૂમિ વ્યાપારને કહી હતી.

ઈબજાના મુંબઈ પ્રમુખ અને ઉમેદમલ ત્રિલોકચંદ જ્વેલર્સના કુમાર જૈને કહ્યું કે બે દિવસ અગાઉ અમે મહારાષ્ટ્ર સરકારને મળ્યા હતા અને કહ્યું હતું કે મુંબઇમાં ૨.૫ લાખ જ્વેલરી કારીગરો ૩,૫૦૦ જેટલી નાની નાની ખોલીમાં વસે છે, તેઓ વિચારાધીન લોકડાઈનમાં વતન પાછા ફરી જશે તો અમારી તો ગોળા સાથે ગોફણ પણ જશે. ગતવર્ષના લોકડાઉન પછી અમે તેમને માંડમાંડ સમજાવી પટાવીને ટિકિટના પૈસા, ખાવા પીવાની વ્યવસ્થા, પોલીસની સાથે સહયોગ કરીને કારીગરોને પાછા મુંબઇમાં વસાવ્યા હતા.

મેસર્સ મેઘાજી વનેચંદના અનિલ સંઘવી કહ્યું હતું કે દેશભરના કૂલ બુલિયન વેપારનો ૪૦ ટકા હિસ્સો એકલા મુંબઇનો છે. મુંબઈ ઉપર આખા દેશના જ્વેલરો અને નિકાસકારોનો વેપાર નિર્ભર હોય છે. તમે (વ્યાપાર) આજે અમારી સુધ લેવા આવ્યા છો, તેથી દુ:ખમિશ્રિત હર્ષની લાગણી થાય છે. અમારા વેપાર કે અમારા કારીગરોની વર્તમાન હાલતનું બયાન કોના પાસે કરવા જઈએ. એક અનામી ઓનલાઈન જ્વેલર્સ કહે છે કે બધાને ખબર છે, લોકડાઉનની તલવાર માથે લટકે છે, આજના સપરમા દિવસે ખિસસમાંથી નાણાં ઢીલા કરવા, જૂજ વયક્તિઓ મર્યાદીત પ્રમાણમાં ઑનલાઇન જવેલરી કે લગડી ખરીદવાની હિંમત કરી શક્યા છે.

ઓલ ઈન્ડિયા જેમ એન્ડ જવેલરી ડોમેસ્ટિક કાઉન્સિલના ભૂતપૂર્વ પ્રમુખ અને દાનાભાઈ જાવેલર્સના અશોકભાઈ મિનાવાલાને અમે પૂછ્યું કે માર્ચ મહિનામાં સોનાનાની આયાત ૪૭ ટકા વધીને ૧૬૦ ટન થઈ છે, એ કોના માટે હતી? તેમણે કહ્યું કે, તમે એમ માનો છો કે આ સોનું આગામી લગનસરા અને તહેવારોની જાવેલરીની માંગ માટે હતું? એ વાત અર્ધસત્ય છે. વાસ્તવમાં માર્ચમાં જ્યારે સ્થાનિક બજાર કરતાં જાગતિક બજારમાં ભાવ વધારે તૂટયા, ત્યારે અહીના બુલિયન સટ્ટોડિયાઓએ સ્થાનિક એક્સચેન્જમાં મોટાપાયે મંદીનો ખેલ પાડ્યો હતો. હવે તેમને સસ્તા ભાવના વેચાણની સામે ઊંચા ભાવે સોદા કાપી અથવા ડિલિવરી આપી, મોટો નફો રળવાની તક મળી ગઈ છે.    

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)