મેરાન્યૂઝ નેટવર્ક.ઈડર: ઈડરના સાબલવાડામાં ગણપતિ વિસર્જન વખતે પટેલો અને ઠાકોરો વચ્ચે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૃપ ધારણ કર્યું છે. આ ઘટનામાં બંને જૂથોની સામ-સામે ફરિયાદો બાદ ફરીવાર શનિવારે રાત્રે તથા રવિવારે બપોરે બંને જૂથ સામ-સામે આવી ગયા હતા, અને પથ્થરમારો તથા વાહનોમાં તોડફોડ કરી હતી. કેટલાંક લોકોને ઇજાઓ પણ પહોંચી છે. પોલીસે ગામમાં ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હોવા છતાં હજુ પણ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. રવિવારે બપોરે જ ગામમાં કોમ્બીંગ હાથ ધરી બંને જૂથના મળી 16 જેટલા વ્યક્તિઓની અટકાયત કરી હોવાનું ડી.વાય.એસ.પી. ડી.એમ. ચૌહાણે જણાવ્યું હતું.

સાબલવાડામાં ગણપતિ વિસર્જન વખતે પટેલો અને ઠાકોરોના જૂથ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બાબતની અદાવતમાં ગત તા. 13ની રાત્રે મારા-મારી થઈ હોવાની રજૂઆત બાદ પોલીસે બંને જૂથના પાંચ-પાંચ સખ્શો વિરુદ્ધ સામ-સામે રાયોટિંગની ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી. ત્યાં જ ફરીવાર શનિવારે રાત્રે બંને જૂથ સામ-સામે આવી જઈ પથ્થરમારા પર ઉતરી આવતાં પોલીસના ધાડે-ધાડા સાબરવાડ ખાતે ઉતારી દેવાયાં હતાં અને ગામમાં બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. દરમિયાન આજે રવિવારે બંને જૂથના આગેવાનો સમાધાન માટે એકઠા થયા હતા. તેવામાં ફરીવાર બંને જૂથ સામ-સામે આવી જતાં અથડામણ સર્જાઈ હતી. પથ્થરમારો તથા તોડફોડની ઘટનાઓ પણ નોંધાઈ હતી. આ ઘટનામાં કેટલાંકને ઈજાઓ પણ પહોંચી છે. કેટલાંક વાહનોમાં પણ તોડફોડ કરાઈ છે. ગામમાં પોલીસની હાજરી છતાં ફરીવાર આ પ્રકારની ઘટના ઘટતાં પોલીસનું ટેન્શન વધી ગયું હતું. દરમિયાન ગણતરીની પળોમાં જ ડી.વાય.એસ.પી. સહિત જિલ્લાભરની પોલીસ સાબલવાડ દોડી આવી હતી. પોલીસે ગામમાં કોમ્બીંગ હાથ ધરી ધરપકડનો દોર શરૃ કર્યો હતો. જેમાં બંને જૂથના મળી ૧૬ જેટલા લોકોની અટકાયત કરાઈ છે. કોમ્બીંગની કામગીરી હજુ પણ ચાલુ રહેશે તેમ ડી.વાય.એસ.પી. ડી.એમ. ચૌહાણે જણાવ્યું હતું. પોલીસે હાલમાં ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હોવા છતાં હજુ પણ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. ઘટનાની ગંભીરતાને જોઈ નાયબ કલેકટર સહિતના અધિકારી પણ સાબલવાડ ગામે દોડી ગયા હતા.