અનિલ પુષ્પાંગદન (મેરાન્યૂઝ, ગાંધીનગર): ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા નિગમના એમડી મનીષ ભારદ્વાજ તથા ચેરમેન રાજેશ પાઠકે નિયમો બહાર વધુ ખર્ચ કરી બે લાખ રૂપિયાના બે મોબાઇલ, 5 વર્ષના 50 હજાર રૂપિયાના ભાડા પટ્ટે ત્રણ ડોંગલ સરકારી ખર્ચે નિગમના નામે ખરીદ્યા હોવાનું જાણવા મળ્યું છે.  

સામાન્ય વહિવટ વિભાગના નિયમો અનુસાર કોઈપણ IAS અધિકારી 20,000 રૂપિયાની જોગવાઈમાં જ મોબાઈલ ફોન ખરીદી શકે છે. પરંતુ ગુજરાત નાગરિકા પુરવઠા નિગમના એમડી મનીષ ભારદ્વાજએ નિયમોને તોડી 2.04 લાખની કિંમતના બે મોબાઇલ તા. 6/6/ 2018ના રોજ ગાંધીનગરના સેક્ટર 11માં આવેલ હવેલી આર્કેડ સ્થિત શોપ નંબર-04, કબીર ટેકનોલોજીસ પ્રા. લિમિટેડમાંથી ખરીદ્યા હતા. આ બંને મોબાઇલ એપલ-એક્સ 256 જીબીના છે. આ બંનેની કુલ કિંમત બિલ અનુસાર 204000 રૂપિયા છે. આ બંને મોબાઇલ ગુજરાત નાગરિક પુરવઠા નિગમના નામે ખરીદાયા છે. જેમાંથી એક મોબાઇલ નિગમના એમડી મનીષ ભારદ્રાજ અને બીજો મોબાઇલ નિગમના ચેરમન રાજેશ પાઠક ઉપયોગ કરતા હોવાનું જાણવા મળ્યું છે. આટલું ઓછું હોય તેમ તેમણે ત્રણ ડોંગલ પણ સરકારી ખર્ચે લીધા છે જેમાં 5 વર્ષના 50 હજાર રૂપિયા ઇન્ટરનેટના બિલ તરીકે ચુકવાશે જેનો ખર્ચ પણ નિગમના માથે નાખ્યો છે એટલે કે પ્રજાના ટેક્સના પૈસામાંથી મોબાઇલ અને ઇન્ટરનેટના બિલ ચુકવાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે મગફળીની ખરીદી અને બારદાનમાં આગ મામલે પુરવઠા નિગમ ચર્ચામાં રહ્યું છે ત્યારે હવે મોબાઇલ ખરીદી મામલે વધુ એક વખત ચર્ચાનો વિષય બન્યું છે.