મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: લોકસભાની ચૂંટણીઓમાં ત્રીજા તબક્કામાં આજે ગુજરાતની 26 લોકસભા બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. જેમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલે રાજકોટથી મતદાન કર્યું હતું.

મતદાન કર્યા બાદ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલે મીડિયા સાથે વાતચીત કરી હતી. મીડિયાકર્મીઓએ જ્યારે કેશુભાઇને પુછ્યું કે આ ચૂંટણી અંગે શું કહેવું છે? તો જવાબમાં કેશુબાપાએ કહ્યું કે હું આમ તો ગાંધીનગરમાં રહું છું અને ગાંધીનગરમાં મારુ નામ મતદાર યાદીમાં નોંધાવી શકું છું. પરંતુ વતનમાં મતદાર યાદીમાં નામ રાખ્યું છે અને વતનમાં મતદાન કરવા આવ્યો છું.

ચૂંટણીમાં રાજકીય સ્થિતિ વિશે પૂછવામાં આવતા કેશુબાપાએ કહ્યું હતું કે હું બહાર ફરતો નથી. હું ક્યાંય પ્રચાર કરવા માટે પણ ગયો નથી તેથી હું રાજકીય સ્થિતિ વિશે કશું ન કહી શકું.

અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2001માં આવેલા ભૂકંપ બાદ કેશુભાઇ પટેલને ગુજરાતના મુખ્યમંત્રી પદેથી દૂર કરાયા બાદ નરેન્દ્ર મોદીને રાજ્યનું સુકાન સોંપવામાં આવ્યું હતું. જ્યાર બાદ નરેન્દ્ર મોદી વડાપ્રધાન પણ બન્યા અને બીજી ઇનિંગ માટે તેઓ ફરી એક વખત ચૂંટણી મેદાનમાં છે.