મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી:  કેન્દ્ર સરકાર દ્ધારા નવા વર્ષની પૂર્વે ગ્રાહકોને વિવિધ ચીજવસ્તુઓનાં જીએસટી દરમાં રાહત આપવામાં આવી છે. ૨૭ વસ્તુઓ અને ૬ સેવાઓમાં ઘટાડેલા જીએસટી દરનો લાભ આગામી ૧ જાન્યુઆરીથી મળશે. જેમાં માત્ર ૬ આઈટેમ્સને જ ૨૮ ટકાથી ઘટાડી ૧૮ ટકાના સ્લેબમાં મુકવામાં આવી છે. હવે માત્ર ૨૮ વસ્તુઓ જ ૨૮ ટકાના સ્લેબમાં રહી છે. નાણા મંત્રી અરુણ જેટલી દ્ધારા સિમેન્ટ તેમજ ઓટો પાર્ટસના ૨૮ ટકાનાં જીએસટી દરમાં કોઈ જ ઘટાડો કરવામાં આવ્યો નથી.

દિલ્હી ખાતે આજે મળેલી ૩૧મી જીએસટી કાઉન્સીલની બેઠક પછી કેન્દ્રના નાંણા મંત્રી અરુણ જેટલીએ કુલ ૩૩ વસ્તુઓમાં જીએસટી દર ઘટાડવાની જાહેરાત કરી હતી. તેમણે પત્રકારોને કહ્યું કે, ૨૭ આઈટેમ્સ પર જીએસટી ૧૮ ટકાથી ઘટાડી ૧૨ અથવા ૫ ટકા કરવામાં આવી છે. જયારે ૬ વસ્તુઓમાં જીએસટી દર ૨૮ ટકાથી ઘટાડી ૧૮ ટકા કરવામાં આવ્યો છે. આ પ્રસંગે અરુણ જેટલીએ કહ્યું કે, આ બેઠકમાં સિમેન્ટ પર જીએસટી દર ઘટાડવા માટે કોઈ જ ચર્ચા થઇ નહોતી.

ટાયર, વીસીઆર, લીથીયન બેટરી અને ૩૨ ઇંચ સુધીના ટીવીમાં જીએસટી દર ૨૮ ટકાથી ઘટાડી ૧૮ ટકા કરવામાં આવ્યો છે. આ નિર્ણયના કારણે ૨૮ ટકાના સ્લેબમાં હવે માત્ર ૩૪ ટકા જ વસ્તુઓ જ બાકી રહી છે. થીયેટરમાં રૂપિયા ૧૧૦થી વધારેની ટીકીટ પર ૧૮ ટકા અને રૂપિયા ૧૦૦થી ઓછી ટીકીટ પર ૧૨ ટકા જ જીએસટી દર લાગશે. વ્હીલ ચેરમાં ૨૮ ટકાથી ૫ ટકા, ફ્રોજન વેજીટેબલ પર પાંચ ટકાથી ઝીરો, ફૂટવિયર પર ૧૮થી ૧૨ ટકા તેમજ ધાર્મિક યાત્રા પર ૧૮ ટકાથી ઘટાડી ૧૨ અને ૫ ટકા જીએસટી દર કરવામાં આવ્યો છે.

નાણા મંત્રી અરુણ જેટલીએ કહ્યું કે, સિમેન્ટ પર જીએસટી ઘટાડવાથી ૧૩૦૦૦ કરોડ રૂપિયાનો બોજ પડે તેમ છે. જયારે ઓટો પાર્ટસ પર દર ઘટાડવાથી ૨૦૦૦૦ કરોડનો બોજ પડશે. તેમાં આગામી જાન્યુઆરીમાં મળનારી બેઠકમાં રીયલ એસ્ટેટ સેક્ટર પર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યને થતા નુકશાન પર મંત્રીઓઓની એક સમિતિ બનાવવામાં આવશે.